ભારતમાં દર વર્ષે ૧,૭૪,૦૦૦ બાળકો ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામે છે

12 November, 2014 05:34 AM IST  | 

ભારતમાં દર વર્ષે ૧,૭૪,૦૦૦ બાળકો ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામે છે




જિગીષા જૈન

થોડાં વર્ષ પહેલાં ભારતમાં એકથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકો ડાયેરિયા અને ડીહાઇડ્રેશન એટલે કે સાદી ભાષામાં કહીએ તો ઝાડા-ઊલટીને કારણે સૌથી વધુ માત્રામાં મૃત્યુ પામતાં હતાં. જ્યારથી પાણી સાથે ભેળવીને બાળકને ઝાડા-ઊલટી દરમ્યાન પીવડાવવામાં આવતા ORS વિશેની જાગૃતિ વધી છે ત્યારથી ઝાડા-ઊલટીને કારણે બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. આજે ભારતમાં નાની ઉંમરનાં બાળકોમાં મૃત્યુ માટે જવાબદાર પહેલા નંબરનો કોઈ રોગ હોય તો એ છે ન્યુમોનિયા. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન મુજબ ભારતમાં દર વર્ષે ૧,૭૪,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. એવું નથી કે આ રોગ બાળકોને જ થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પરંતુ બાળકોમાં આ રોગને કારણે મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. આજે વલ્ર્ડ ન્યુમોનિયા ડે નિમિત્તે જાણીએ ફેફસાના આ રોગથી ભારતીય બાળકો કઈ રીતે અસર પામી રહ્યાં છે અને તેમને બચાવવા શું કરી શકાય.

ન્યુમોનિયા એક પ્રકારનો ઇન્ફેક્શનને કારણે થતો રોગ છે જે ફેફસાંને અસર કરે છે. બીજા રોગોથી અલગ આ રોગ ઘણા અલગ-અલગ પ્રકારના ઇન્ફેક્શનથી થઈ શકે છે. મોટા ભાગે રોગ કાં તો વાઇરસથી અથવા તો બૅક્ટેરિયાથી થતો હોય છે. ન્યુમોનિયા વાઇરસ અને બૅક્ટેરિયા બન્નેથી થઈ શકે છે એટલું જ નહીં, કેટલાક કેસમાં એ કોઈ ફંગલ ઇન્ફેક્શનનો પ્રકાર પણ હોઈ શકે છે. આમ ન્યુમોનિયા એક રોગ નથી. એના ઘણા પ્રકાર છે. વાઇરસથી થતો અને બૅક્ટેરિયાથી થતો ન્યુમોનિયા બન્ને એના મુખ્ય પ્રકાર છે. એ ઉપરાંત નાનાં બાળકોમાં ખાસ કરીને એ બાળકો જે માનું દૂધ પીતાં હોય તેમનામાં એક સ્પેશ્યલ પ્રકારનો ન્યુમોનિયા જોવા મળે છે જે વિશે વાત કરતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર, કૅમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે કે ‘જે બાળક માતાનું દૂધ પીતું હોય તે દૂધ પીતી વખતે ઓતરાય જાય અને દૂધ અન્નનળીની જગ્યાએ શ્વાસનળીમાં જતું રહે તો પણ તેને ન્યુમોનિયા થઈ જાય છે જેને એસ્પિરેશનલ ન્યુમોનિયા કહે છે.

લક્ષણો

ન્યુમોનિયામાં બાળકને થોડો તાવ આવે, ખાંસી થાય, ધ્રુજારી સાથે ઠંડી લાગે અને સૌથી મહત્વનું લક્ષણ કહી શકાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય. ન્યુમોનિયા ફેફસાંનો રોગ છે એથી કફ, શરદી, ખાંસી, તાવ જેવાં સામાન્ય લક્ષણો સાથે-સાથે મહત્વનું લક્ષણ એ છે કે આ બાળકને શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ થાય છે. ન્યુમોનિયામાં જે કફ થાય છે એ લીલા અથવા પીળા રંગનો હોય છે. એ ઉપરાંત ન્યુમોનિયા થયો હોય ત્યારે છાતીમાં દુખાવો થાય, ખાસ કરીને જયારે ઊંડા શ્વાસ લેવામાં આવે ત્યારે દુખાવો વધી જાય, માથું દુખે, ભૂખ ઓછી થઈ જાય, એનર્જી‍ ઘટી જાય અને ખૂબ પરસેવો વળ્યા કરે. શ્વાસના પ્રૉબ્લેમને કારણે જ્યારે ન્યુમોનિયા ખૂબ વધી જાય તો હોઠ અને નાક એકદમ ભૂરા રંગનાં થઈ જતાં હોય છે. લક્ષણોની ગંભીરતા વિશે જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે કે ‘કફ, શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો કોઈ પણ ઇન્ફેક્શનમાં હોઈ શકે છે, પરંતુ જો તમારા બાળકને શ્વાસની પણ તકલીફ લાગે, બાળક જરૂર કરતાં વધુ માંદું લાગે એટલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ન્યુમોનિયાનો ઇલાજ અઘરો નથી. યોગ્ય ઇલાજ આપણી પાસે છે, પરતું પ્રૉબ્લેમ એ છે કે એનું નિદાન યોગ્ય સમયે થવું જરૂરી છે. જેને માટે બાળકને લક્ષણો દેખાતાંની સાથે તરત જ ડૉક્ટર પાસે લઈ જવું અને જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ.’

ઇલાજ

જ્યારે ડૉક્ટરને લક્ષણો પરથી લાગે કે બાળકને ન્યુમોનિયાની અસર જણાય છે ત્યારે ડૉક્ટર પહેલાં તેનો એક્સ-રે કઢાવે છે અને નૉર્મલ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જાણવા માટે બ્લડ-ટેસ્ટ કરાવે છે. એ ઉપરાંત બ્લડ-ટેસ્ટ દ્વારા એ પણ ખબર પડે છે કે લોહીમાં ન્યુમોનિયાને લીધે ઑક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે અને ટૉક્સિનનું પ્રમાણ વધી ગયું છે. આ ટેસ્ટ પછી જો બાળકને વાઇરલ ન્યુમોનિયા હોય તો ઍન્ટિવાઇરલ અને બૅક્ટેરિયલ ન્યુમોનિયા હોય તો ઍન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે. ઇલાજ વિશે ડૉ. પંકજ પારેખ કહે છે કે ‘ખાસ કરીને બાળકોને જો ન્યુમોનિયા થયો હોય તો તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડે છે. ગ્લુકોઝની બૉટલ ચડાવી અને ઉપરથી ઑક્સિજન આપીને તેમને સર્પોટિવ ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે અને સાથોસાથ દવાઓથી બાળક સાજું થાય છે. મોટા ભાગે ઍન્ટિબાયોટિક દવાઓ કામ કરી જાય છે અને ક્યારેક કોઈ કેસમાં ઍન્ટિવાઇરલ દવાઓ પણ આપવી પડે છે. આવાં બાળકોને ખૂબ વધુ માત્રામાં પ્રવાહી પિવડાવવામાં આવે છે જેનો ઘણો ફાયદો થાય છે. આમ બાળકનો ઇલાજ મુશ્કેલ નથી, પરંતુ ઇલાજ ન મળે તો રોગ પૂરા ફેફસામાં ફેલાય તો બાળક મૃત્યુ પામે છે.’

રસીકરણ

મોટા ભાગે જે જોવા મળે છે એમાં બાળકને ઓરી થયા પછી ન્યુમોનિયા થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. એનું કારણ છે કે ઓરીના જે વાઇરસ છે એ આગળ જતાં બાળક માટે ન્યુમોનિયાનું કારણ બને છે અથવા ઘણી વાર એવું પણ બને છે કે ઓરીને કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. એને લીધે બાળકને ન્યુમોનિયાના જંતુ સહેલાઈથી પકડી લે છે. બન્ને કિસ્સાઓમાં ઓરી ન્યુમોનિયા માટેનું મહત્વનું કારણ બની રહે છે. એનો ઉપાય જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે કે ‘આપણી પાસે હવે ઓરી-અછબડાની વૅક્સિન એટલે કે રસી ઉપલબ્ધ છે. એ લગાવવાથી ઓરીથી જ નહીં, પરંતુ ઓરીને કારણે થતા ન્યુમોનિયાથી પણ છુટકારો મેળવી શકાય છે. એના સિવાય ખાસ ન્યુમોનિયા માટે પણ HIB એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-બી વૅક્સિન અને ન્યુમોકોકલ વૅક્સિન આવે છે જે દરેક બાળકને લગાવવી જોઈએ. આ બન્ને વૅક્સિન લગાવવાથી બાળક પર ન્યુમોનિયા થવાનું રિસ્ક ઘણું ઘટી જાય છે.

ભારતમાં મૃત્યુદર શા માટે વધુ?

ભારતીય બાળકોમાં ન્યુમોનિયાને કારણે મૃત્યુદર વધુ હોવાનાં કારણોમાં જોવા જઈએ તો આ રોગના નિદાનમાં લાગતી વાર અને દરેક જગ્યાએ લૅબોરેટરીની ફૅસિલિટીનો અભાવ જવાબદાર છે. વળી ન્યુમોનિયા ચેપી રોગ છે. ભારતની વસ્તીની ગીચતામાં એ વધુ જલદી ફેલાય છે. આ રોગ એ બાળકોને વધુ અસર કરે છે જે કુપોષણનો શિકાર છે, અશક્ત છે જેને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી જ ઓછી છે. ભારતમાં લગભગ ૫૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે અને ત્યાં આ રોગનું પ્રમાણ વધુ હોવાનું સહજ છે. બાળકોને યોગ્ય પોષણ, ગામેગામ લૅબોરેટરી અને ઇલાજની યોગ્ય સુવિધા તથા આ રોગ વિશે સંપૂર્ણ જાગૃતિ જ આપણા દેશનાં બાળકોને બચાવવાનો એકમાત્ર ઉપાય છે.