આ છ ચીજો ખાઈ-પીને વજન ઉતારો

11 October, 2011 08:31 PM IST  | 

આ છ ચીજો ખાઈ-પીને વજન ઉતારો



- સેજલ પટેલ

વજન ઘટાડવું હોય તો શું-શું નહીં ખાવું એની ચર્ચા તો અનેક વાર થઈ ચૂકી છે. લોકો કંઈ ન ખાઈને સાવ ભૂખ્યા રહીને પણ વજન ઉતારે છે એને બદલે શરીરને યોગ્ય કૅલરી અને પોષક તત્વો સંતુલિત રીતે મળી રહે એ માટે તમે કઈ ચીજો ખાઓ છો એના પર ખૂબ આધાર રાખે છે. વજન ઉતારવું હોય તો ચરબી બાળવી પડે. એ માટે એક્સરસાઇઝ ઇઝ મસ્ટ. જોકે કેટલીક ખાદ્ય ચીજો પણ એવી છે જે ચરબીને ઝડપથી બાળવામાં મદદ કરે છે. ચાલો, જોઈએ શું ખાઈને પાતળા થઈ શકાય એ.

વેજિટેબલ : બ્રૉકલી

આમ તો ફાઇબરવાળાં કોબીજ, પાલક, ફણસી, પરવળ જેવાં તમામ શાકભાજી સારાં; પરંતુ બ્રોકલીમાં ડાયેટરી ફાઇબર, પોષક તત્વો અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ડાયેટરી ફાઇબરને કારણે કબજિયાત દૂર થવાથી પાચનતંત્રની જૂની બીમારી ધરાવતા લોકોની તકલીફ દૂર થાય છે. તાજી બ્રૉકલીને ગરમ પાણીથી ધોઈને વરાળથી અધકચરી બાફીને ખાવી સૌથી વધુ ગુણકારી છે. એમાં ઑલિવ ઑઇલ, કાળાં મરી અને નમક નાખીને લઈ શકાય. બ્રૉકલીને પાણીમાં બાફવાથી એની ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટી નાશ પામે છે.

પીણું : લીંબુવાળું હૂંફાળું પાણી

શરીરમાં સતત પાણીની જરૂર રહે છે. ભોજન દરમ્યાન જે વ્યક્તિઓ સૉફ્ટ ડ્રિન્ક્સ લે છે તેમનું વજન દર વર્ષે ધીમે-ધીમે વધતું રહે છે. રિસર્ચરોએ સ્ત્રીઓ પર પ્રયોગ કરીને તારવ્યું છે કે સૉફ્ટ ડ્રિન્ક્સને બદલે સહેજ હૂંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું પાચન થવા માંડે છે. રિસર્ચરોએ જણાવ્યા પ્રમાણે રોજ ચાર કપ એટલે કે આશરે ૪૫૦ મિલીલિટર જેટલું હૂંફાળું લીંબુપાણી પીવાથી સરેરાશ અડધો કિલો વજન ત્રણથી ચાર મહિનામાં ઊતરે છે.

નૅચરલ મિનરલ વૉટરમાં લીંબુ નાખીને લેવાથી શરીરને જરૂરી ખનિજ તત્વો જેવાં કે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને પોટેશિયમની ખામી ઉત્પન્ન નથી થતી. લીંબુ એ વિટામિન ‘સી’નો ઉત્તમ સ્રોત છે. વળી એ શરીરમાં ઑક્સિજનેશનની ક્રિયા થતી અટકાવીને કોષોેને સાબૂત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ફ્રૂટ : તરબૂચ

અન્ય ફળોમાં સિમ્પલ શુગરનું પ્રમાણ વધારે છે. આ એવું ફ્રૂટ છે જેમાં પાણીની માત્રા પુષ્કળ છે. એનાથી શરીરની ચરબીને બળતણ મળી રહે છે. જો તમે વજન ઉતારવા માટે મચી પડ્યા હો પરંતુ ખાવા પર કાબૂ ન આવી શકતો હોય તો તમે જ્યારે ભૂખ લાગે ત્યારે તરબૂચ ખાવાનું શરૂ કરી દઈ શકો છો. એમાં ખૂબ જ ઓછી કૅલરી છે અને થાયામિન તથા વિટામિન-સી જેવાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ સારીએવી માત્રામાં છે. બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ પછીની ફ્રૂટ-ડિશ તરીકે તરબૂચ લઈ શકાય. ખાતી વખતે ફ્રેશ તરબૂચ કાપવું જરૂરી છે. કાપીને ફ્રિજમાં રાખી મૂકેલું જૂનું તરબૂચ ખાવાનું ટાળવું.

સિરિયલ્સ : ઓટ્સ

સવારે ઊઠીને બ્રેકફાસ્ટમાં તમે શું લો છો એ ખૂબ મહત્વનું છે. ઓટ્સ એ માટે બેસ્ટ છે. એમાં રહેલા સૉલ્યુબલ ફાઇબરમાં બીટા-ગ્લુકેન હોય છે જે તમે ખાધેલા ફૂડમાંથી કૉલેસ્ટરોલ અને ફૅટને ઍબ્સૉર્બ કરી જાય છે. ઓટ ખૂબ જ સારું ચરબી ઓગાળનારું ફૂડ ગણાય છે. એ જઠરમાંથી પચીને સ્ટૂલ વાટે બહાર નીકળવા માટે પણ લાંબો સમય લે છે એને કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ઓટમાં એવું કેમિકલ છે જે બ્લડ-સેલ્સને રક્તવાહિનીઓની દીવાલ સાથે ચીટકતું અટકાવે છે. દૂધમાં પૉરિજ બનાવીને લઈ શકાય.

જૂસ : દૂધીનો રસ

વજન ઘટાડવા માટે ફ્રૂટ્સનો જૂસ બનાવીને લેવાને બદલે દૂધીનો રસ પીવો. દૂધીમાં ૯૬.૧ ટકા પાણી હોય છે. દૂધી પચવામાં હલકી હોય છે અને અન્ય ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે. ૧૦૦ ગ્રામ દૂધીના રસમાં માત્ર ૧૨ કૅલરી હોય છે. એમાં રહેલું પાણી ડાઇયુરેટિકની જેમ શરીરમાંનાં ઝેરી તત્વોને બહાર ફેંકવામાં મદદ કરે છે. જૂસ બનાવીને એમાં ફુદીનાનાં પાંચ પાન ઉમેરીને એનો જૂસ કાઢી લેવો. એમાં બે ચમચી જીરા પાઉડર અને પા ચમચી મરી પાઉડર ઉમેરીને પી જવું.

મસાલા : કાળાં મરી અને લાલ મરચાં

તમે જોયું હશે કે જો ખાવાનું તીખું હોય તો ઓછું ખવાય છે. રિસર્ચરોનું માનવું છે કે કાળાં મરી અને લાલ મરચાં જેવી ચીજોમાં રહેલાં ઍસિડિક તત્વોથી ભૂખ ઓછી થઈ જાય છે. સાવ મોળું ખાવાને બદલે કાળાં મરી અને લાલ મરચાંવાળી તીખી ચીજો ખાવાથી શરીરમાં જમા થયેલી ફૅટ ઘટે છે. જોકે વધુપડતી માત્રામાં તીખાંતમતમતાં દ્રવ્યોનું સેવન કરવાથી પાચનશક્તિ સાવ મરી જાય છે અને અવળી તકલીફો શરૂ થઈ જાય છે.