21 October, 2019 09:10 PM IST | Mumbai
Mumbai : રાત્રે ટીવી ચાલુ રાખીને ઊંઘી જતા હો અથવા તો લાઇટ ચાલુ રાખીને ઊંઘવાની ટેવ હોય તો આ આદત તમારાં સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે મહિલાઓ રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સૂઈ જતી હોય તેમનું વજન વધી શકે છે. આ રિસર્ચ JAMA ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયું છે. આમાં રાત્રે સૂતી વખતે કૃત્રિમ લાઇટ અને મહિલાઓના વજનમાં વધવાની વચ્ચેના સંબંધ વિશે સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનનાં પરિણામોમાંથી એવું તારણ નીકળ્યું કે, સૂતી વખતે લાઇટ બંધ કરવાથી મહિલાઓ મેદસ્વી થવાની એટલે કે તેમનું વજન વધવાની સંભાવના ઓછી થઈ શકે છે.
અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે સિસ્ટર સ્ટડીમાં 43,722 મહિલાઓના પ્રશ્નાવલિના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જેમાં સ્તન કેન્સર અને અન્ય રોગોના જોખમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નાવલીમાં પૂછવામાં આવ્યું હતું કે શું મહિલાઓ કોઈપણ લાઇટ, ડિમ લાઇટ, રૂમની બહારથી આવતી લાઇટ અથવા રૂમમાં ટીવી ચાલુ રાખીને સૂઈ જાય છે કે નહીં.
આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...
આ ડેટાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ સ્થૂળતા અને રાત્રે કૃત્રિમ પ્રકાશ એટલે કે આર્ટિફિશિયલ લાઇટમાં ઊંઘતી મહિલાઓનાં વજન વધવાનો સંબંધનો અભ્યાસ કર્યો. તેમાં જાણવા મળ્યું કે, રાત્રે ડિમ લાઇટમાં ઊંઘવાથી વજન નથી વધતું. પરંતુ જે મહિલા આર્ટિફિશિયલ લાઇટ એટલે કે રૂમની લાઇટ અથવા ટીવી ચાલુ રાખીને સૂઈ જતી હોય તેમનું પાંચ કિલો વજન વધવાની સંભાવના 17% હોય છે.