મારા કિચનના પ્રયોગો : ચૉકલેટ કેક જામી જ નહીં

20 October, 2011 07:45 PM IST  | 

મારા કિચનના પ્રયોગો : ચૉકલેટ કેક જામી જ નહીં



(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

જો કોઈ વાનગીમાં સામગ્રીઓનું માપ ચોક્કસ હોય તો એ સારી જ બનશે પછી એમાં કોઈ માસ્ટર સ્કિલ્સની જરૂર નથી પડતી. આ શબ્દો છે મૂળ ડેડાણ ગામનાં વૈષ્ણવ કપોળ જ્ઞાતિનાં મમતા મહેતાના, જે બધા જ ટાઇપની રસોઈ બનાવવાનાં શોખીન છે. મમતાને રસોઈ ઉપરાંત ગ્લાસ પેઇન્ટિંગનો પણ ભરપૂર શોખ છે તેઓ શ્રીનાથજીની ગ્લાસ પેઇન્ટિંગની ફ્રેમો બનાવીને વહેંચે પણ છે. મમતાને રેસિપીઓ જોઈને એ વાનગી ઘરે ટ્રાય કરવી ગમે છે. જોઈએ આમ એક વાર કેક બનાવતાં તેમણે કેવો ગોટાળો કયોર્.

કેકને બદલે રમ બૉલ્સ

મારા દીકરાનો બર્થ-ડે હતો અને મેં વિચાર્યું કે બહારથી કેક મગાવા કરતાં હું જાતે જ ઘરે કેક બનાવીશ. ડિસાઇડ થયું કે ચૉકલેટ કેક બનાવવી. બાળકો પણ ઘણાં આવવાનાં હતાં એટલે કેક પણ મોટી ક્વૉન્ટિટીમાં બનાવવાની હતી. કેક બનાવી પણ લીધી પણ બૅક કર્યા પછી જ્યારે કેક વેસલમાંથી બહાર કાઢી ત્યારે એ છૂટી પડી ગઈ. જાણે ફક્ત મિક્સચર હોય, કારણ હતું બૅકિંગ પાઉડર. કેકમાં મારાથી બૅકિંગ પાઉડરનું પ્રમાણ વધારે થઈ ગયું હતુ. હવે હું શું કરું? એવી પરિસ્થિતિ આવી, પણ મને એમાંથી એક યુક્તિ સૂઝી અને એ ન જામેલી કેકના મેં ગોળા વાળી દીધા. ત્યાર બાદ એ ગોળાને મેં ડેસિનેટેડ કોકોનટમાં રગદોળ્યા, જેમ્સ અને જિનતાનથી સજાવ્યા અને આમ તૈયાર થયા બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ એવા ચૉકલેટ રમ બૉલ્સ.

બનાવેલા ચૉકલેટ રમ બૉલ્સને મેં એક પ્લૅટમાં કેકની જેમ જ ગોળાઈમાં ગોઠવ્યા અને બાળકોને આપ્યા. સજાવટ અને લુક તો ખૂબ સુંદર હતો અને આ કેકના બૉલ્સ બધાં જ બાળકોને તેમ જ મોટાઓને ખૂબ ભાવ્યા અને મારી આ કેક-ટુ-બૉલ્સ ફૉર્મેશનની કોઈને સાચે જ ખબર ન પડી.

બધું જ ગમે

મને બધા જ ટાઇપની રસોઈ બનાવવી ગમે છે પછી એ સિમ્પલ રોજબરોજનાં શાક-રોટલી હોય કે ફૅન્સી આઇટમ્સ. મારા ઘરમાં બધાને મારા હાથની બનેલી બિરિયાની ખૂબ ભાવે છે. હું બે રંગના ભાત અને લેયરવાળી ઑથેન્ટિક સ્ટાઇલની બિરિયાની બનાવું છું તેમ જ મારા હાથનું બનેલું ચાઇનીઝ ફૂડ પણ મારા ઘરમાં બધાને જ ભાવે છે. એ ઉપરાંત હું છોલે સાથે પનીરના સ્ટફિંગવાળી પૂરી બનાવું છું એ પણ બધાને પસંદ છે.

અખતરાનો શોખ

મને ટીવીમાં જોઈને કે પેપરમાં વાંચીને રેસિપીઓ ટ્રાય કરવાનો ભરપૂર શોખ છે અને મારા ઘરનાઓને મારા અખતરાઓ પર વિશ્વાસ પણ ઘણો છે એટલે ક્યારેય સારું બનશે કે નહીં એ ડાઉટ નથી કરતા. હમણાં થોડા દિવસો પહેલાં જ મેં નાચોઝની પૂરી ઘરે ટ્રાય કરી હતી અને એ ખરેખર ખૂબ સારી બની.

કંઈ વેસ્ટ ન થવું જોઈએ

ઘણી વાર દૂધ ફ્રિજમાં મૂકવાનું ભૂલી જઈએ ત્યારે એ ફાટી જાય. તો હું એ વેસ્ટ ન થવા દઉં. હું એમાં વધારે વિનેગાર નાખી એનું પનીર બનાવી અને એમાંથી રસગુલ્લા કે કોઈ મીઠાઈ બનાવી દઉં, કારણ કે મારા હિસાબે કંઈ પણ ચીજ વેસ્ટ ન થવી જોઈએ.

સાસુની શિખામણ

લગ્ન પહેલાં મને રસોઈ બનાવતાં એટલી સારી નહોતી આવડતી, પણ લગ્ન બાદ મારાં સાસુએ મને સાસરાના રીતથી રસોઈ બનાવતાં શીખવી અને હવે મને દરેક ચીજ બનાવતાં આવડી ગઈ છે. ત્યાં સુધી કે મને કોઈ અથાણાં બનાવવાનું કહે તોયે મને જરાય ટેન્શન નથી આવતું. તેમની એક શિખામણ છે જે મને હંમેશાં યાદ રહે છે, તેમનું કહેવું છે કે ભલે કોઈ પણ ડિશ બનાવવી હોય તો એની સામગ્રીઓના માપ હંમેશાં યોગ્ય હોવા જોઈએ અને જો એ માપસર હશે તો કોઈ પણ રેસિપી કોઈના પણ હાથે સારી જ બનશે.