ગાંઠિયામાં પાપડખારને બદલે ખાવાનો સોડા નાખી દીધો (મારા કિચનના પ્રયોગો)

08 December, 2011 07:57 AM IST  | 

ગાંઠિયામાં પાપડખારને બદલે ખાવાનો સોડા નાખી દીધો (મારા કિચનના પ્રયોગો)



(શર્મિષ્ઠા શાહ)

‘ઘરની સ્ત્રી રસોઈ બનાવે ત્યારે ફક્ત મસાલાને કારણે જ સ્વાદ નથી આવતો, પરંતુ એમાં ભળેલાં પ્રેમ અને લાગણીને કારણે રસોઈ સ્વાદિષ્ટ બને છે.’

આવું કહેવું છે મુલુંડમાં રહેતાં ઘોઘારી જૈન જ્ઞાતિનાં પ્રીતિ કીર્તિભાઈ શાહનું. તેમના મતે બહારની વ્યક્તિ ફક્ત ફરજ સમજીને રસોઈ બનાવે, જ્યારે ઘરની વ્યક્તિ દરેકના ટેસ્ટનો ખ્યાલ રાખીને રસોઈ બનાવે છે માટે જ એ સ્વાદિષ્ટ લાગે છે. નાની ઉંમરથી જ રસોઈ બનાવવામાં પાવરધા પ્રીતિબહેને શું ગોટાળો કરલો એ વિશે જોઈએ.

કેવી રીતે થયો ગોટાળો?

સાતમા ધોરણમાં હતાં ત્યારથી જ રસોઈ બનાવતાં શીખી ગયેલાં પ્રીતિબહેનથી એક વાર ગાંઠિયા બનાવવામાં ગરબડ થઈ ગઈ હતી. એ વિશે તેઓ કહે છે, ‘મારા હાથના ગાંઠિયા આમ તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, પરંતુ એક વાર બરણી બદલાઈ જવાથી મેં ગાંઠિયામાં પાપડખારને બદલે ખાવાના સોડા નાખી દીધા જેને કારણે સફેદ તેમ જ પોચા ગાંઠિયાને બદલે લાલ અને કડવા ગાંઠિયા બની ગયા. પાપડખાર તેમ જ સોડાની બરણી બાજુમાં રાખી હોવાથી મારાથી આ ગોટાળો થઈ ગયો. ત્યાર બાદ હું દરેક બરણી પર લેબલ લગાવીને રાખું છું અથવા તો સરખા દેખાવની ચીજને અલગ-અલગ સ્થળે રાખું છું.’

નવી વાનગીઓનો શોખ

મને નવી-નવી વાનગીઓ બનાવવાનો ખૂબ જ શોખ છે. ક્યાંયથી પણ મને નવી વાનગીની રેસિપી મળે તો મને એ ટ્રાય કરવી ગમે છે. હમણાં જ મેં અંગૂર રબડી બનાવી હતી. હું ફક્ત દેશી વાનગીઓ જ નથી બનાવતી, પરંતુ બધા જ પ્રકારની વાનગીઓ ટ્રાય કરું છું. હું મારી વહુ સાથે મળીને બર્ગર અને કેક પણ બનાવું છું. મારા મોટા દીકરાને પંજાબી શાક બહુ ભાવે છે તેથી એ હું અવારનવાર બનાવું છું. મારા હાથની ખસ્તા કચોરીની ફરમાઈશ અવારનવાર થતી રહે છે.

ચોખ્ખું રસોડું

મને કિચન હંમેશાં ચોખ્ખું જ જોઈએ. હું પહેલાં કિચનને વ્યવસ્થિત અને સાફ કરું અને પછી જ રસોઈ બનાવું. દરેક ડબ્બા તેમ જ બરણીઓ લૂછી-લૂછીને જ રાખું. કિચનમાં કોઈ જીવજંતુ ન થાય એની પહેલેથી જ તકેદારી રાખું છું.

ક્રૉકરીનો શોખ

મને ક્રૉકરીનો ખૂબ જ શોખ છે. મહેમાનો આવે ત્યારે સરસ રીતે સજાવીને જમવાનું પીરસવું મને ગમે છે. હવે તો ટેલિવિઝન પરથી ચૅનલોમાં પણ નવી-નવી વાનગીઓ બનાવતાં શીખવાડે છે તેમ જ ટેબલમૅનર્સ શીખવાડે છે. કિચનને લગતા કોઈ પણ કાર્યક્રમ જોવામાં મને રસ પડે છે.

તાજું ખાઓ, તંદુરસ્ત રહો

હું માનું છું કે ભોજન હંમેશાં તાજું ખાવું જરૂરી છે. વાસી ખોરાક પાચનક્રિયાને બગાડે છે. હું હંમેશાં તાજી શાકભાજી લાવીને રસોઈ બનાવવાનો પ્રયત્ન કરું છું. વધેલું ભોજન રાખી મૂકવાને બદલે કોઈને તરત જ ખવડાવી દેવાથી અન્નદાનનો લાભ મળે છે તેમ જ આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

- તસવીર : સમીર માર્કન્ડે