સમોસામાં આમચૂરને બદલે કારેલાની ફાકી પડી ગઈ-મારા કિચનના પ્રયોગો

22 December, 2011 09:30 AM IST  | 

સમોસામાં આમચૂરને બદલે કારેલાની ફાકી પડી ગઈ-મારા કિચનના પ્રયોગો



અર્પણા ચોટલિયા

પણ તેમનું માઇન્ડ હજીયે કુકિંગમાંથી રિટાયર નથી થયું. તેમની છ વર્ષની પૌત્રીને પણ અત્યાથી કુકિંગ શો જોવાનો ભરપૂર શોખ છે. તેમણે ક્યારેક ચશ્માં ન પહેરવાને લીધે કે ક્યારેક બાળપણમાં અધૂરા જ્ઞાનના લીધે રસોડામાં એક-બે નહીં પણ ઘણા અખતરા કર્યા છે. જાણીએ તેમના ગોટાળાઓ વિશે તેમના જ શબ્દોમાં.

કડવાં સમોસાં


ઘરના બધા માટે મારે સમોસાં બનાવવાનાં હતાં. મને મોટા ભાગે રસોઈ બનાવતાં-બનાવતાં ચાખતા રહેવાની આદત છે. એ દિવસે કદાચ બનાવતી વખતે ચાખવાનું ભુલાઈ ગયું અને સમોસાં બન્યા પછી ચાખ્યા ત્યારે ખબર પડી કે એ કડવાં છે. એ સૌથી પહેલાં મેં પોતે જ ચાખ્યાં હતાં એટલે બીજાને પીરસવાનો તો સવાલ જ ન રહ્યો, પણ પછી ધ્યાનમાં આવ્યું કે મેં સમોસાના પૂરણમાં આમચૂર પાઉડરને બદલે આમચૂર પાઉડરની બાજુમાં પડેલી કારેલાની ફાકી નાખી દીધી હતી. આ ગોટાળો એટલા માટે થયો કે હું જુદા-જુદા મસાલાની બરણીઓ પર લેબલ મારવાનું ભૂલી ગઈ હતી અને મોટા ભાગે બધા મસાલા એકસરખા દેખાતા હોય એટલે લેબલ ન મારીએ તો આવો ગોટાળો થવાનો જ છે.

ચશ્માંને લીધે ગોટાળો


મને ચશ્માં છે અને જ્યારે એ ન પહેયાર઼્ હોય ત્યારે મારાથી કંઈ ને કંઈ ગોટાળો થાય જ છે. સૌથી મોટી ભૂલ થાય એકસરખી દેખાતી બે ચીજો ઓળખવામાં. મને ચોખાના લોટમાંથી બનાવેલું ખીચિયું ખૂબ ભાવે છે. એક વાર મેં ચશ્માં પહેયાર઼્ વગર જ ખીચિયું બનાવવાની શરૂઆત કરી અને પાણી ઉકાળ્યા બાદ ચોખાના લોટને બદલે આરારૂટ નાખી દીધો. એ ખીચિયું બન્યું જ નહીં. આમ તો હાથમાં લોટ લઈએ એટલે ટેક્સ્ચરથી ખબર પડી જાય કે શું ચીજ છે, પણ એ દિવસે ખબર ન પડી અને ગોટાળો થયો.

આ જ રીતે ચશ્માં ન પહેરેલાં હોવાને લીધે એક વાર મેં ચાઇનીઝ બનાવતી વખતે લીંબુનાં ફૂલ નાખી દીધાં હતાં. આ બધા ગોટાળા મોટા ભાગે એટલે જ થાય કે તમે પૅકેટ્સ સાચવવા કરતાં ચીજોને ખાલી કરીને એક ડબ્બીમાં ભરી રાખો અને ત્યાર બાદ જો ધ્યાન ન આપવામાં આવે તો ચીજોનો બગાડ થાય જ. એટલે જો ચશ્માં હોય તો હંમેશાં પહેરેલાં જ રાખવાં અને રસોઈ કરતી વખતે ખાસ પહેરવાં, કારણ કે અમુક ઉંમર પછી દૃષ્ટિ નબળી પડી જાય છે. આવામાં ચશ્માં પહેરવાં જરૂરી છે.

સજાવટ જરૂરી


રસોઈ કંઈ પણ બનાવો, એ પ્રેઝેન્ટેબલ લાગવી જરૂરી છે. હા, જો માર્ક આપવા હોય તો સૌથી પહેલાં ટેક્નિક, ત્યાર બાદ ટેસ્ટ અને છેલ્લે પ્રેઝેન્ટેશન. જોકે છેલ્લે આવતું હોય તો એ ફૂડ-ગાર્નિશિંગ જરૂરી તો છે જ, કારણ કે ખાતા પહેલાં આપણે ફૂડને જોતા હોઈએ છીએ અને એટલે જ ફૂડ સારું દેખાય એ જરૂરી છે.

સિઝલર્સ બધાનું ફેવરિટ


હવે મારા દીકરાએ મને રસોડામાંથી રિટાયરમેન્ટ આપી દીધી છે, પણ હજીયે ૮-૧૦ દિવસે મન થાય ત્યારે મને કહે કે મમ્મી આજે તું કંઈ બનાવીને ખવડાવ. મારા હાથની આમ તો બધી જ ચીજો ઘરમાં બધાને ભાવે છે, પણ સિઝલર્સ એમાં ખાસ છે. બહાર રેસ્ટોરાંમાં જઈએ તો એક જ વરાઇટીનું સિઝલર મળે છે, પણ જ્યારે હું ઘરે સિઝલર બનાવું ત્યારે એમાં જુદાં-જુદાં વેરિયેશનો કરું છું અને રાઇસમાં પ્લેન કરતાં ફ્રાઇડ રાઇસ રાખવાનું પસંદ કરું છું. મારી પુત્રવધૂ સિઝલર ખાતી નહોતી, પણ હવે સાસરે આવીને મારા હાથના બનેલું સિઝલર ખાતી થઈ ગઈ છે.

ગુજરાતી રસોઈનો અજબ શોખ


હું કેટરિંગનો બિઝનેસ કરતી ત્યારે સામેવાળાને પૂછતી કે તમારે કેવા ટાઇપની વાનગીઓ જોઈએ છે અને તેઓ જે કહે એ બનાવીને દેખાડવું મારા માટે ચેલેન્જ રહેતી. એટલે જ મને ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન જેવા બધા જ ટાઇપનું કુઝીન બનાવવાનો શોખ છે; પણ સૌથી વધુ શોખ આપણી ગુજરાતી વાનગીઓ બનાવવાનો છે, કારણ કે ગુજરાતી વાનગીઓમાં તમે અઢળક વેરિ્યેશન બનાવી શકો છો. પંજાબી હશે તો એક જ ટાઇપની ગ્રેવીમાં મોટા ભાગની બધી જ આઇટમો બનશે અને જો ચાઇનીઝ હશે તો મોટા ભાગની ડિશનો મૂળ શેઝવાનવાળો ટેસ્ટ તો સરખો જ રહેશે. ગુજરાતીમાં એવું નથી. ગુજરાતી વાનગીઓમાં પ્રકાર ખૂબ બધા છે અને એ બધા જુદી-જુદી રીતથી બને છે એટલે મને ગુજરાતી રસોઈ બનાવવી સૌથી વધુ પસંદ છે.

- તસવીર : અતુલ કાંબળે