ડાયાબિટીઝના દરદીઓ પર તોળાતો મોટો ખતરો હાયપોગ્લાયસેમિયા

22 December, 2014 05:36 AM IST  | 

ડાયાબિટીઝના દરદીઓ પર તોળાતો મોટો ખતરો હાયપોગ્લાયસેમિયા



જિગીષા જૈન

(પાર્ટ-૧)

મુંબઈની જાણીતી હૉસ્પિટલમાં હાલમાં એક ૬૦ વર્ષની સ્ત્રીને તેના ઘરના લોકો ઇમર્જન્સીમાં લઈ આવ્યા. તેનું ડાબું અંગ આખું પૅરૅલાઇઝ્ડ થઈ ગયું હતું. ઘરના લોકો ભારે ચિંતામાં હતા. દેખીતી રીતે જણાતું હતું કે તે સ્ત્રીને પૅરૅલિસિસનો અટૅક આવ્યો છે. ટાઇપ-૧ ડાયાબિટીઝની દરદી એવી આ સ્ત્રીની મેડિકલ હિસ્ટરી જાણ્યા બાદ ત્યાંના ડૉક્ટરે તાત્કાલિક તેની શુગર ચેક કરી તો તેનું લેવલ ૨૫ જેટલું નીચે જતું રહ્યું હતું. તાત્કાલિકપણે તેને એક ગ્લુકોઝનું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને થોડી વારમાં તેનું શુગર લેવલ બરાબર થતાં તે સ્ત્રી ઊભી થઈને ચાલવા લાગી. ઘરવાળાને સમજાયું નહીં કે આ મિરૅકલ કઈ રીતે બન્યો, કારણ કે જે કન્ડિશનમાં આ સ્ત્રી હૉસ્પિટલ આવી હતી લાગતું હતું કે સિવિયર પૅરૅલિસિસનો અટેક છે અને કદાચ હંમેશાં માટે તેનું ડાબું અંગ પૅરૅલાઇઝ્ડ જ રહેશે. હકીકત એ હતી કે આ સ્ત્રીના પૅરૅલિસિસના અટૅક પાછળનું કારણ તેની અચાનક ઘટી ગયેલી શુગર હતી, જે કન્ડિશનને હાયપોગ્લાયસેમિયા કહે છે.

કોઈ પણ ડાયાબિટીઝનો દરદી પછી તેને ટાઇપ-૧ ડાયાબિટીઝ હોય કે ટાઇપ-૨ ડાયાબિટીઝ, તે પોતાની વધતી શુગરને કઈ રીતે ઘટાડવી એની ચિંતામાં હોય છે. મોટા ભાગે ટાઇપ-૧ ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દ્વારા અને ટાઇપ-૨ ડાયાબિટીઝમાં દવાઓ દ્વારા વધેલી શુગરને ઘટાડવામાં આવે છે. જે દરદીઓમાં શુગર વધારે હોય છે તેમને જે ડાયાબિટીઝ છે એને હાયપરગ્લાયસેમિયા કહે છે, જ્યારે ડાયાબિટીઝના એક પ્રકારમાં એવું પણ થાય છે કે વ્યક્તિની શુગર ખૂબ જ ઘટી જાય જેને હાયપોગ્લાયસેમિયા કહે છે. હાયપોગ્લાયસેમિયા રોગ હાયપરગ્લાયસેમિયા કરતાં વધુ ખતરનાક છે, કારણ કે કોઈ વ્યક્તિની શુગર ૪૦૦-૫૦૦ જેટલી વધી જાય તો પણ તે જીવી શકે છે; જ્યારે કોઈ વ્યક્તિની શુગર ૨૦-૨૫ જેટલી નીચે જાય તો તેનું તરત જ મૃત્યુ પણ થઈ શકે છે. પહેલી નજરે લાગે કે શુગર વધવી અને શુગર ઘટવી એ બન્ને અલગ-અલગ રોગ છે, પરંતુ હકીકત એ છે કે જે વ્યક્તિને હાયપરગ્લાયસેમિયા હોય તેને હાયપોગ્લાયસેમિયા થઈ શકે છે. એટલે કે જેને શુગર વધારે રહેવાની બીમારી હોય તેને પણ શુગર ઘટી જવાની તકલીફ થઈ શકે છે. આજે જાણીએ હાયપોગ્લાયસેમિયા કોને થઈ શકે છે અને એની સાથે કયા પ્રકારની તકલીફો જોડાયેલી છે.

નૉર્મલ કન્ડિશન

હાયપોગ્લાયસેમિયા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. સામાન્ય રીતે આપણે ઉપવાસ કરીએ કે લાંબો સમય સુધી ભૂખ્યા રહીએ તો આપણને હાયપોગ્લાયસેમિયા થઈ શકે છે. જેને ઉપવાસની આદત ન હોય તે આખો દિવસ ભૂખ્યા રહે તો સાંજ સુધીમાં ચીડિયા થઈ જાય છે. વળી તેને નબળાઈ લાગે, કશું ગમે નહીં, ઊંઘ આવે વગેરે જેવાં જે પણ લક્ષણો જણાય એ બધાં જ હાયપોગ્લાયસેમિયાનાં લક્ષણો કહી શકાય. ખોરાક નહીં લેવાને કારણે શરીરનું શુગર-લેવલ નીચું જાય છે. મગજને એને કારણે ઓછી ઊર્જા‍ મળે છે અને આ બધાં લક્ષણો દેખાવાં શરૂ થાય છે. આવી વ્યક્તિ જેવું કંઈક ગળ્યું ખાય અથવા કંઈ પણ ખોરાક લે તો તેને તરત સારું લાગે છે. નૉર્મલ માણસો, જેને શુગરનો પ્રૉબ્લેમ નથી અને ખોરાક ન લેવાને કારણે તેમના પર જે હાયપોગ્લાયસેમિયાની અસર વરતાય છે એના માટે તેમને દવા કે ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. એ વિશે સમજાવતાં શ્રેયા ડાયાબિટીઝ કૅર સેન્ટર, બોરીવલીના કન્સલ્ટન્ટ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સામાન્ય રીતે જ્યારે કોઈને ડાયાબિટીઝનો પ્રૉબ્લેમ ન હોય અને તેમની શુગર એકદમ ઘટી ગયેલી લાગે તો તરત જ કંઈક ગળ્યું ખાઈ લેવાથી તેમનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકે છે, કારણ કે શરીર એટલું સક્ષમ છે કે આ પ્રકારની તકલીફમાં સ્ટેબલ રહી શકે છે.’

ડાયાબિટીઝને કારણે

હાયપોગ્લાયસેમિયા પ્રૉબ્લેમ ત્યારે ખતરનાક બને છે જ્યારે વ્યક્તિને હાયપરગ્લાયસેમિયા હોય એટલે કે ડાયાબિટીઝનો દરદી ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન કે દવાઓ લઈને પોતાની શુગરને કન્ટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરતો હોય ત્યારે આવા સમયે અચાનક શુગર ફ્લક્ચ્યુએટ થવાને કારણે જો શુગર એકદમ ઘટી જાય તો એ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જ્યારે વ્યક્તિને ડાયાબિટીઝ પહેલેથી છે અને શુગર માટે તે ઇન્જેક્શન કે દવાઓ લે છે ત્યારે તેની શુગર પર શરીરનો કન્ટ્રોલ રહેતો નથી. નૉર્મલી જ્યારે શુગર લો થાય ત્યારે શરીર એના પર કન્ટ્રોલ કરી લે છે, પરંતુ જ્યારે દવાઓ દ્વારા શુગર કન્ટ્રોલ થતી હોય ત્યારે એની વધ-ઘટ પર શરીરનો કન્ટ્રોલ રહેતો નથી; જેને કારણે મોટું ડૅમેજ થવાની શક્યતા વધી જાય છે.’

કોને થાય?

ટાઇપ-૧ ડાયાબિટીઝના દરદી, જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પર જીવતા હોય છે તેમને હાયપોગ્લાયસેમિયા થવાની શક્યતા ઘણી વધારે રહે છે. આ ઉપરાંત ટાઇપ-૨ ડાયાબિટીઝના દરદીઓ પણ કેટલાક કેસમાં હાયપોગ્લાયસેમિયાનો ભોગ બનતા હોય છે. આ ઉપરાંત કોને હાયપોગ્લાયસેમિયા થઈ શકે એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જે વ્યક્તિને પૅન્ક્રિયાસ ખરાબ થવાને કારણે ડાયાબિટીઝ થયો હોય તેને હાયપોગ્લાયસેમિયા થઈ શકે છે. આ ઉપરાંત જે વ્યક્તિને કિડનીનો કોઈ પ્રૉબ્લેમ હોય તો તેવી વ્યક્તિને પણ હાયપોગ્લાયસેમિયા થઈ શકે છે. આ ઉપરાંત જે વ્યક્તિને ઘણાં વર્ષોથી એટલે કે લગભગ ૨૦-૩૦ વર્ષથી ડાયાબિટીઝ હોય તેવી વ્યક્તિઓને પણ હાયપોગ્લાયસેમિયા થઈ શકવાની પૂરી સંભાવના છે.’

લક્ષણો

હાયપોગ્લાયસેમિયા હંમેશાં થોડા સમય માટે આવતી કન્ડિશન છે, એ હંમેશાં માટે રહેતો રોગ નથી. જેને એ થાય તેને અવારનવાર શુગર લો થવાની શક્યતા રહી શકે છે. મુખ્ય વસ્તુ એ છે કે વ્યક્તિ આ કન્ડિશનને સમજી શકે કે તેની શુગર ઘટી રહી છે. જો વ્યક્તિ એ સમજી શકે તો તેને સમજીને તે તાત્કાલિક ગ્લુકોઝ કે કોઈ ગળી વસ્તુ ખાઈને પોતાનું શુગર-લેવલ બૅલૅન્સ કરી શકે છે અને મોટી વિપદામાંથી બચી શકે છે. હાયપોગ્લાયસેમિયાનાં લક્ષણો આ મુજબ છે.

હાથ-પગ ધ્રૂજવા લાગે છે.

ખૂબ બેચેની થાય છે.

છાતીમાં પૅલ્પિટેશન એટલે કે ધબકારા વધી જાય છે.

અચાનક પરસેવો વળી જાય છે.

વ્યક્તિ એકદમ રેસ્ટલેસ બની જાય છે.

આંખ સામે અંધારાં આવી જાય છે.

જો તાત્કાલિક કંઈ ન કરવામાં આવે તો વ્યક્તિ બેભાન થઈ શકે છે, કોમામાં જઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે.

(કાલે આપણે જાણીશું કે હાયપોગ્લાયસેમિયાને કારણે ડાયાબિટીઝના દરદીના હાર્ટ અને બ્રેઇન પર શું-શું અસર થઈ શકે છે અને એનાથી બચવા શું કરી શકાય.)