કિડનીમાં ઝીણી પથરીની દવા બંધ કરવાથી દુખાવો ફરી થાય છે, કાયમી ઇલાજ શું?

19 October, 2011 04:06 PM IST  | 

કિડનીમાં ઝીણી પથરીની દવા બંધ કરવાથી દુખાવો ફરી થાય છે, કાયમી ઇલાજ શું?

 

 

ડૉ. રવિ કોઠારી - બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. એકાદ વરસથી મને પેટમાં દુખાવો રહેતો હતો, પણ એ એની મેળે ચાલી જતો હતો. પાંચેક મહિના પહેલાં મને અચાનક જ પેટમાં સોય ભોંકાતી હોય એવો દુખાવો થવા લાગ્યો અને સાથે ઊલટીઓ પણ પુષ્કળ થઈ. ડૉક્ટરે તાત્કાલિક સોનોગ્રાફી કરાવી અને એમાં કિડનીમાં ઝીણી પથરી હોવાનું કહ્યું. દવા ચાલે ત્યાં સુધી દુખાવો નથી થતો. પથરી ખૂબ જ ઝીણી છે તો શું આયુર્વેદની દવાથી એ ઓગળી જાય ખરી?

જવાબ : સામાન્ય રીતે પેશાબની પથરી કિડનીમાં, મૂત્રનળીમાં તો ક્યારેક મૂત્રાશયમાં હોય છે. કોઈ પણ પ્રકારની પથરી બનતી હોય ત્યારે ખાવાપીવામાં પરેજી રાખવી ખૂબ જ મસ્ટ બની જાય.

સાદો અને હલકો ખોરાક ખાવો. પાણી ગરમ-નવશેકું જ લેવું અને થોડી વધારે માત્રામાં લેવું. જૂના ચોખા, કળથી, જવ, આદું, જવખાર, મૂળા, મૂળાનાં પાનનો રસ, મેથી અને તાંદળજાની ભાજી લેવી. ખાંડ, મરચું, મસાલા, દૂધ-દહીં, પનીર, ચીઝ, ખાટા અને ખારા પદાથોર્ સાવ બંધ કરવા. દારૂ અને સ્મોકિંગની આદત હોય તો સદંતર બંધ કરવી. રાત્રે સૂતાં પહેલાં અને સવારે ઊઠીને ઓછામાં ઓછું અડધો લિટર જેટલું પાણી પીવું. પેશાબમાં બળતરા હોય તો ધાણાજીરું અને વરિયાળીનું પાણી પીવું. રાત્રે સૂતાં પહેલાં એક ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે નિયમિત લેવું. કળથીનો ક્વાથ બનાવીને તેમ જ દાળ તથા શાકરૂપે પણ લઈ શકાય.

ભોરિંગણીના મૂળનું ચૂર્ણ એક-એક ચમચી સવાર, બપોર, સાંજ ત્રણ વાર લેવું. નાળિયેરના ફૂલનું ચૂર્ણ દહીં (ગાયના દૂધના) સાથે લેવાથી પથરી મટે છે. સરગવાના મૂળની છાલનો ક્વાથ પણ ખૂબ જ ફાયદાકારક છે.

વાયવરણું, પાષાણભેદ, કળથી, ધમાસો ૧૦૦ ગ્રામ લેવાં. એમાં પુનર્નવા, ગોખરું, હરડે ૫૦-૫૦ ગ્રામ મિક્સ કરીને એક બરણીમાં ભરવાં. રોજ સાંજે ચાર ગ્લાસ પાણી લઈ એમાં બે ચમચી ચૂર્ણ ઉમેરવું. એને રાત્રે પલાળી રાખવું અને સવારે ધીમી આંચ પર બે ગ્લાસ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ ગાળીને સહેજ ઠંડું પડે એટલે પી જવું. સવારે પીવાનું પાણી રાત્રે પલાળવું અને સાંજે પીવાનું પાણી સવારે પલાળી રાખવું. સવાર-સાંજ તાજો ઉકાળો બનાવીને પીવો.