શિયાળુ પાક ખાતાં પહેલાં આટલું જાણો

29 December, 2011 06:57 AM IST  | 

શિયાળુ પાક ખાતાં પહેલાં આટલું જાણો



(હેલ્થ-વેલ્થ-અંકિત પંચાસરા)

પરંપરાગત રીતે ઘરોમાં જાત-જાતના શિયાળુ પાક બનીને તૈયાર છે જેમાં અડદિયાપાક, ગુંદરપાક, સાલમપાક અને પોંક, કચ્ચરિયુંથી લઈને શિયાળામાં બનતી ખાસ વાનગીઓ ઊંધિયું, ઊંબાડિયું વગેરે જેમાં ઘી-તેલનું પ્રમાણ વધારે હોય એવું બધું જ નજર સામે છે. જોઈને મોઢામાં પાણી આવી જતું હોય, પણ એ ખાઈએ ત્યારે શરીરને માફક નથી આવતું. તબિયત બનાવવાની આ સીઝનમાં આ તકલીફ ઘણા લોકો અનુભવી રહ્યા છે ત્યારે એના સંભવિત ઇલાજ પર એક નજર નાખીએ.

આધુનિક જીવનશૈલીમાં પાક

વડીલો આપણને કહેતા આવ્યા છે કે શિયાળામાં સરખું ખાધું હોય તો આખું વર્ષ કોઈ તકલીફ ન પડે. આ વાત એ જમાનામાં સત્ય હતી, પણ આ આધુનિક જમાનામાં પીત્ઝા કે બર્ગર જેવો ખોરાક આજના માનવી માટે ઉપાધિ સર્જી રહ્યો છે. ટેક્નૉલૉજીની સાથે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં શારીરિક શ્રમ ઘટી ગયો છે એટલે સ્વાભાવિકપણે ભારે-ભરખમ ખોરાક પચાવવો તેમની હોજરી માટે મુશ્કેલ કામ બની ગયું છે અને એને લીધે પૌષ્ટિક આહાર ખાધા પછી પણ કેટલાક લોકોને પેટમાં દુખાવો, અપચો, કબજિયાત, વાયુ, પિત્ત જેવી તકલીફો થતી હોય છે.

સ્ટેપ બાય સ્ટેપ

ગૅસ્ટ્રોએન્ટરાલૉજિસ્ટ ડૉ. ચેતન ભટ્ટના આ વિશે કહે છે, ‘પહેલાંના જમાનામાં માણસનું કામ ખૂબ શ્રમવાળું રહેતું. આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવે એટલે જઠારાãગ્ન પ્રદીપ્ત થાય ત્યારે લોકો જે ખાતા એ હજમ થઈ જતું, પણ આજે કામની પરિભાષા બદલાઈ ગઈ છે. આખો દિવસ એસીમાં કામ કરે તો આ હેવી ફૂડ કેવી રીતે પચી શકે? આખું વર્ષ ક્યારેય સૂંઠ કે રાબ પીધી ન હોય અને એકદમ પીવાથી અપચો, વાયુ કે પિત્ત થઈ જાય.’

ઉપાયમાં તેઓ કહે છે ‘નાની માત્રાથી આ હેવી ફૂડ ખાવાની શરૂઆત કરવી અને ૧૦થી ૧૫ દિવસ સુધી જોવું કે કોઈ તકલીફ થાય છે કે નહીં અને સાથે થોડુંઘણું શ્રમવાળું કામ પણ કરવું, જેમ કે એક્સરસાઇઝ કે વૉક કરવું. 

લિમિટેડ અને સાત્વક ખોરાક આરોગવો. કાચા ફ્રૂટ્સ કે વેજિટેબલ ન લેવાં; એ સરખી રીતે ધોઈ અને છાલ ઉતાર્યા બાદ જ ખાવાં; કાચામાં ઇન્ફેક્શન થવાનો ભય વધારે હોય છે.’

ખાધેલું પચવું પણ જોઈએને

શિયાળાના ચાર મહિના એટલે તબિયત બનાવવાના, પણ સાથે સરખો આહાર-વિહાર પણ થવો જોઈએ એમ જણાવતા ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જ્યારે શિયાળામાં વાતાવરણ ઠંડું અને સૂકું હોય છે ત્યારે ખોરાકમાં સ્નિગ્ધતા (ચીકણાપણું) અને ઉષ્ણ (ગરમ) વસ્તુઓ લેવાનું શાસ્રોમાં લખ્યું છે. આજે ટ્રેન, બસ, કાર, બાઇક અને વિમાન જેવાં સાધનોને કારણે માણસનો શ્રમ ઘટી ગયો છે. પહેલાં માનવી એક ગામથી બીજે ગામ ચાલીને જતો, પૂરતો શ્રમ કરતો. શિયાળામાં માણસ લાંબો સમય સૂવાનું પ્રિફર કરે છે. આ ઉપરાંત શરીરમાં કસરતના અભાવને કારણે આ હેવી ફૂડ નળીઓમાં જમા થાય છે. એ ન પચવાના અથવા લીવર યોગ્ય રીતે પચાવી ન શકવાને કારણે કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરોઇડનાં લેવલ્સ વધે છે જે ફાઇનલી શરીરની રક્ત વાહિનીઓમાં એકત્રિત થઈ આગળ જતાં બ્લૉક કે અટૅકની સંભાવના ઉત્પન્ન કરે છે. આ સીઝનમાં ચીકણી કે ઉષ્ણ વસ્તુઓ ખાવી હોય તો એને પચાવવી વધુ જરૂરી છે. અત્યારે જે ઘી વપરાય છે એ કૅમિકલવાળું અથવા ભેંસનું હોય છે, પણ આઇડિયલી ગાયના ઘીનો વપરાશ થવો જોઈએ. ઊંધિયામાં ભારોભાર લસણ, કાળાં મરી, સૂંઠ, તેજપતાં નાખવાં જેથી વાનગી પાચક બને. પાપડી, વાલ, મૂઠિયાં વાયુ કરે તો લસણ જેવા પદાર્થથી વાયુ છૂટે અને ખોરાક પાચક પણ બને.’