હેલ્ધી ફૂડ બનાવવા માટે કિચનમાં શું હોવું મસ્ટ?

23 December, 2011 07:55 AM IST  | 

હેલ્ધી ફૂડ બનાવવા માટે કિચનમાં શું હોવું મસ્ટ?

 



સેજલ પટેલ

જો હેલ્થ-ફૂડ ખાવાનો આગ્રહ રાખવો હોય તો એવી વાનગી સરળતાથી બની જાય એવાં કિચન અપ્લાયન્સિસ હોવાં જરૂરી છે. ઓછું તેલ વાપરવાનું હોય પણ ડાયરેક્ટ તોલીમાંથી સીધું તેલ કડાઈમાં નાખવાની આદત હોય તો હાથ પર સરળતાથી કન્ટ્રોલ ન રહે. બાફેલી ચીજો ખાવાની ઇચ્છા હોય પણ કુકરમાં બફાયેલાં શાકભાજી સાવ ગળી જતાં હોવાથી એમ કરવું શક્ય નથી બનતું. હવે હેલ્ધી ફૂડની જેમ હેલ્થ-ફૂડ બનાવવા માટે સપોર્ટિવ એવાં મૉડર્ન સાધનો પણ આવી ગયાં છે. એની મદદથી તમે ઝટપટ અને ઓછી ઝંઝટે હેલ્ધી વાનગીઓ બનાવી શકશો એટલું જ નહીં, હેલ્ધી ફૂડ બનાવવાનો કંટાળો પણ દૂર થઈ જશે.

૧. સ્ટીમર

વેજિટેબલ્સ કે સ્પાઉટ્સ બાફવા માટે આ ઉત્તમ છે. પ્રેશર કુકર તો કદાચ દરેક ઘરમાં હશે, પણ સ્ટીમર એનાથી થોડું જુદું સાધન છે. પ્રેશર કુકરમાં જે કોઈ ચીજ બફાય છે એના પર વરાળનું ખૂબ જ પ્રેશર આવે છે. આ પ્રેશરને કારણે વેજિટેબલ્સનો સ્વાદ, સોડમ અને કલર બદલાઈ જાય છે. વળી એમાં વેજિટેબલ્સ પાણી વિના માત્ર વરાળથી બફાતાં નથી. એને કારણે પાણીમાં પણ શાકભાજીનું સkવ જતું રહે છે.

કુકરમાં વેજિટેબલ્સ અને સ્પાઉટ્સનાં ન્યુટ્રિશન્સ ઘટી જાય છે અને એ સાવ જ પોચાં થઈ જાય છે. વરાળથી અધકચરાં બાફેલાં શાકભાજી જો સ્ટીમરમાં બનાવેલાં હોય તો એનો સ્વાદ પણ મજેદાર રહે છે અને પોષક તત્વો પણ. એમાં તમે શાક, ઇડલી, ઢોકળાં, સ્પાઉટ્સ, મોમોઝ (એક તિબેટિયન વાનગી) જેવી ચીજો એક પણ ટીપું તેલ વાપર્યા વિના બનાવી શકો છો. ક્યારેક ઠંડું થઈ ગયેલું ખાવાનું પણ એમાં વિના નુકસાને ગરમ કરી શકાય છે.

૨. ઑઇલ મિસ્ટર

આ એક એવી ચીજ છે જેમાંથી ઑઇલ કાઢવા માટે સ્પ્રે કરવું પડે. સામાન્ય રીતે ઑઇલનું કૅન ઊંધું વાળવાથી કેટલું ઑઇલ લેવું એનો અંદાજ નથી રહેતો. સૅલડ પર ઑઇલ સ્પ્રેડ કરવાનું હોય તો ચમચી વડે તેલ બધે જ એકસરખી રીતે નથી ફેલાતું.

એકાદ ચમચી વધુ તેલ પણ વપરાઈ જાય તો એમાં પણ ઘણીબધી ફૅટ આવી જાય છે એ તો ખબર જ છેને? એક ચમચી સિંગતેલમાં ૧૦૦ કૅલરી અને ૧૦ ગ્રામ ફૅટ હોય છે. આવા સમયે જો તેલને પણ છાંટી-છાંટીને વાપરવામાં આવે તો એના વપરાશ પર બરાબર કન્ટ્રોલ રહી શકે છે.

૩. હર્બ મિલ

કોથમીર, પાર્સલી, ફુદીનો જેવાં લીલાં પાનવાળાં હબ્ર્સ વાપરવાનાં હોય ત્યારે એને ધોઈને બરાબર પ્રમાણસર બારીક સમારવાનું બહુ અઘરું છે. નાનીમોટી ડાળખીઓ અને પાંદડાંઓને કારણે તમે જે વાનગી પર એ ભભરાવવાના હો એના પર એકસરખી રીતે છાંટી શકાતી નથી.

આજકાલ હાથેથી ચાલતી અને બૅટરી-ઑપરેટેડ એમ બન્ને પ્રકારની હર્બ મિલ માર્કેટમાં મળે છે. મોંઘી મિલ લાવવાથી વધુ સારું કામ આપે એવું નથી, પરંતુ એકસરખી રીતે સમારી શકાય એવી હર્બ મિલથી તમને નવાં-નવાં હબ્ર્સ વાપરવાનું મન પણ થશે. રોઝમૅરી, થાઇમ, ઑરેગાનો, પાર્સલી, મિન્ટ જેવાં હબ્ર્સ નિયમિત રીતે વાપરી શકાય એવાં હોય છે.

૪. ગ્રેટર

સાદી ભાષામાં કહીએ તો છીણી. સાવ બારીક, થોડુંક મોટું, એનાથી થોડુંક મોટું એમ ત્રણ-ચાર સાઇઝમાં ચીજવસ્તુઓ છીણી શકાય એવાં ઑલ ઇન વન ગ્રેટર પણ કિચનમાં રાખવાં જ જોઈએ. આદું કે લસણ છીણવા સાવ ઝીણું; ગાજર, બીટ જેવાં કંદ માટે મિડિયમ અને સૅલડ તરીકે વાપરવા માટેનાં વેજિટેબલ્સ માટે મોટું ગ્રેટર કામમાં આવશે.

૫. હૅન્ડ-હેલ્ડ ચૉપર

હેલ્ધી ફૂડમાં વેજિટેબલ્સ અને ફ્રૂટ્સનો ભાગ ખૂબ વધારે હોય છે. ઇડલી, ઢોકળાં, હાંડવો જેવી કોઈ પણ ચીજ બનાવવી હોય; એમાં ગ્રીન લીફી વેજિટેબલ્સ નાખવાથી એની ન્યુટ્રિશન-વૅલ્યુ ઘણી વધી જાય છે. જોકે મોટા ભાગે આવાં શાકભાજી ઝીણાં-ઝીણાં સમારવાનું કામ ખૂબ જ કંટાળાજનક હોય છે. આવા સમયે આ ચૉપર તમારું કામ ચુટકીમાં પતાવી દેશે. ફણસી, ગાજર, કાંદા, કોબી, કૅપ્સિકમ કોઈ પણ શાકભાજી હશે; આ ચૉપર ફટાફટ બધું એકસરખું સમારી આપશે. બાફેલાં શાકભાજીનો સૂપ બનાવવો હોય ત્યારે એને ક્રશ કરવા માટે પણ આ ખૂબ ઉપયોગી છે. આ સગવડ વસાવેલી હશે તો વેજિટેબલ્સ કાપવાના કંટાળાને કારણે તમે હેલ્ધી ચીજો ખાવાનું ચૂકી નહીં જાઓ.

લંચ-સ્નૅક્સ અને ડિનર ક્રૉકરી


દરેક ભોજનમાં જુદી-જુદી માત્રામાં ખાવાનું હોય છે અને એટલે એ માત્રા મુજબ ક્રૉકરીની સાઇઝ પણ નાની-મોટી હોય એ જરૂરી છે. સમીસાંજે સ્નૅક્સમાં જો તમે લંચ માટેની મોટી ડિશ લઈને બેસશો તો એમાં અનાયાસ જ વધુ ચીજ પીરસાઈ જશે ને તમે જરૂર કરતાં વધુ ખાઈ લેશો. સ્નૅક્સ માટેની ડિશો અને બાઉલ નાનાં હોવાં જોઈએ. લંચ અને ડિનર માટેની ડિશો અને બાઉલ મિડિયમ સાઇઝનાં હોય તો ચાલે. ચા-કૉફી માટેના મગ હોય કે કોલ્ડ ડ્રિન્ક્સ માટેના ગ્લાસ, એ બધું જ નાની સાઇઝનું હોય તો એનાથી કૅલરી-કન્ટ્રોલમાં ખૂબ મદદ થશે. મોટા મગમાં ડબલ કૉફી ભરીને તમે એવું ધારી લેશો કે તમે તો હજી એક જ મગ કૉફી પીધી છે, પણ જ્યારે તમે એક કપ કૉફી પીધા પછી બીજો કપ લેશો તો તરત સમજાશે કે આ વધારાનો છે. આખરે તો આ સાઇકોલૉજિકલ ટ્રિક જ છે, પણ કેટલેક અંશે એ જરૂર કામ કરે છે.