20 March, 2025 06:51 AM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
શરીર અને મગજને આપણે મોટા ભાગે જુદા માનતા આવ્યા છીએ. પરંતુ હકીકત એ છે કે મગજ શરીરનો એક ભાગ જ છે અને શરીરમાં જે પણ બીમારી થઈ હોય એની સીધી અસર મગજ પર થવાની પૂરી શક્યતા છે. કોઈ પણ રોગ થયો હોય એની કોઈ ને કોઈ અસર મગજ પર દેખાતી જ હોય છે. ઘણી અસર છતી દેખાય છે જ્યારે ઘણી અસર થાય પરંતુ એટલા નાના લેવલ પર હોય કે સમજાય નહીં. આજના યુગનો કદાચ સૌથી સામાન્ય રોગ ગણીએ તો એ છે ડાયાબિટીઝ. આ રોગ શરીર પર શું-શું અસર કરે છે એ વિશે ઘણા લોકો જાગૃત છે પરંતુ ડાયાબિટીઝ તમારી માનસિક ક્ષમતાને અસર પહોંચાડી શકે છે.
માનસિક ક્ષમતા એટલે યાદશક્તિ, વિચારવાની ક્ષમતા, તર્ક કરવાની ક્ષમતા, કોઈ કંઈ કહે ત્યારે તેને રિપ્લાય કે રીઍક્શન આપવાની ક્ષમતા વગેરે પાસાંઓ પર ડાયાબિટીઝને કારણે અસર પડે છે. આ અસર ધીમી હોય છે એટલે વ્યક્તિને પોતાને અંદાજ આવતો નથી કે તેનું પતન થઈ રહ્યું છે. જેમ ઉંમર થાય અને માણસની માનસિક ક્ષમતા ધીમે-ધીમે ઘટતી જાય એ જ રીતે ડાયાબિટીઝને કારણે પણ આવું થાય છે. એટલે કે સમજવા જેવી વાત એ છે કે ૫૦ વર્ષની બે વ્યક્તિઓ હોય જેમાંથી એકને ડાયાબિટીઝ છે અને બીજાને નથી તો આ વયે ડાયાબિટીઝ વગરની વ્યક્તિની માનસિક ક્ષમતા ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ કરતાં ઓછી હશે. મોટી ઉંમરે જ્યારે માનસિક ક્ષમતા ઓછી થાય જ છે ત્યારે ડાયાબિટીઝ જેવા રોગો હોય તો તકલીફ વધી શકે છે. ડાયાબિટીઝને કારણે માનસિક ક્ષમતામાં કમી થવાનું રિસ્ક કોને વધારે રહે છે એ સમજીએ તો જે લોકોને ૬૫ વર્ષની ઉંમર પહેલાં જ ડાયાબિટીઝ આવી ગયો છે એ લોકો પર રિસ્ક વધુ ગણાય. જે લોકોને ૧૦ કે તેથી વધુ વર્ષો સુધી આ રોગ થયો છે એ લોકોને પણ રિસ્ક વધુ ગણાય. જેમનો ડાયાબિટીઝ ખૂબ વધારે હોય અને તેમને ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય. જેમનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન રહેતો હોય એવા લોકોના લોહીમાં રહેલી બ્લડ શુગર નર્વ સેલ્સને ડૅમેજ કરે છે અને એને કારણે માનસિક ક્ષમતાને ક્ષતિ પહોંચે છે.
ડાયાબિટીઝ એક એવો રોગ છે કે એના થકી થતા નુકસાનને બચાવવું ખૂબ જ અઘરું કામ છે. જો તમારી બ્લડ શુગર કન્ટ્રોલમાં પણ રહેતી હોય તો પણ તમને નાના પાયે કે પછી લાંબા ગાળે નુકસાન તો થવાનું જ છે અને જો એવામાં શુગર કન્ટ્રોલમાં જ ન હોય તો એ નુકસાન ખૂબ જલદી અને મોટા પાયે થાય છે. ડાયાબિટીઝથી બચાવનું મહત્ત્વ સમજવા જેવું છે. આ રોગને જેટલી ગંભીરતાથી આપણે લઈ શકીએ એ આપણા હિતમાં છે.