ખૂબ ખાઓ અને ખૂબ કસરત કરો

29 October, 2012 07:06 AM IST  | 

ખૂબ ખાઓ અને ખૂબ કસરત કરો



ગયા મહિને એફએચએમ મૅગેઝિનના કવરપેજ પર ટૉપલેસ ફોટો આપીને ચર્ચામાં આવેલી ટેલીવુડની જાણીતી અને બૉલીવુડમાં પણ પોતાના અભિનયનો જલવો પાથરી ચૂકેલી ઍક્ટ્રેસ કરિશ્મા તન્ના ફિટનેસ માટે બહુ વધારે સતર્ક છે. ગ્લૅમરવર્લ્ડમાં લુકનું મહત્વ છે અને પોતાના અંગત જીવનમાં પણ સારા લાગવા માટે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારા રહેવા માટે કોઈ બાંધછોડ કરવી તેને નથી ગમતી. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સિરિયલ દ્વારા અભિનયમાં ઝંપલાવનારી આ ગુજરાતી ઍક્ટ્રેસે ‘કહીં તો મિલેંગે’, ‘કુસુમ’ અને ‘પાલખી’ જેવી દસેક સિરિયલમાં કામ કર્યું છે તેમ જ એક હિન્દી અને એક કન્નડ ફિલ્મમાં પણ અભિનય દ્વારા લોકોનું મનોરંજન કર્યું છે. અત્યારે તે સબ ટીવી પર આવતી ‘બાલવીર’ સિરિયલમાં રાની પરી તરીકે ઘણા અરસા પછી ટેલિવિઝનમાં ફરી કમબૅક કરનારી કરિશ્મા તંદુરસ્તી માટે શું કરે છે એ જાણીએ તેના જ શબ્દોમાં.

ભારે વર્કઆઉટ

હું નિયમિત વર્કઆઉટ કરું છું, એ પણ ટ્રેઇનરની નિગરાનીમાં. રોજ સવારે પાંચ વાગ્યે મારો દિવસ શરૂ થઈ જાય અને મારા વર્કઆઉટનો સમય પણ ફિક્સ છે. લેટનાઇટ પાર્ટીમાં ગઈ હોઉં કે મોડે સુધી કોઈ ઇવેન્ટ ચાલ્ાી હોય, આ શેડ્યુલ તૂટે નહીં એનું ધ્યાન રાખું છું. મારા વર્કઆઉટ પ્રોગ્રામમાં ત્રણ દિવસ હાર્ડકોર વેઇટ-ટ્રેઇનિંગ હોય અને ત્રણ દિવસ કાર્ડિયો-એક્સરસાઇઝ હોય. સન્ડેના દિવસે આરામ કરું છું. અઠવાડિયાના છ દિવસ સતત કામ કરવાને કારણે થાકી ગયેલા મસલ્સને રવિવારે રિલૅક્સ રાખું છું. દીપિકા પાદુકોણ મારી ફેવરિટ ઍક્ટ્રેસ છે. તેનું ફિઝિક મને ગમે છે.

ભૂખી નથી રહેતી


ભૂખ્યા રહેવાથી પાતળા થવાય એવું કોઈ માનતું હોય તો એ ખોટું છે. પેટે પાટા બાંધીને ડાયેટિંગ ન કરાય. ખરેખર એને ડાયેટિંગ ગણાય જ નહીં. હું હંમેશાં પેટ ભરીને જમું છું અને બધું જ ખાઉં છું. બસ, એની લિમિટ જાતે નક્કી કરી લીધી છે અને મહિનામાં એક વાર તળેલું, તીખું, હાઈ કૅલેરીવાળું પણ રોકટોક વગર ખાઈ લઉં છું. રોજ સવારે વર્કઆઉટ પર જતાં પહેલાં એક ઍપલ અને એકાદ ગ્લાસ જૂસ પી લઉં છું. વર્કઆઉટ પરથી આવ્યા પછી પ્રોટીન-શેક અને ફ્રૂટ, ખાસ કરીને કેળાને પ્રેફરન્સ આપું છું. ચા, બૉઇલ્ડ એગ, બ્રાઉન બ્રેડ, ખાખરા વગેરે નાસ્તામાં. બપોરનું જમવાનું અસ્સલ ગુજરાતી સ્ટાઇલનું જ ગમે. એમાં

ચાર-પાંચ ફુલકા રોટી, બે પ્રકારનાં શાક, દાળ અને ભાત સાથે સૅલડ અને દહીં અથવા છાશ પણ હોય. હંમેશાં સંપૂર્ણ આહાર લેવાનો આગ્રહ રાખશો તો માંદા નહીં પડો. શરીરમાં એનર્જી રહેશે એટલે થાક પણ ઓછો લાગશે. રાત્રે સાત-આઠ વાગ્યા સુધીમાં જમી લઉં છું. એમાં મોટે ભાગે મારી ફેવરિટ ખીચડી જ હોય. જોકે ખીચડીમાં ઘણાંબધાં શાક નાખેલાં હોય અને ડ્રાયફ્રૂટ્સ હોય. એને અમે હેલ્ધી ખીચડી કહીએ છીએ.

ખુશ રહો

મારો ખુશ રહેવાનો ફન્ડા છે સતત કામ કરો. હું વકોર્હોલિક ટાઇપની છું. કામ કરું તો જ ખુશ અને સંતુષ્ટ રહું. કામ ન હોય તો બીમાર પડી જાઉં. જોકે એનો મતલબ એમ પણ નથી કે મને બીજા કશામાં રસ નથી. હું મારા પરિવાર અને મિત્રોની ખૂબ નજીક છું અને તેમની સાથે પણ પૂરતો સમય પસાર કરી શકું એનું ધ્યાન રાખું છું.

રિલૅક્સેશન ફન્ડા

આમ તો હું કોઈ વાતનું ટેન્શન લેતી નથી, પરંતુ જો ક્યારેક કામના અતિરેકને કારણે કંટાળી ગઈ હોઉં તો સ્પામાં જવાનું પસંદ કરું છું. ઘણાં સ્પા રિફ્લૅક્સોલૉજી સેશન આપતાં હોય છે, જેમાં તમને હળવાફુલ કરી નાખે એવો બૉડી-મસાજની સાથે શાંત-મધુરા સંગીતમાં સ્ટીમ આપવામાં આવતી હોય છે. મારી બધી ચિંતાનો ત્યાં જ છેદ ઊડી જાય. જો ક્યારેક સ્પામાં ન જવું હોય તો હું આરામથી ટીવી જોઉં કે પુસ્તકો વાંચું. પરિવાર સાથે સમય પસાર કરવાથી તેમ જ હળવું મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં લૉન્ગ ડ્રાઇવ પર જવાને કારણે પણ ખૂબ તરોતાજા થઈ જાઉં છું.

ડાયેટિંગની વ્યાખ્યા

ડાયેટિંગ એટલે ભૂખ્યા રહેવું એવું માનતા હો તો તમારી મોટી ભૂલ છે. ભૂ્ખ્યા રહેવાને બદલે સંપૂર્ણ આહાર લો અને સાથે નિયમિત કસરત કરો તો તમે બધી રીતે ફિટ અને બ્યુટિફુલ રહેશો

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ