આ ભાઈ રસોડામાં ગયા વગર રહી જ નથી શકતા

13 October, 2011 07:03 PM IST  | 

આ ભાઈ રસોડામાં ગયા વગર રહી જ નથી શકતા



(ધૂણકી - રત્ના પીયૂષ)

કોઈ તમને પૂછે કે તમારી હૉબી શું અને તમે કહો ઘરનાં ઈલેક્ટ્રિક સાધનો રિપેર કરવાની કે રદ્દી ભેગી કરવાની તો? સાંભળતાં જ વિસ્મય પમાડે એવી અજીબોગરીબ હૉબી વિશે આપણે વાત કરીશું ‘ધુણકી’માં.

ઘરની રસોઈ મોટા ભાગે મહિલાઓ સંભાળે છે. એમાં રોજેરોજ શું બનાવવું એ વિચારીને તેઓ ઘણી વખત કંટાળી જાય છે, પરંતુ બોરીવલી (વેસ્ટ)માં રહેતા ગૃહસ્થ જગદીશ રાઠોડને રસોઈ બનાવવાનો ક્યારેય કંટાળો નથી આવતો. તેમને ખાવાનું બનાવવાનો ભારે શોખ છે.

રોજ સવારનો નાસ્તો બનાવવાની સાથે સાંજની રસોઈ પણ જગદીશભાઈ હોંશે-હોંશે બનાવે છે એ વિશે તેઓ કહે છે, ‘હું સાંજે કામથી ગમેએટલો થાકીને ઘરે આવું, પરંતુ અમુક શાક તો ચોક્કસ બનાવું. આ મારો નિત્યક્રમ બની ગયો છે. હું રસોડામાં ગયા વગર રહી નથી શકતો. મને અવનવી વાનગી બનાવવાનું ખૂબ જ ગમે છે.’

મૂળ ભાવનગરના રાજપૂત જ્ઞાતિના જગદીશ પ્રેમજી રાઠોડ ૫૧ વર્ષના છે. તે પ્રાઇવેટ કંપનીમાં મુંબઈ કસ્ટમ્સ ક્લિયરિંગ ફૉર્વર્ડિંગની નોકરી કરે છે. તેમનાં ત્રણ સંતાનોમાં મોટી દીકરી ડિમ્પલ, દીકરો હિતેન અને સૌથી નાનો દીકરો સમીર છે. એમાં ડિમ્પલનાં લગ્ન થઈ ગયાં છે. તેને બે બાળકો છે. હિતેનનાં લગ્ન દર્શના સાથે થયાં છે. તેને એક દીકરી નીતિ છે, જ્યારે સમીરની સગાઈ થઈ છે.

શું બનાવશો?

રસોઈમાં પત્નીની મદદ વિશે જગદીશભાઈ કહે છે, ‘મારી પત્ની નૈના મને દરરોજ ફોન પર પૂછી લે છે કે સાંજે શું બનાવશો? ત્યારે હું તેને જે બનાવવાનું હોય એ કહી દઉં એટલે એ માટે કાંદા સમારવાના હોય, ટામેટાંની ગ્રેવી બનાવવાની હોય એ બધું તે તૈયાર રાખે એટલે ઘરે જઈને બાકીની તૈયારી કરીને હું ખાવાનું બનાવું. ક્યારેક એવું બને કે જો હું બહારગામ ગયો હોઉં ત્યારે વખતે મને રસોઈ બનાવવાનો ચાન્સ ન મળે તો મને ન ગમે.’

પસંદગીનાં શાક

જગદીશભાઈને શાકભાજી પણ જાતે જ લાવવાની ટેવ છે એ વિશે તેઓ કહે છે, ‘સાંજે નોકરીએથી પાછો આવતાં બોરીવલી સ્ટેશને ઊતરીને સીધો હું શાકમાર્કેટમાં જાઉં. ત્યાં મારી પસંદગીનાં શાક લઈને જ ઘરે જાઉં. મને શાક અમુક ચોક્કસ પ્રકારનાં જ જોઈએ. આથી મારી દીકરી ડિમ્પલ અને દીકરા હિતેનનાં લગ્ન વખતે પણ મેં કેટરર્સ સાથે અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે રસોઈ માટેનાં બધાં શાકભાજી હું જ લાવીશ. એ વખતે હું ખાસ સુરત જઈને બધાં શાકભાજી જાતે જ પસંદ કરીને લાવ્યો હતો.’

નાસ્તામાં વરાઇટી

સવારે ઊઠીને મારાં બાળકો માટે ભાવતા નાસ્તા બનાવવાની મારી ટેવ છે એમ જણાવીને જગદીશભાઈ ઉમેરે છે, ‘મારી પત્ની મને એમાં જરૂરી મસાલા તૈયાર કરવા મદદ કરે છે. દરરોજ હું બધા માટે અવનવા નાસ્તા બનાવું છું. કોકોનટ સેવઈ, ગ્રીન પીસ બટાટાવડાં, સુરતી સેવ ખમણી, મેંદુવડાં, દાલવડાં, બટાટાપૌંઆ વગેરે બનાવું. મારાથી રોટલી કે થેપલાં ગોળ નથી બનતાં એટલે થેપલાનો લોટ તૈયાર કરીને મારી વાઇફ થેપલાં વણે અને હું એ શેકું.’

શું બનાવતાં આવડે?

રસોઈમાં વિવિધતા વિશે જગદીશભાઈ કહે છે, ‘હું આખા દેશમાં ફર્યો છું. હું કોઈ પણ નવી ડિશ ખાઉં તો એમાં કયા મસાલા નાખ્યા, એ કેવી રીતે બને એને સમજવાનો પ્રયત્ન કરું અને જરૂર જણાય તો ત્યાં જ ત્યાંના શેફને પૂછી લઉં કે એ કેવી રીતે બને છે. પછી એને ઘેર આવીને બનાવું. મને જુદાં-જુદાં શાક બનાવતાં આવડે છે. કદાચ એવું કોઈ શાક નહીં હોય જે મને ન આવડે. મારા હાથે બનાવેલાં પંજાબી શાક જેવાં કે પનીર બટર મસાલા, પનીર ભુરજી, મેથી મટર મલાઈ, પનીર કોફતા વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.’

તેમનાં પત્ની વધુમાં ઉમેરે છે, ‘જગદીશના હાથે બનેલાં રીંગણ અને કારેલાં ફ્રાય તો જે લોકોને એ શાક પસંદ ન હોય તેઓ પણ ખાતા થઈ જશે. ઊંધિયું, રીંગણનું ભડથું, ભીંડી ફ્રાય, (કોકોનટ વૉટર) નાળિયેરના પાણીમાં કઠોળ વગેરે પણ ખૂબ જ ટેસ્ટી બનાવે છે.’

ચટાકેદાર બનાવટો

મારા હાથે બનાવેલી પાંઉભાજી તો અમારી સોસાયટીના લોકોને પણ બહુ ભાવે છે એમ જણાવીને જગદીશભાઈ ઉમેરે છે, ‘મારી સોસાયટીમાં રહેતા મારા મિત્રો મને ઘણી વખત કહે છે કે પાંઉભાજીનો પ્લાન ક્યારે રાખવો છે? હું ઉસળ, પુલાવ, બિરયાની પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવું છું.’

ઘરના દરેકને આવડે

હું જેવી રીતે ખાવાનું બનાવું છું એવી જ પદ્ધતિથી મારી પત્ની પણ ખાવાનું બનાવે છે એમ જણાવીને જગદીશભાઈ કહે છે, મારી રસોઈના સૌકોઈ દીવાના છે. ત્યારે તેમની વાતમાં સૂર પુરાવતાં તેમની વહુ દર્શના કહે છે, ‘ખરેખર, પપ્પાની રસોઈનો ટેસ્ટ જુદો જ હોય છે. હવે તો મારા પિયરના લોકો પણ મને કહે છે કે તું નસીબવાળી છે કે તને રોજ અવનવી વાનગી તૈયાર મળે છે. જોકે હવે તો પપ્પા પાસે હું ઘણી બધી ડિશ બનાવતાં શીખી ગઈ છું.’

તેર વર્ષની ઉંમરથી રસોઈ

હું તેર વર્ષનો હતો ત્યારથી જ મેં રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી એમ જણાવીને જગદીશભાઈ કહે છે, ‘એ વખતે મારા મરાઠી મિત્રો હતા. તેમના ઘરે જે ઉસળ બનતું એ અને તેમને ત્યાંની અન્ય રસોઈ બનાવવાની પદ્ધતિ હું ધ્યાનથી જોતો. પછી ઘરે આવીને અમુક વરાઇટી બનાવવાનો પ્રયોગ કરતો. શરૂઆતથી જ હું રસોઈ કરતી વખતે મારી સલામતીનું ધ્યાન રાખતો. પહેલાં તો મારાં મમ્મી જયાબહેન મને એકલો ગૅસ પાસે ઊભો જ નહોતાં રહેવા દેતાં. તેઓ મારી સાથે ઊભાં રહેતાં. મારા ઘરના સૌ સભ્યોએ મારી રસોઈના શોખને કેળવ્યો છે. તેઓ મારી બનાવેલી વાનગી હોંશે-હોંશે ખાઈને મારાં વખાણ કરતા હતા. આજે તો ઘર, બહાર કે સગાંસંબંધીઓ સૌકોઈને મારી બનાવેલી રસોઈ ખૂબ જ ભાવે છે.’