તમારા બાળકના દૂધિયા દાંત પડી જાય પછી એ દાંતનું તમે શું કરો છો?

04 December, 2014 05:43 AM IST  | 

તમારા બાળકના દૂધિયા દાંત પડી જાય પછી એ દાંતનું તમે શું કરો છો?


હેલ્થ-વેલ્થ-જિગીષા જૈન

તમારાં બાળકોના દૂધિયા દાંત પડી જાય છે ત્યારે તમે શું કરો છો? સામાન્ય રીતે બધા એ ફેંકી દેતા હોય છે, પરંતુ આ દાંત ખૂબ જ કામની વસ્તુ સાબિત થઈ શકે છે જો તમે એને સ્ટેમ સેલ પ્રિઝર્વેશન બૅન્કમાં પ્રિઝર્વ કરાવો તો એમાં રહેલા સ્ટેમ સેલ્સ થકી ભવિષ્યમાં તમારા બાળકનો જ નહીં તમારા સમગ્ર પરિવારનો સ્ટેમ સેલ ટેકનિકથી ઇલાજ થવાનું શક્ય બની શકે છે. આજકાલ મુંબઈમાં ઘણા લોકો ડેન્ટલ સ્ટેમ સેલ પ્રિઝર્વેશન કરાવી રહ્યા છે. મુંબઈમાં એવી ઘણી કંપનીઓ છે જે ડેન્ટલ સ્ટેમ સેલની સુવિધા આપી રહી છે. મેડિકલ દુનિયામાં ઇલાજની નવી-નવી રીતો શોધાયા કરે છે. ડૉકટરો અને વૈજ્ઞાનિકોને સ્ટેમ સેલ ટેકનિક પર ઘણી આશા રહેલી છે કે એના દ્વારા ભવિષ્યમાં ઇલાજની રીતોમાં મહત્વના બદલાવ આવશે.

આજકાલ ઘણા બૉલીવુડ સ્ટાર્સ સ્ટેમ સેલ પ્રિઝર્વેશનની જાહેરાત કરવા માંડ્યા છે. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં ઘણા લોકો પોતાનું બાળક જન્મે એ પહેલાંથી આ સ્ટેમ સેલ પ્રિઝર્વેશનની માહિતી મેળવી રહ્યા છે અને ઘણા લોકો એ કરાવી પણ રહ્યા છે જેમાં જન્મ સમયે બાળક અને માને જોડતી ગર્ભનાળ અને એમાં રહેલું લોહી જેને અનુક્રમે અમ્બિલિકલ કૉર્ડ અને અમ્બિલિકલ કોર બ્લડ કહે છે એને પ્રિઝર્વ કરવામાં આવે છે. એમાં સ્ટેમ સેલ્સ રહેલા હોય છે જે ભવિષ્યમાં ડીજનરેટિવ ડિસીઝના ઇલાજમાં કામ લાગી શકે છે. લગભગ ૧૦૦થી વધારે રોગોમાં આ સ્ટેમ સેલ થકી ઇલાજ શક્ય છે. સ્ટેમ સેલ્સ થકી જે ઇલાજ થાય છે એ મોટા ભાગે વિદેશોમાં થાય છે. ભારતમાં જોકે એની શરૂઆત થઇ ચૂકી છે. એના દ્વારા કૅન્સર જેવા ભયંકર રોગોથી લઈને હેર-ફૉલ જેવી સામાન્ય સમસ્યાઓનો ઇલાજ શક્ય બને છે. મોટા ભાગના નિષ્ણાત સ્ટેમ સેલ્સ પ્રિઝર્વ કરવાની સલાહ આપે છે, કારણ કે ભવિષ્યમાં આ ટેકનિકથી થતા ઇલાજ ઘણા સુલભ બનવાની શક્યતા છે.

ખર્ચાળ

ઘણાં કપલ્સ એવાં હોય છે જેમને સ્ટેમ સેલ પ્રિઝર્વેશન વિશે માહિતી બાળકના જન્મ પછી મળી હોવાને કારણે તેઓ એ પ્રિઝર્વ કરાવવાનું ચૂકી ગયાં હોય. જેમ કે આજથી ૧૦ વર્ષ પહેલાં આજના જેટલું સ્ટેમ સેલ પ્રિઝર્વેશનનું ચલણ નહોતું. એથી એ સમયે કોઈએ આ સ્ટેમ સેલ પ્રિઝર્વેશન ન કરાવ્યું હોય તો પણ મોડું નથી થયું, કારણકે સ્ટેમ સેલનું પ્રિઝર્વેશન ફક્ત ગર્ભનાળ અને એના લોહી દ્વારા નહીં, પરંતુ દાંત દ્વારા પણ થઈ શકે છે. આ પ્રિઝર્વેશન વિશે પોતાનું મંતવ્ય આપતાં વન્ડર સ્માઇલ, અંધેરીના ઑર્થોડૉન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘આ પ્રકારનું પ્રિઝર્વેશન મોંઘું હોય છે. લગભગ ૨૧ વર્ષ સુધી દાંતના સ્ટેમ સેલ્સને પ્રિઝર્વ કરવા માટે ૮૦ હજારથી લઈને એક લાખ રૂપિયા ચાર્જ થતો હોય છે. જે વ્યક્તિ પાસે પૈસા છે તેમણે ચોક્કસ ડેન્ટલ સ્ટેમ સેલ પ્રિઝર્વેશન કરાવવું જોઈએ, પરંતુ જેમની પાસે સગવડ નથી અને જે કરાવી શકે એમ નથી તેમણે દુખી થવાની પણ જરૂર નથી કે તેઓ આ પ્રિઝર્વેશન કરાવી શકે એમ નથી.’

કયા દાંત કામના?

ડેન્ટલ સ્ટેમ પ્રિઝર્વેશનમાં દાંતની અંદરથી એનો માવો કાઢીને એને પ્રિઝર્વ કરવામાં આવે છે, કારણ કે આ માવામાં સ્ટેમ સેલ્સ રહેલા હોય છે. ડેન્ટલ સ્ટેમ સેલ પ્રિઝર્વેશન ફક્ત દૂધિયા દાંતનું જ નહીં, સાબુત દાંતનું પણ થઈ શકે છે. દાંતનું પ્રિઝર્વેશન કઈ રીતે થાય છે એટલે કે કયા દાંત આ પ્રિઝર્વેશન માટે કામમાં લાગી શકે છે એ જણાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જે દાંત સડેલો ન હોય એવા કોઈ પણ દાંતનો ઉપયોગ આ પ્રિઝર્વેશન માટે થઈ શકે છે. દૂધિયા દાંત એની મેળે જ પડી જાય છે એટલે એ નકામા બની જતાં એમનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો દાંત સરખા કરાવવા માટે બ્રેસિલ્સની ટ્રીટમેન્ટ કરાવે છે તેમના દાંત વચ્ચે જગ્યા લાવવા માટે અમે એક સાબૂત દાંતની કડી નાખીએ છીએ. આ દાંતનો ઉપયોગ પણ પ્રિઝર્વેશન માટે કરાવી શકાય છે. ઘણા લોકોને અક્કલ દાઢ ઊગવાની શરૂઆત થાય ત્યારથી જ દુખાવો શરૂ થાય છે એટલે એ ઊગતી દાઢને તેઓ કઢાવી નાખે છે એને પણ પ્રિઝર્વ કરી શકાય છે.’

સ્ટેમ સેલ શું છે?

સ્ટેમ સેલને સાદી ભાષામાં સમજીએ તો આ એવા કોષો છે જે બીજા કોષો જેવા બની શકવાની ક્ષમતા ધરાવે છે અને પોતે પોતાના જેવા બીજા સ્ટેમ સેલ પેદા પણ કરી શકે છે. આપણું શરીર એક એવું મશીન છે જેમાં કોઈ નવો કોષ દાખલ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે એ બહારનો પદાર્થ બની જાય છે. આમ એ એનો પ્રતિકાર કરે છે, એની સામે લડે છે. જ્યારે સ્ટેમ સેલને શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે શરીર એનો પ્રતિકાર કરતું નથી. એ શરીરના જે ભાગમાં દાખલ કરવામાં આવે એ ભાગના કોષો જેવા બની જાય છે. જેમ કે જો સ્ટેમ સેલ્સને મગજમાં દાખલ કરવામાં આવે તો આ કોષો મગજના કોષો બની જાય છે. આ પ્રકારે કોઈ પણ ડીજનરેટિવ ડિસીઝ જેમ કે ઑલ્ઝાઇમર, પાર્કિન્સન્સ ડિસીઝ, કૅન્સર વગેરેનો ઇલાજ શક્ય બને છે. આ ઇલાજ આજે પણ દેશ અને દુનિયાના અમુક ભાગોમાં થઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ પ્રકારનો ઇલાજ વિસ્તરશે એવું મેડિકલ સાયન્સનું માનવું છે.