કુકરની સિટી કાઢવાની રહી ગઈ એટલે કેક બફાઈ ગઈ (મારા કિચનના પ્રયોગો)

15 December, 2011 09:34 AM IST  | 

કુકરની સિટી કાઢવાની રહી ગઈ એટલે કેક બફાઈ ગઈ (મારા કિચનના પ્રયોગો)



(અર્પણા ચોટલિયા)

‘રસોઈ બનાવો ત્યારે મન એકાગ્ર હોય એ જરૂરી છે.’  આ શબ્દો છે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિનાં હીના ઓઝાના. તેમની પાસે તેમના પરિવારના સભ્યો રસોડામાં ખૂબ અખતરા કરાવે છે, કારણ કે હીનાબહેનને છે રસોઈ કરવાનો શોખ અને તેમના પરિવારના બધા જ સભ્યોને છે ભરપૂર ખાવાનો શોખ. આવામાં કેટલીક વાર થઈ જાય છે ગોટાળા. જાણીએ હીનાબહેને કરેલા અત્યાર સુધીના સૌથી મોટા ગોટાળા વિશે.

બર્થ-ડેની બાફેલી કેક

મારા દીકરાનો દસમો બર્થ-ડે હતો અને મેં કેક ઘરે બનાવવાનું નક્કી કર્યું. મને રેસિપી નહોતી આવડતી એટલે મારાં નણંદે મને કેક બનાવવાની રીત શીખવી. મારી પાસે અવન નહોતું એટલે તેમણે મને કુકરમાં કેક બનાવતાં શીખવ્યું. તેમણે તો મને બરાબર જ રેસિપી આપેલી, પણ હું કેકનું બેટર કુકરમાં મૂક્યા બાદ સીટી કાઢવાનું ભૂલી ગઈ અને રેગ્યુલર જેમ કરીએ એમ જ કુકર મૂકી દીધું. એનું રિઝલ્ટ એ આવ્યું કે કેક સીટી વાગવાને લીધે બફાઈ ગઈ. કેક રીતસરની પાણી-પાણી થઈ ગયેલી અને ખાવા જેવી તો નહોતી જ રહી.

દીકરાને પણ ખબર હતી કે હું કેક ઘરે જ બનાવવાની છું એટલે તેણે પણ ફ્રેન્ડ્સમાં વાત ફેલાવી દીધી હતી. તે વારંવાર આવીને મને પૂછતો કે મમ્મી કેકનું શું થયું, બની કે નહીં? મને ખરેખર ચિંતા થવા લાગી કે હવે શું કરવું? છેવટે મેં બહારથી કેક ઑર્ડર કરી અને બર્થ-ડે ઊજવી. બધાએ પૂછ્યું કે આન્ટી તમે કેક બનાવવાનાં હતાં એનું શું થયું? મેં બધાને બાફેલી કેકની સ્ટોરી કહી ત્યારે મારા ઘરના સભ્યો અને બાળકો સહિત બધા ખૂબ હસ્યા. મને પોતાને ખૂબ હસવું આવ્યું કે હું સીટી કાઢવાનું ભૂલી કઈ રીતે ગઈ.

ઢોસાના લોટનાં ઢોકળાં

ગોટાળા તો થતા જ રહે છે. એક વાર ઢોસા બનાવતી વખતે મેં ખીરું ઘરે બનાવ્યું તો ચોખા અને અડદની દાળના પ્રમાણમાં થોડો ગોટાળો થયો અને ખીરું સારું ન બન્યું. મેં ઢોસા બનાવવાની શરૂઆત તો કરી, પણ એ તવા પરથી ઊતર્યા જ નહીં. છેવટે કંટાળીને મેં એ ઢોસાના ખીરામાં ચણાનો લોટ ઉમેર્યો અને ઢોકળાં બનાવ્યાં.

ઘરનાને ખાવાનો શોખ

મારા ઘરમાં બધાને નવી-નવી ચીજો ખાવાનો ખૂબ શોખ છે અને એ પણ તેલ-મસાલાથી ભરપૂર એવી ચટાકેદાર ચીજો ખાવાનો. મારા હસબન્ડ બહાર કંઈ પણ ખાઈને આવે કે કંઈ પણ નવું જુએ તો મારા માટે એ ખાસ લઈ આવે અને મારે એ બનાવવાનું અર્થાત્ મારે અખતરા કરવાના. મારા હસબન્ડને આ રીતે રસોડામાં મારી પાસે અખતરા કરાવવાનો ખૂબ વધારે શોખ છે અને સાથે-સાથે મને પણ નવી-નવી ચીજો ટ્રાય કરતા રહેવાનો શોખ છે.

બધું જ ઘરનું બનાવેલું

મને ચાઇનીઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ ઘરે જ બનાવવી ગમે છે. મારા દીકરાને ફ્રૅન્કી, પીત્ઝા વગેરે ખાવું વધુ ગમે છે. મારા હાથની પાંઉભાજી આખા ઘરમાં બધાની ફેવરિટ છે. મારા રિલેટિવ્સ પણ જ્યારે પાંઉભાજી બનાવવાની હોય ત્યારે મને બોલાવે છે. મારી પાંઉભાજીનો ટેસ્ટ તો એ જ છે, પણ બનાવવાની ટેક્નિક થોડી જુદી હોવાને લીધે બધાને ભાવે છે. હું થોડી હેલ્થ-કૉન્શિયસ છું એટલે તેલ-મસાલા ઓછા પ્રમાણમાં ખાવાનું પસંદ કરું છું, પણ મારા ઘરમાં કોઈ ખાવાના સમયે હેલ્થની ફિકર કરતા નથી અને ફુલ મસાલેદાર રિચ વાનગીઓ ખાવાનું પસંદ કરે છે.

ગાર્નિશ જરૂરી

રસોઈ જે પણ બનાવો, એને સજાવવી જરૂરી છે. ભલે એ ફક્ત કોથમીરથી જ કેમ ન હોય, થોડું ગાર્નિશ કરવું જોઈએ; કારણ કે મારું માનવું છે કે જે બનાવો એ ખાવાની સાથે જોવામાં પણ સારું લાગવું જોઈએ. બીજું, અન્નનો ક્યારેય બગાડ ન કરવો. જો કંઈ વધે તો એને બીજું રૂપ આપીને કંઈક નવું બનાવો. ઉદાહરણ તરીકે વધેલા ભાતમાંથી મૂઠિયાં કે વધેલા શાકમાંથી વેજિટેબલ પરાઠા બનાવી શકાય. જે પણ થાય, અન્નનો બગાડ બને એટલો ઓછો કરવો.

મન એકધ્યાન

એક સમયે એક જ કામમાં ધ્યાન આપો. રસોઈ કરતા હોઈએ ત્યારે મન એકાગ્ર હોવું જરૂરી છે. જો રસોઈ બનાવતી વખતે ટીવી ચાલુ હશે તો રસોઈમાં ધ્યાન નથી રહેવાનું. આમ જ જો રસોઈ કરતી વખતે અહીં-ત્યાંની ગૉસિપ કરશો તો રસોઈ પણ એવી જ બનશે. એના કરતાં જો મન એકાગ્ર કરીને રસોઈ બનાવશો તો ખાનારને પણ નિરાંત અનુભવાશે.

- તસવીર : નિમેશ દવે