હિમાંશુ રૉયની ફિટનેસનો રાઝ શું છે જાણી લો

27 August, 2012 06:11 AM IST  | 

હિમાંશુ રૉયની ફિટનેસનો રાઝ શું છે જાણી લો

ફિટનેસ Funda

મજબૂત બાંધો, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંખોમાં ઋજુતા સાથેની સખતાઈ. મુંબઈપોલીસની ક્રાઇમ બ્રાન્ચના ચીફને જોતાં આટલી વાતો તો નોટિસ કર્યા વગર તમે રહી જ નહીં શકો. તેમનામાં તમને ટોચના પોલીસ-ઑફિસરની પર્સનાલિટીમાં હોવો જ જોઈએ એ રુઆબ અને દરેક વ્યક્તિમાં હોવી જોઈએ એ સંવેદનશીલતાનાં સહિયારાં દર્શન થશે. મુંબઈમાં જ જન્મેલા અને ઊછરેલા હિમાંશુ રૉય સેન્ટ ઝેવિયર્સ કૉલેજના કૉમર્સ ગ્રૅજ્યુએટ છે. તેમના પિતા ડૉક્ટર છે. તેઓ પોતે આઇપીએસ હોવાની સાથે સીએ પણ છે. બૅન્કર તરીકે પણ તેમણે કામ કર્યું છે. અત્યારે પણ પોતાનાં કર્તવ્યો માટે સમયનું ભાન ભૂલીને સતત કાર્યરત છે. કૉફર્ડ માર્કેટ ખાતે આવેલા પોલીસ-હેડક્વૉર્ટરમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર (ક્રાઇમ)નો હોદ્દો ધરાવતા હિમાંશુ રોય સાથે થયેલી મુલાકાતમાં તેમની પાસેથી કાચા-પાકા ગુજરાતીમાં જાણવા મળેલી ફિટનેસ વિશેની વાતો જાણીએ તેમના જ શબ્દોમાં.

વહેલો ઊઠે વીર

ફિટનેસનો મારા માટે વાઇડ અર્થ છે. જીવનની એક-એક ક્ષણ સાથે ફિટનેસ જોડાયેલી છે. હું માઇન્ડ, બૉડી અને સોલ એ ત્રણેયની તંદુરસ્તીને ફિટનેસ ગણું છું. માટે ત્રણેય માટે જે જરૂરી હોય એ કરું છું. જિમમાં જ નહીં, જિમની બહારનો સમય પણ એટલો જ મહત્વનો છે. અઠવાડિયાના પાંચ દિવસ જિમમાં જઈને ચાર દિવસ વેઇટ ટ્રેઇનિંગ અને એક દિવસ દોઢ કલાક રનિંગ, સાઇક્લિંગ જેવી હાર્ટબીટ્સ વધારતી કાર્ડિયોવૅસ્ક્યુલર એક્સરસાઇઝ કરું છું. બીજું એ કે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાઉં છું. રાતે પછી ભલેને કેટલા પણ વાગ્યે સૂવાનું થયું હોય, ઊઠવાનો ટાઇમ ફિક્સ છે. ઘણા લોકો મને પૂછતા હોય છે કે ક્યારેક જો બૉડી શેપની બહાર જતી રહે તો એને ફરી રીશેપ કરવા શું કરો છો? પણ ખરેખર આ પ્રfન જ અસ્થાને છે, કારણ કે છેલ્લાં ૧૦ વર્ષથી મારા સ્ટ્રક્ચરમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. હું ખૂબ ડિસિપ્લિનમાં માનું છું, અને મારો ફિટનેસ મંત્ર પણ મારામાં રહેલી શિસ્ત જ છે. લાન્સ આર્મસ્ટ્રૉન્ગ મારા રોલમૉડલ છે. ફ્રાન્સના આ સાઇક્લિસ્ટમાં બૉડી અને સોલ વચ્ચે ગજબનું સંતુલન અને શિસ્ત છે.

નો ડાયટ

હું ડાયટિંગ કરતો નથી, પણ હું મારા જીભના સ્વાદને કન્ટ્રોલ કરી શકું છું. દારૂ કે સિગારેટ પીતો નથી. બાળપણથી જ તળેલો કે શુગરયુક્ત ખોરાક નથી લેતો. મારા ખાવામાં પ્રોટીન અને લો કાબોર્હાઇડ્રેટવાળો ખોરાક વધુ હોય છે. એવું નથી કે બીજું કંઈ ખાવાનું મન નથી થતું, પણ તંદુરસ્તીમાં ખોરાકનું મહત્વ બહુ વધારે હોય છે અને હું મારા નિયમો પાળવામાં બહુ જિદ્દી છું. મારી ફેવરિટ ડિશ તંદૂરી ચિકન છે. મારાં મમ્મીના હાથની મગની દાળની ખીચડી પણ મારી ફેવરિટ છે. બસ, ક્યારેક રીચાર્જ થવા માટે કૉફીની ચુસકી મારી લઉં છું.

ક્લાસિકલ માટે ક્રેઝી

મેડિટેશન માટે હું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. બાગેશ્વરી, રાગશ્રી, કલાવતી વગેરે મારા ફેવરિટ રાગ છે. અને ઉસ્તાદ રાશિદ ફેવરિટ ગાયક. આમ તો જિમમાં પણ મારું મેડિટેશન ચાલુ જ હોય છે. આ મારો એકદમ અંગત સમય હોય છે, જેમાં મારું માઇન્ડ અને બૉડી એકબીજાની સાથે તાલ મિલાવતાં હોય છે. આ દરમ્યાન હું સદંતર મૌન રહુ છું. હું બીજા કોઈની સાથે જ નહીં, આ દરમ્યાન હું પોતાની સાથે પણ વાત કરતો નથી.

કંટાળો...

એ શું હોય? આ શબ્દ જ મારી ડિક્શનરીમાં નથી. મારા કામથી મને બેહદ પ્રેમ છે. મારા ખાસ મિત્ર ઍડિશનલ કમિશનર ઑફ મુંબઈ પોલીસ અશોક કામટે, જેઓ ૨૬/૧૧ના હુમલામાં શહીદ થઈ ગયા અને બોર્ડર સિક્યૉરિટી ફોર્સમાં ફરજ બજાવી રહેલા કે. એફ. રુસ્તમજીને જોઈને હું દેશની સેવા કરવા માટે પોલીસખાતામાં આવ્યો છું, જ્યાં કંટાળો જેવા શબ્દનું કોઈ વજૂદ નથી. એટલું કહીશ કે ક્યારેક ફુરસદ મળે તો ઘણાં બીજાં મનગમતાં કામો હજી કરવાં છે. મને ક્રિકેટ રમવું ગમે અને સૉકરની રમત જોવી ગમે

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ

સીએ = ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ