અલ્સરેટિવ કોલાઇટિસ માટેની j-પાઉચ સર્જરી

04 November, 2011 09:05 PM IST  | 

અલ્સરેટિવ કોલાઇટિસ માટેની j-પાઉચ સર્જરી



(જગદીશચંદ્ર ભટ્ટ)

એક મલ્ટિનૅશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સાગર મહેતા છેલ્લાં બે વર્ષથી પેટના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. બરાબર ખાઈ ન માણી શકે, રાતે નિરાંતની નિદ્રા ન લઈ શકે કે મન દઈને નોકરી પણ ન કરી શકે. નામ એટલા ડૉક્ટરોની સલાહ અને સારવાર લેવા છતાં સાગર મહેતાને કોઈ જ રાહત ન થઈ. છેવટે આઇપીએએ j-પાઉચ સર્જરી એવું વિશિષ્ટ નામ ધરાવતી આ સર્જરી કરાવ્યા પછી તેઓ આ ગંભીર બીમારીમાંથી ઊગરી ગયા ને જાણે નવી જિંદગી મળી. 

અલ્સરેટિવ કોલાઇટિસ એટલે શું?

બોરીવલીમાં ૬૦ કરતાં પણ વધુ વર્ષથી પંડ્યા હૉસ્પિટલનું સંચાલન કરતા ડૉ. ભરત પંડ્યા અને કેઈએમ હૉસ્પિટલના સર્જિકલ ડિપાર્ટમેન્ટના સજ્ર્યન ડૉ. અભય દળવી કહે છે, ‘મોટા આંતરડામાં સોજો (ઇન્ફ્લેમેશન) ચડે, એમાં ચાંદાં પડી જાય, વારંવાર પાતળા ઝાડા થાય અને સાથે લોહી પડે તથા પેટમાં અસહ્ય પીડા થાય એ પરિસ્થિતિને અલ્સરેટિવ કોલાઇટિસ કહેવાય. વળી મોટા આંતરડાની ચામડી ધીમે-ધીમે લાલ થતી જાય. પરિણામે ખાધેલું પચે નહીં, પેટમાં બેહદ બળતરા થાય. અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટના શરીરમાં વ્યવસ્થિત પાચનપ્રક્રિયા ન થવાથી તેને દિવસમાં પાંચથી સાતેક વખત ટૉઇલેટ જવું પડે. ક્યારેક ડાયેરિયા પણ થઈ જાય.’

રોજિંદી જિંદગી અને જોખમો

અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટને પેટમાં સતત દુખાવો રહે. વળી તેને ટૉઇલેટમાં લોહી પણ પડે. આવી ગંભીર પરિસ્થિતિમાં દરદી એક સામાન્ય માણસની જેમ આહાર ન લઈ શકે. થોડુંક પણ ખાય કે તરત ટૉઇલેટ જવું પડે. આમ દરદીને માનસિક ત્રાસ પણ થાય. રાતે નિદ્રા પણ ન આવે. આ પરિસ્થિતિ ગંભીર બને તો મોટા આંતરડામાં સોજો ચડી જાય અને એ ફાટી જવાનું જોખમ પણ રહે. આંતરડું કદાચ ફાટી પણ જાય તો એમાંથી પસ નીકળે અને ફેલાઈ જાય. કૅન્સર પણ થઈ શકે. પરિસ્થિતિ કાબૂ બહાર જાય તો દરદીનું મૃત્યુ પણ થઈ જાય. સરવાળે એમ કહી શકાય કે અલ્સરેટિવ કોલાઇટિસનું દરદ ૭૫ ટકા કન્ટ્રોલમાં રહે, જ્યારે પચીસ ટકા કિસ્સામાં ઑપરેશન કરવું પડે.  

અલ્સરેટિવ કોલાઇટિસનાં કારણો

અલ્સરેટિવ કોલાઇટિસ ચોક્કસ કયાં-કયાં કારણોથી થાય છે એની હજી સુધી જાણકારી નથી મળી એમ જણાવતાં ડૉ. ભરત પંડ્યા અને ડૉ. અભય દળવી કહે છે, ‘સરળ રીતે સમજીએ તો માનવીના શરીરમાં બહારનું કોઈ અજાણ્યું કે અણગમતું તત્વ ઘૂસી જાય ત્યારે શ્વેતકણો એની સામે લડાઈ શરૂ કરે. આ શ્વેતકણોને કારણે જ માનવીની રોગપ્રતિકારક શક્તિ (ઑટો ઇમ્યુન સિસ્ટમ) મજબૂત હોય છે. શ્વેતકણો પેલા અજાણ્યા કે અણગમતા પદાર્થને શરીરની બહાર ફેંકી દે. પરિણામે શરીરમાં કોઈ જ ગરબડ કે તકલીફ ન થાય. જોકે જે વ્યક્તિના શરીરમાંની ઑટો ઇમ્યુન સિસ્ટમ કોઈ ચોક્કસ કારણો વગર અચાનક જ ઍક્ટિવ થઈ જાય ત્યારે આંતરડામાં સોજો ચડી જાય. પરિણામે ત્યાં ડૅમેજ થાય. આ ડૅમેજ વધે એટલે અલ્સરેટિવ કોલાઇટિસ થાય.’

આ બીમારી વિશેની ગેરસમજો

મોટા ભાગના લોકો એમ સમજે છે કે તળેલું અને તીખું ખાવાથી કે ગંદું પાણી પીવાથી આવી માંદગી થાય. જોકે આ સાચું નથી. હા, વ્યક્તિને ગૅસની તકલીફ હોય અને છતાં તે દરરોજ તીખા અને તળેલા ખાદ્ય પદાથોર્ આરોગે તો પેલી ગૅસની તકલીફમાં વધારો થાય. વળી અશુદ્ધ પાણીમાંના બૅક્ટેરિયાને કારણે આંતરડામાં ઇન્ફેક્શન થાય, પરંતુ ચાંદાં ન પડે.

પ્રાથમિક સારવાર અને બીમારીના તબક્કા

અલ્સરેટિવ કોલાઇટિસ એવી બીમારી છે જે કન્ટ્રોલમાં રાખી શકાય; પરંતુ એ ક્યારેય ક્યૉર ન થઈ શકે, સંપૂર્ણ મટી ન શકે. આ બીમારીમાં રેમિશન અને રિફ્લેફ્સ એમ બે તબક્કા હોય છે. રેમિશન એટલે બીમારી કન્ટ્રોલમાં રહે અને રિફ્લેફ્સ એટલે આ તકલીફ વધી જાય. અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટને પ્રાથમિક સારવારરૂપે ચાંદાંમાં રૂઝ આવે એ માટેની દવા અપાય. સાથે આ બીમારીને કન્ટ્રોલમાં રાખવા માટે સ્ટેરૉઇડ્સ સપ્રેસન્ટ અપાય.

j-પાઉચ સર્જરી કેવી રીતે થાય?

અલ્સરેટિવ કોલાઇટિસની બીમારી અતિ ગંભીર તબક્કે પહોંચી જાય ત્યારે પેશન્ટનો જીવ બચાવવા સર્જરી એકમાત્ર ઉપાય રહે. મેડિકલ ક્ષેત્રે થયેલા લેટેસ્ટ સંશોધન મુજબ j-પાઉચ સર્જરી કરીને પેશન્ટના પેટમાંથી મોટું આંતરડું સંપૂર્ણપણે બહાર કાઢી નાખવામાં આવે છે. જોકે સૌથી નીચેના હિસ્સાનું બેથી અઢી ઇંચ જેટલું આંતરડું યથાવત્ રખાય. આ સર્જરીને આઇપીએએ પણ કહેવાય છે. મોટું આંતરડું બહાર કાઢી લીધા પછી નાના આંતરડાને અંગ્રેજી અક્ષર j જેવો આકાર આપીને એનો થોડોક ભાગ પેટમાં નાનું છિદ્ર કરીને બહાર કાઢી લેવાય. ત્યાર પછી એ હિસ્સા સાથે પ્લાસ્ટિકની નાની થેલી જોડી દેવાય. પ્લાસ્ટિકની આ જ થેલીમાં પેશન્ટનું ટૉઇલેટ જમા થાય. આ અત્યાધુનિક સર્જરીમાં પેશન્ટના શરીરમાં પ્લાસ્ટિકની થેલી નથી ગોઠવાતી, પરંતુ નાનું આંતરડું જ મહત્વની કામગીરી શરૂ કરી દે. હા, નાનું આંતરડું લગભગ બે-અઢી મહિનામાં એની કામગીરી શરૂ કરે એટલે પેટમાંનું પેલું છિદ્ર બંધ કરી દેવાય. આમ પેશન્ટની ટૉઇલેટની કુદરતી પ્રક્રિયા શરૂ થઈ જાય. જોકે દરદીએ દિવસમાં પાંચથી સાત વખત ટૉઇલેટ જવું પડે. જોકે પેશન્ટનું ટૉઇલેટ સામાન્ય વ્યક્તિના ટૉઇલેટના સ્વરૂપનું નહીં પણ ટૂથપેસ્ટના સ્વરૂપનું એટલે કે સેમી સૉલિડ હોય.