જાણી લો કોરોનાના ટેસ્ટિંગનું એ ટુ ઝેડ

27 November, 2020 03:05 PM IST  |  Mumbai | Alpa Nirmal

જાણી લો કોરોનાના ટેસ્ટિંગનું એ ટુ ઝેડ

કોરોના ડાઇગ્નોઝ કરતી ટેસ્ટ કઈ-કઈ છે, એ ક્યારે કરાવાય અને એનાથી શું ખબર પડે એ વિશે વિસ્તારથી સમજીએ

મુંબઈગરાઓ ઑલરેડી કોરોનાની સેકન્ડ વેવ ફેલાવાની આશંકાને લીધે ભયભીત છે. એમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્રવેશવા માટે કોરોના ટેસ્ટિંગ કમ્પલ્સરી કર્યું છે. આ ડબલ ટ્રબલથી આમ આદમી સખત કન્ફ્યુઝન અને ડિલેમામાં છે કે કોરોના માટે થતી આ વિવિધ ટેસ્ટ કઈ બલા છે. ત્યારે RT-PCR કરાવવી કે ઍન્ટિજન? HRCT કોણે કરાવવી? ઍન્ટિબૉડી ટેસ્ટ જરૂરી ખરી? CT વૅલ્યુ ઇમ્પોર્ટન્ટ છે? કોરોના ડાઇગ્નોઝ કરતી ટેસ્ટ કઈ-કઈ છે, એ ક્યારે કરાવાય અને એનાથી શું ખબર પડે એ વિશે વિસ્તારથી સમજીએ...

વેલ, કોરોના વાઇરસ કઈ રીતે પ્રસરે છે, એનાથી બચવા શું કરવું અને શું ન કરવું એ વિશે આપણે મોટા ભાગના લોકો જાણીએ છીએ. રોગનાં લક્ષણો અને ટ્રીટમેન્ટની પણ આંશિક કે સંપૂર્ણ ખબર છે. બસ, અવઢવ છે કોરોનાનું નિદાન કરતાં વિધ-વિધ પરીક્ષણોની. જાણીએ દરેક ટેસ્ટ વિશે સરળ શબ્દોમાં.
રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ
આ પરીક્ષણમાં દરદીના નાકમાં રૂના પૂમડા ભરાવેલી એક સ્ટિક નખાય છે. બેય ફોયણાંમાંથી આ સ્ટિક દ્વારા નાકમાં રહેલી ભીનાશ કે લિક્વિડ એ પૂમડા પર લેવાય છે. પછી એને ખાસ દ્રાવણમાં નખાય છે અને એ દ્રાવણનાં થોડાં ટીપાં એક સ્ટિક પર મૂકવામાં આવે છે. થોડી મિનિટોમાં જો સ્ટિક પર એક ઊભી લાઇન ઊપસી આવે તો એનો મતલબ કે વ્યક્તિ કોરોનાના વાઇરસથી ગ્રસિત છે અને જો એના પર કોઈ જ માર્ક ન આવે મીન્સ વ્યક્તિ કોવિડ નેગેટિવ છે. ગોરેગામ મેડિકલ અસોસિયેશનના પ્રેસિડન્ટ અને ગોરેગામ (ઈસ્ટ)ના ગોકુલધામમાં ક્લિનિક ધરાવતા અને અનેક કોવિડ પેશન્ટની ટ્રીટમેન્ટ કરનાર ડૉ. નગીન નિર્મલ ‘મિડ-ડે’ને કહે છે, ‘રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ એ સૌથી પહેલી અને બેઝિક ટેસ્ટ કહી શકાય. કોઈ વ્યક્તિને થોડાંઘણાં પણ આ મહામારી જેવાં સિમ્પટમ્પ્સ હોય અથવા કોઈને કોરોના છે કે નહીં એ જાણવું હોય તો આ ટેસ્ટ દ્વારા 10થી 20 મિનિટમાં જ વ્યક્તિની કરન્ટ શારિરીક પરિસ્થિતિ વિશે ખ્યાલ આવી જાય છે.’
ગોવા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત સિવાયનાં રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનાર અન્ય રાજ્યોની વ્યક્તિઓએ આ ટેસ્ટ કરાવીને આવવાની છે અથવા એ દરેકનું પરીક્ષણ અહીં થશે. એનું રિઝલ્ટ તર‍ત મળી જવાથી એને રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કહે છે.
હવે વાત કરીએ એની શ્યૉરિટીની. તો આ ટેસ્ટમાં ફૉલ્સ રિપોર્ટ આવવાની શક્યતા પાંચથી ચાલીસ ટકા છે. એમાં અનેક ફૅક્ટર ભાગ ભજવે છે જેમ કે નાકમાંથી સ્વૉબ બરાબર લેવાયું છે કે નહીં, વળી એને ઇનફ ટાઇમ માટે દ્રાવણમાં બોળી રખાયું છે કે નહીં. આ સાથે જ બીજી મહત્ત્વની વાત એ કે જો આ ટેસ્ટ પૉઝિટિવ આવે મીન્સ કોવિડ પૉઝિટિવ કેસ કન્ફર્મ. વ્યક્તિના શરીરમાં કોરોનાના વિષાણુઓ પ્રવેશ્યા છે અને એ દરદીએ કમ્પલ્સરી ૧૪ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે અને જરૂરી દવાનો કોર્સ કરવો જ પડશે. જો આનો રિપોર્ટ નેગેટિવ આવે અને જે-તે વ્યક્તિને કોવિડનાં લક્ષણો હોય તો એના શ્યૉર કન્ફર્મેશન માટે RT-PCR ટેસ્ટ કરાવાય જે આજની તારીખે એકમાત્ર પાકો રિપોર્ટ આપતું પરીક્ષણ છે.’
RT-PCR ટેસ્ટ
કોરોના વાઇરસનું RNA એટલે રીબોન્યુક્લેઇક ઍસિડના અણુનું પરીક્ષણ કરતી RT-PCRનું ફુલ ફૉર્મ છે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પલ્મરીઝ ચેઇન રીઍક્શન. આ ટેસ્ટમાં પેશન્ટના ગળામાંથી ખાસ સ્ટિક વડે લાળ લેવાય છે, જેને માઉથ સ્વૉબ કહે છે. ડૉ. નગીન નિર્મલ કહે છે, ‘નાકમાંથી કે ગળામાંથી સ્વૉબ લેવાની પ્રક્રિયા જરાય પીડાકારી કે ડરામણી નથી. RT-PCRનું રિઝલ્ટ ૨૪થી ૪૦ કલાકની અંદર આવે છે, પરંતુ આ ટેસ્ટ એટલે તમારો ૧૦૦ ટકા સાચો રિપોર્ટ. આમાં નેગેટિવ તો તમે નેગેટિવ. આમાં પૉઝિટિવ તો તમે પૉઝિટિવ. હવે અહીં ટ્વિસ્ટ એ છે કે ઍન્ટિજન ટેસ્ટમાં પૉઝિટિવ રિઝલ્ટ આવેલા દરદીઓને પૉઝિટિવ ગણાય. છતાં તેની RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે એવું બની શકે. એનો સિમ્પલ મતલબ એ કહેવાય કે પેશન્ટ અત્યારે વિન્ડો પિરિયડમાં છે. તેના શરીરમાં વિષાણુઓ પ્રેવશ્યા છે ચોક્કસ, પણ શરીરની ઇમ્યુનિટી કહેવાતી રોગપ્રતિકારક શક્તિ વાઇરસ સાથે ફાઇટ કરી રહી છે એટલે RT-PCR નેગેટિવ આવી છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે, આ પરિસ્થિતિ હોવા છતાં ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાથી ક્વૉરન્ટીન થવાનું અને દવા મસ્ટ, મસ્ટ લેવાની જ છે. વિન્ડો પિરિયડ ચારથી પાંચ દિવસનો હોય છે. એટલે તમે પૉઝિટિવ છો કે નહીં એની ખાતરી કરવી જ હોય તો પાંચ-સાત દિવસ બાદ ફરીથી RT-PCR કરાવી શકાય. અહીં ટ્રિવિઆ એ છે કે તમે દવાનો કોર્સ પૂર્ણ કર્યો હોય સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે તો તમે અગેઇન RT-PCRમાં નેગેટિવ આવી શકો છો. આવી સ્થિતિમાં ગભરાવાનું નથી. આ તો વિન-વિન સિચુએશન કહેવાય. છતાં કુતૂહલ ખાતર જાણવું જ હોય કે કોરોનાએ ખરેખર બોડીમાં એન્ટ્રી મારી હતી કે નહીં તો બે અઠવાડિયાં બાદ ઍન્ટિબૉડીઝ ટેસ્ટ કરાવી લેવાની.’


RT-PCRમાં CT વૅલ્યુનું મહત્ત્વ
RT-PCR ટેસ્ટમાં વિષાણુ છે એની ખબર પડે છે, પણ એ કેટલા પ્રમાણમાં છે એની ખબર નથી પડતી. સોશ્યલ મીડિયામાં ઘણા મેસેજ ફરે છે કે RT-PCR ટેસ્ટ કરાવતી વખતે એમાં CT-વૅલ્યુ કેટલી છે એ જાણી લેવું. એ વિશે બહુ ભ્રમણા છે જે ક્લિયર થવી જોઈએ એવું માનતા ડૉ. નગીન નિર્મલ CT વૅલ્યુ વિશે સમજાવતાં કહે છે, ‘સરળ શબ્દોમાં CT વૅલ્યુ એટલે તમારા શરીરમાં રહેલા વાઇરસને ડિટેક્ટ કરવા પ્રોસેસની કેટલી સાઇકલની જરૂર પડી. જો CT વૅલ્યુ વધુ તો વાઇરસનું પ્રમાણ ઓછું. જો CT વૅલ્યુ ઓછી તો વાઇરસનું પ્રમાણ તમારા શરીરમાં વધુ. જો કે CT વૅલ્યુ જાણવી કોઈ પેશન્ટ માટે જરાય જરૂરી નથી. હા, ડૉક્ટરને એ ઉપયોગી થાય અને એ દ્વારા અને અન્ય ઍડ્વાન્સ પરીક્ષણો દ્વારા તે દરદીની દવાનો ડોઝ તેમ જ અન્ય મેડિકેશન કે ટ્રીટમેન્ટ નક્કી કરી શકે. પરંતુ અહીં એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે ઘણા લોકો માને છે કે CT વૅલ્યુ વધુ આવી એટલે તમારા શરીરમાં વાઇરસના પર્સન્ટ ઓછા છે તો તમે છૂટથી હરી-ફરી શકો, કારણ કે તમે એ ચેપ નથી ફેલાવી શકવાના. ના, આ સત્ય નથી. તમે કૅરિયર બની બીજાને ચેપ લગાડી શકો છો, જેનાથી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ થવાની શક્યતા વધી શકે. એટલે અગેઇન દવા લેવી અને ક્વૉરન્ટીન રહેવું જરૂરી જ છે.’
ઘણી લૅબોરેટરીના રિપોર્ટમાં CT વૅલ્યુ નથી દર્શાવાતી તો ઘણામાં આવે છે. એનું કારણ એ છે કે ભારતમાં અનેક કંપનીઓ કોરોના પરીક્ષણની કિટ બનાવે છે. એનું ફૉર્મેશન અલગ-અલગ હોઈ શકે છે એટલે એની CT વૅલ્યુ સેમ ન પણ હોય. ઉપરાંત અહીં પણ સૅમ્પલ કઈ રીતે લેવાયું, એ કેટલા તાપમાનમાં સચવાયું, કેટલા કલાક પછી એનું પ્રોસેસિંગ હાથ ધરાયું આ બધાં પરિબળો CT વૅલ્યુને ઓછી-વધતી બતાવી શકે. ઘણી વખત અનેક કેસમાં એવું જોવા મળે કે CT વૅલ્યુ ઓછી હોય છતાં દરદીને વધુ તકલીફ હોય. અગેઇન, ધૅટ ડિપેન્ડ્સ ઑન ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી પાવર.
એક્સરે અને HRCT સ્કૅન કેમ અને ક્યારે?
કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવ્યો. ઉંમર 50થી વધુ છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૅન્સર કે અન્ય કોઈ બીમારી છે ત્યારે ફર્સ્ટ સ્ટેજમાં છાતીનો એક્સરે કોરોનાને કારણે ફેફસાં ઉપર કોઈ અસર થઈ છે કે નહી એનો ચિતાર આપે છે. ડૉ. નગીન નિર્મલ કહે છે, ‘કેટલા પ્રમાણમાં ખરાબી થઈ છે, કયા-કયા ભાગમાં થઈ છે એ જાણવા HRCT એટલે છાતીનું હાઈ રેઝોલ્યુશન કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કૅન કરાવાય છે. જોકે આ પરીક્ષણ દરેક પૉઝિટિવ પેશન્ટેએ કરાવવાની જરૂર નથી. પરંતુ જો શરીરમાંથી ઑક્સિજન લેવલ ઘટતું જતું હોય, 95થી નીચે રહેતું હોય, હાર્ટ રેટ ઉપર રહેતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દરદીને કેટલા પ્રમાણમાં દવાનો ડોઝ આપવો, અન્ય કઈ સપ્લિમેન્ટ મેડિસિન અને ટ્રીટમેન્ટ આપવી એ HRCTના રિપોર્ટ પરથી નક્કી કરી શકાય છે. આ રિપોર્ટમાં ફેફસાંને કુલ પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. એ દરેક વિભાગને પાંચ-પાંચ માર્ક આપવામાં આવે છે. લન્ગ્સના કયા ભાગમાં કેટલો પૉર્શન ક્ષતિ પામ્યો છે, વધુ પૉર્શન મીન્સ વધુ માર્ક એ પ્રમાણે સરવાળો કરાય છે. કુલ ગુણાંકના આધાર સાથે અન્ય શારીરિક વ્યાધિના હિસાબે દરદીને ઑક્સિજન સપ્લાયની જરૂર છે કે નહીં, ICUમાં ખસેડવા કે વેન્ટિલેટરની આવશ્યકતા છે કે નહીં એ વિશે ક્વિક ઍક્શન લઈ શકાય છે. અહી હું ચોક્કસ કહીશ કે દરેક કોવિડ પૉઝિટિવ દરદીએ દિવસમાં ૬થી ૧૦ વખત અલગ-અલગ સમયે ઑક્સિમીટર દ્વારા પોતાનું ઑક્સિજન લેવલ ચેક કરતા રહેવું જોઈએ.’
ઍન્ટિબૉડી ટેસ્ટ
લોહીના પરીક્ષણથી થતી આ ટેસ્ટ કોવિડનો કોર્સ પૂર્ણ કર્યા બાદ ૧૦થી ૨૦ દિવસ પછી કરાવવાની રહે છે. ડૉ. નગીન નિર્મલ કહે છે, ‘તમારા શરીરમાં બહારના કોઈ પણ વિષાણુ અટૅક કરે એટલે શરીરની આર્મી એને ખદેડવાનો પ્રયાસ કરે. હવે આ આર્મી એટલે રોગપ્રતિકારક શક્તિ. જો એ સ્ટ્રૉન્ગ હોય તો એ જ દુશ્મનનો ખાતમો બોલાવી દે અન્યથા શરીરના અન્ય સેલ્સને એમને સપોર્ટ કરવા સિગ્નલ મોકલે. આ સેલ્સ ઍક્શનમાં આવે અને વાઇરસની સામે એને અનુરૂપ રક્ષાણાત્મક સૈન્ય બનાવે એ કહેવાય ઍન્ટિબૉડીઝ. રિસર્ચ કહે છે કે દરેકની બૉડીમાં કમ સે કમ ત્રણ અઠવાડિયાં ઍન્ટિબૉડીઝ રહે છે. આથી એ દરમ્યાન કોવિડ ફરીથી ઊથલો મારતો નથી. જોકે કોરોના રિવર્સ થવાના કિસ્સા બહુ જૂજ બન્યા છે. પરંતુ એમ બિલકુલ ન કહી શકાય કે ઍન્ટિબૉડીઝ ડેવલપ થયા એટલે આપણે કિંગ. આપણા શરીરમાં વિષાણુઓ દાખલ થાય છે એના મારણ માટે આપણા શરીરમાંના સેલ્સે ખૂબ મહેનત કરી છે આથી તેઓ પણ ઘવાયા છે, ઓછા થયા છે, થાક્યા છે એટલે એમનું સંઘબળ ઘટ્યું છે, અશક્ત થયું છે. આથી એ દરમિયાન અને ત્યાર બાદ મિનિમમ બેથી ત્રણ અઠવાડિયાં સુધી આ સેલ્સનું સમારકામ ચાલશે. એ દરમિયાન પેશન્ટને અન્ય કોઈ બીમારી આવી શકે છે કે જૂનું દર્દ ઊથલો મારી શકે છે. ખેર, અનેક કોવિડ પેશન્ટની ટ્રીટમેન્ટના અનુભવ બાદ હું એમ કહીશ કે આ રોગનાં લક્ષણો, તીવ્રતા, પૅટર્ન ભિન્ન-ભિન્ન છે. હજી આ રોગની કોઈ ફિક્સ ફૉર્મ્યુલા મળી નથી. આથી દરેક દરદીની સારવાર અલગ-અલગ રીતે થાય છે જે ડૉક્ટર જ નક્કી કરી શકે.’

alpa nirmal coronavirus