ફૅમિલીમાં ૭૦ ટકા લોકોને હાર્ટની તકલીફ છે તો શું મને પણ થઈ શકે છે?

03 October, 2011 05:01 PM IST  | 

ફૅમિલીમાં ૭૦ ટકા લોકોને હાર્ટની તકલીફ છે તો શું મને પણ થઈ શકે છે?

 

ડૉ. આશિષ કૉન્ટ્રેક્ટર - કાર્ડિયોલૉજિસ્ટ, એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ

સવાલ : મારી ઉંમર ૪૮ વર્ષ છે. ડાયાબિટીઝ છે પણ કોઈ જાતની દવા વિના જ અન્ડર કન્ટ્રોલ છે. બ્લડપ્રેશરની તકલીફ માટે રોજ બીપીની ગોળી લેવી પડે છે. જોકે મને લાંબું ચાલવાથી હાંફ ચડી જાય છે. ખાસ કરીને દાદરા ચડવાનું થાય ત્યારે. મારા ઘરમાં પપ્પાના ફૅમિલીમાં લગભગ ૭૦ ટકા લોકોને હાર્ટની તકલીફ રહી છે એટલે હું પહેલેથી જ ખૂબ ધ્યાન રાખું છું. મેનોપૉઝ આવી ગયું છે ને એને કારણે પણ થોડીક નબળાઈ રહ્યા કરે છે. મેં બે વાર ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રામ કઢાવ્યો છે, પણ નૉર્મલ જ આવ્યો છે. કૉલેસ્ટરોલ માટે લિપિડ પ્રોફાઇલ છેલ્લે ચેક કરાવેલો તો એ બૉર્ડર લાઇન પર આવ્યો છે. મારે શું કરવું? હાંફ ચડવાનું પ્રમાણ વધી રહ્યું છે ને થોડુંક કામ કરતાં જ થાક લાગી જાય છે શું મને હાર્ટ ડિસીઝ હોઈ શકે છે?

જવાબ : કૉલેસ્ટરોલ બૉર્ડર લાઇન પર હોય, ડાયાબિટીઝ અને બીપીની તકલીફ હોય ને સાથે ફૅમિલી હિસ્ટરી પણ હાર્ટ ડિસીઝની હોય તો પ્રિવેન્શન માટે તકેદારી રાખવી જરૂરી છે. આટલાં રિસ્ક ફૅક્ટર પછી તમારો ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રામ કરાવ્યો છે એ નૉર્મલ આવ્યો હોવા માત્રથી તમને હાર્ટની કોઈ તકલીફ નથી એવું માની ન લેવાય. ઈસીજી જે-તે સમયે તમારા હાર્ટની ઇલેક્ટ્રિક ગતિવિધિ નૉર્મલ હોવાનું સૂચવે છે.

તમારે ડાયટમાં કાળજી રાખવી જોઈએ. વજન નૉર્મલ ન હોય તો ઉતારવું જોઈએ ને નૉર્મલ હોય તો એને મેઇન્ાટેઇન રાખવું. રોજ પાંચ મિનિટ વધારતાં જઈને ધીમે-ધીમે કસરત કરવાનું પ્રમાણ વધારીને નિયમિત ૪૦ મિનિટ કસરત કરવાનું રાખવું જોઈએ.

જો ઈસીજી નૉર્મલ હોય તો એક વાર સ્ટ્રેસ ટેસ્ટ કરાવી લેવી જોઈએ. એમાં તમને ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરાવવાની સાથે જ ઈસીજી અને બ્લડપ્રેશર અને ધબકારા મપાતા હોય છે. એનાથી હાર્ટમાં કોઈ તકલીફ હશે તો એનું યોગ્ય નિદાન થઈ જશે.