ભારતમાં HIVના દરદી AIDS કરતાં TBથી વધુ મૃત્યુ પામે છે

11 November, 2014 06:01 AM IST  | 

ભારતમાં HIVના દરદી AIDS કરતાં TBથી વધુ મૃત્યુ પામે છે




જિગીષા જૈન

HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશ્યન્સી વાઇરસ જ્યારે એની શાખ ફેલાવે છે ત્યારે વ્યક્તિને AIDS નામનો ભયાનક રોગ થાય છે. છેલ્લાં ૧૫-૨૦ વર્ષમાં આ રોગ વિશે ઘણા જાગૃતિ અભિયાન થયાં અને એને રોકવાના સમગ્ર દુનિયામાં અઢળક પ્રયાસો થયા. વળી ફાર્મસી ક્ષેત્રે પણ ઘણા પ્રયોગો કરીને આ વાઇરસને માત દેવા માટે ઘણા પ્રયત્નો થયા. એક પછી એક દવાઓ શોધાતી ગઈ અને આજે આપણી પાસે HIV-AIDSનો ઇલાજ છે. આ બીમારી લાઇલાજ રહી નથી. કહી શકાય કે દવાઓ એટલે સુધી સારી છે કે આજે ણ્ત્સ્નો યોગ્ય ઇલાજ થઈ રહ્યો હોય તો વ્યક્તિ એને કારણે ક્યારેય મરતી નથી. યૌન સંબંધિત રોગોમાં સૌથી ઉપરનું નામ આ રોગનું લેવામાં આવે છે. ઘણીબધી ફિલ્મો, ઘણી જાહેરાતો, ઘણા લેખો થકી આજે સામાન્ય જન-જનમાં એ જાગૃતિ આવી ગઈ છે કે HIV શું છે, કઈ રીતે ફેલાય છે અને એનાથી બચવા શું કરવું જોઈએ; પરંતુ એક હકીકત છે જેના વિશે કોઈ ખાસ જાણતું નથી. AIDS પોતે જ એક મોટી તકલીફ છે. ખૂબ જ પીડાકારક પરિસ્થિતિ છે, પરંતુ એની સાથોસાથ મહત્વની વાત એ છે કે એ બીજી બીમારીઓને પણ તાણી લાવે છે. એક સામાન્ય માણસ કરતાં HIV ઇન્ફેક્ટેડ વ્યક્તિને બીજાં ઇન્ફેક્શન્સ લાગવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે જે એક ગંભીર સમસ્યા છે.

તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં HIV અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે TB જેને આપણે ક્ષય રોગ કહીએ છીએ એ બન્ને વચ્ચેનો સંબંધ સ્પક્ટ કર્યો હતો. આ રિસર્ચનો એક ભાગ મુંબઈ પણ હતું અને મુંબઈનાં સાત HIV/AIDS થેરપી સેન્ટર જેને ઍન્ટિ-રેટ્રોવાઇરલ સેન્ટર કહે છે એ સેન્ટરના ફેબ્રુઆરી-૨૦૧૩થી લઈને જાન્યુઆરી-૨૦૧૪ સુધીમાં ૧૭૨૪ દરદીઓની TBની ટેસ્ટ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે ૬૮ દરદીઓને TB થયો હતો જેમાંથી ૨૫ ટકા HIV પેશન્ટને સીધો MDR-TB એટલે કે મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્ટ TB થાય છે. આ એક એવા પ્રકારનો ટીબી છે જેના પર TBની જાણીતી દવાઓ કામ નથી કરતી અને એ દવાઓ પ્રત્યે વ્યક્તિ રેઝિસ્ટન્સ સેવતો થઈ જાય છે એટલે કે એનો પ્રતિકાર કરતો થઈ જાય છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે TBનો કોઈ દરદી પોતાનો ર્કોસ અધૂરો છોડી દે અને તેના શરીરમાંના TBના બૅક્ટેરિયા લીધેલી દવાઓનો પ્રતિકાર કરી શકે એટલા મજબૂત થઈ જાય છે. આમ આ વ્યક્તિનો TB વકરે છે અને વ્ગ્માંથી તેને MDR-TB થાય છે. ઘણા લોકો એવા હોય છે કે આ વકરેલા TBના બૅક્ટેરિયા જ સીધા તેમના પર હુમલો કરે છે, જેથી TB ન થતાં તેમને સીધો જ MDR-TB થઈ જાય છે. આ રિસર્ચ મુજબ ૨૫ ટકા HIVના દરદી સીધા MDR-TBનો ભોગ બન્યા તે દરદીઓને પહેલાં ક્યારેય TB થયો નહોતો એનો અર્થ એ થયો કે TBની દવા અધૂરી છોડી દેવાને કારણે તેમને MDR-TB થયો નહોતો, પરંતુ સીધા MDR-TBના ડ્રગ રેઝિસ્ટન્ટ ડેવલપ કરેલા બૅક્ટેરિયાએ જ તેમના પર હુમલો કર્યો હતો. આ અવસ્થા વધુ ગંભીર કહી શકાય એવી અવસ્થા છે. એમાં પણ ખાસ કરીને HIVના દરદીઓ માટે તો વધુ ગંભીર અવસ્થા બની રહે છે.

ઑપોચ્યુર્નિસ્ટિક ઇન્ફેક્શન

HIVના દરદીઓને જે ઇન્ફેક્શન લાગે છે એને ઑપોચ્યુર્‍નિસ્ટિક ઇન્ફેક્શન કહેવાય છે. નૉર્મલ માણસોને કોઈ પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા જેટલી હોય એના કરતાં HIVના દરદીને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધારે હોય છે. એ વિશે સમજાવતાં દહિસરના જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘માણસની અંદર ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ બે પ્રકારની હોય છે. એક સેલ્યુલર ઇમ્યુનિટી અને બીજી હ્યુમોરલ ઇમ્યુનિટી. હ્યુમોરલ ઇમ્યુનિટી હૉર્મોન્સને લગતી હોય છે. જ્યારે શરીરના કોષો મરતા જાય અને એ કોષો મરવાને કારણે જે રોગપ્રતિકારક શક્તિ ઘટે એને સેલ્યુલર ઇમ્યુનિટી કહે છે. HIV વાઇરસ શરીરમાંના લિમ્ફોસાઇટ નામના કોષોને મારતું જાય છે, જેને લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઘટી જાય છે. એથી કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન થવાની શક્યતા પણ ખૂબ જ વધી જાય છે, કારણ કે બહારના જીવાણુ સાથે શરીર લડી શકતું જ નથી. એમાં પણ વ્યક્તિની ઇમ્યુનિટી કેટલી હદે ડાઉન થઈ છે એના પર નિર્ભર છે કે તેના પર કેટલો મોટો ખતરો રહેલો છે.’

ભારતમાં HIV અને TB

આપણા દેશમાં ટીબીની સમસ્યા ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. સામાન્ય માણસોમાં પણ ટેસ્ટ કરીએ તો ભારતની કુલ આબાદીના ૩૦-૪૦ ટકા લોકોમાં TBનાં જંતુઓ રહેલાં હોય છે. જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ હોય ત્યારે એ જંતુઓ સુષુપ્ત અવસ્થામાં રહેલાં હોય છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે એ ઍક્ટિવ બને છે અને TB સ્વરૂપે બહાર આવે છે. HIVના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ એમનેમ પણ નબળી હોય છે. ભારતમાં TBનાં જંતુઓ વધુ છે. આમ અહીંના HIVના દરદીઓ પર TBનો ખતરો ઘણો વધારે રહે છે. એ વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ભારતમાં HIVના દરદીઓને TB થવાનું પ્રમાણ ઘણું વધારે છે. સૌથી ગંભીર બાબત એ છે કે ભારતમાં ણ્ત્સ્નો દરદી AIDSથી ઓછો અને TBથી વધુ મરે છે, કારણ કે TBની જે દવાઓ નૉર્મલ લોકોને જેટલી જલદીથી અસર કરે છે એટલી જલદીથી HIVના દરદીને અસર નથી કરતી, કારણ કે એ દવાઓ જંતુને મારે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી એ જંતુઓ શરીરમાં ખૂબ ઝડપથી વધે છે. એટલી ઝડપથી દવાઓ એને મારી નથી શકતી. આમ HIVના દરદીને TB થાય તો તેની બીમારી લાંબી ચાલે છે અને મૃત્યુ થવાની શક્યતા નૉર્મલ લોકો કરતાં વધુ રહે છે.’

બીજાં ઇન્ફેક્શન્સ

TB એક પ્રકારનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે. એવાં જ બીજાં બૅક્ટેરિયલ, વાઇરલ કે ફંગલ કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન HIVના દરદીઓને થવાની શક્યતા ઘણી વધારે રહે છે. જેમ કે એક સામાન્ય વ્યક્તિને ફંગલ ઇન્ફેક્શન થાય તો તેને ખંજવાળ આવે કે દાદ એટલે કે દાદર જેવું કંઈ થઈ જાય. HIVના દરદીને ફંગલ ઇન્ફેક્શન થાય તો તેને આખા શરીરે સ્કિન ઉપર, મોઢામાં કે આંતરડાંમાં પણ આ ઇન્ફેક્શન ફેલાય જતું હોય છે. આમ નૉર્મલી HIVના દરદીઓએ હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્સપોઝર વધારે ન લેવું, ખોરાક, એક્સરસાઇઝ અને ઊંઘ પર ખાસ ધ્યાન આપવું. એ સાથે કોઈ બીજી વ્યક્તિ જેને ઇન્ફેક્શન હોય તેનાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.