થોડુંક કૂદો ને વધુ વજન ઘટાડો

16 November, 2011 09:13 AM IST  | 

થોડુંક કૂદો ને વધુ વજન ઘટાડો



(સેજલ પટેલ)

ખાસ તો ટીનેજર્સ માટે દોરડા કૂદવા એ બેસ્ટ વિકલ્પ છે. વજન ઘટાડવા માટે, હાઇટ વધારવા માટે, વધારાની કૅલરી બર્ન કરવા માટે તેમ જ કાર્ડિયો એક્સરસાઇઝના ડેઇલી ડોઝ માટે દોરડાકૂદ એ સારો વિકલ્પ છે. પ્યુબર્ટી-એજ એવો સમય છે જેમાં છોકરા-છોકરીઓની મૅક્સિમમ હાઇટ વિકસે છે. આવા સમયે હાથ અને પગના લાંબા મસલ્સને પૂરતી એક્સરસાઇઝ મળી રહે એ માટે દોરડાકૂદ સારો ઑપ્શન ગણાય.

અલબત્ત, જો યોગ્ય ટેક્નિક મુજબ દોરડા કૂદવામાં આવે તો આ કસરત ઉત્તમ ફાયદો આપી શકે છે, પરંતુ મોટા ભાગે લોકો ખોટી રીતે દોરડા કૂદે છે ને એને કારણે ઘૂંટણ પર વજન આવે છે અને જોઈએ એવો ફાયદો નથી થતો.

૧. એડી નહીં, પંજો વાપરો

દોરડા કૂદતી વખતે ક્યારેય એડી જમીનને ટચ ન થવી હોય. આંગળીના પંજાની પાસેનો ગાદીવાળો બૉલ એરિયા છે એના પર જ આખું વજન આવવું જોઈએ. જો એમ ન કરવામાં આવે તો ઍન્કલ કે ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ શકે છે. પંજા પાસેના બૉલ પર વજન આપવાથી આખા શરીરનું વજન મસલ્સ પર લેવાય છે ને એડી પર કૂદવાથી હાડકાં પર આવે છે.

૨. ખૂબ ઊંચા કૂદકા ન લગાવો

આ ગેમ દોરડાકૂદની છે, તમારી હાઈ જમ્પની નહીં એ યાદ રાખો. દોરડું તમારા પગ નીચેથી સહજતાથી પસાર થઈ શકે એટલું જ કૂદો. ઊંચા જમ્પ લગાવવાથી વધુ કૅલરી બર્ન થાય અને શરીરને વધુ કસરત મળે એ ખોટી માન્યતા છે. સળંગ ત્રીસ સેકન્ડ સુધી એક જ રિધમમાં દોરડા કૂદવાથી વધુ ફાયદો થાય છે.

૩. ખભા ને હાથને વીંઝશો નહીં

દોરડું ફેરવતી વખતે હાથને ખભાથી આખો હાથ ઉપરનીચે વીંઝવાની જરૂર નથી. માત્ર કાંડાની સક્યુર્લર મૂવમેન્ટથી જ તમે દોરડું હલાવી શકો છો. કાંડું ફેરવવાથી પણ હાથના મસલ્સને પૂરતી કસરત મળી રહેશે.

૪. યોગ્ય લંબાઈનું દોરડું વાપરો

જરા પણ વધુ કે ઓછી લંબાઈનું દોરડું ડિસકમ્ફર્ટ તો કરશે જ, સાથે ઇન્જરીનું રિસ્ક પણ પેદા કરશે. આઇડિયલી દોરડું ડબલ ફોલ્ડ કર્યા પછી તમારા પગના તળિયાથી લઈને છાતીના સિંગલ હાડકા સુધી પહોંચતું હોવું જોઈએ. એમ કરવાથી તમે રિધમ પ્રમાણે જમ્પિંગ જાળવી શકશો.

૫. હાથની પોઝિશન જાળવો

ભલે હાથને આખા ખભેથી હલાવવાના નથી, પણ દોરડાની યોગ્ય મૂવમેન્ટ થઈ શકે એ માટે હાથને શરીરથી દૂર રાખવા જરૂરી છે. હાથનો પંજા કમરની લાઇનમાં રહે એટલો ઊંચો તેમ જ શરીરથી પોણો-એક ફૂટ દૂર રાખવો.

૬. એક પગે જમ્પ

વજન અતિશય વધારે હોય તો જમ્પિંગ એક્સરસાઇઝ ઠીક નથી. જો તમારું વજન હોવું જોઈએ એના કરતાં પંદરેક કિલો જેટલું વધારે હોય તો બન્ને પગે એકસાથે દોરડાકૂદ કરવાથી ઘૂંટણ અને સાંધાઓને સ્ટ્રેસ પડી શકે છે. આવા સંજોગોમાં તમે માત્ર સિંગલ લેગ રોપ જમ્પિંગ કરી શકો છો.

એક મિનિટમાં ૧૧ કૅલરી

મધ્યમ ગતિએ લગભગ વીસ મિનિટ ચાલવાથી ૭૦ કૅલરી બર્ન થાય છે, જ્યારે એક મિનિટ દોરડા કૂદવાથી ૧૧ કૅલરી બર્ન થાય છે. સ્લિમિંગ વર્કઆઉટમાં એક મિનિટ સળંગ એક રિધમમાં રોપ જમ્પિંગ કરીને વચ્ચે પાંચ મિનિટ મધ્યમ ગતિએ સિંગલ લેગ રોપ જમ્પિંગ કરવું. એક રોટેશન ચારથી પાંચ વાર રિપીટ કરવાથી બૉડીને મૅક્સિમમ ફાયદો થાય છે.

ફાયદા

દોરડાકૂદથી એચજીએચ એટલે કે હ્યુમન ગ્રોથ હૉમોર્ન્સ સ્રવે છે. આ હૉમોર્ન્સથી ખૂબ ઝડપથી શરીરમાંથી ચરબી બર્ન થાય છે અને મસલ્સ મજબૂત થાય છે. બૉડીમાં તમામ લાંબા મસલ્સને એનાથી એક્સરસાઇઝ મળે છે. એને કારણે મસલ્સની લંબાઈ અને ફ્લેક્સિબિલિટી વધે છે.