૧૪ રોગોનું નિદાન માત્ર જીભ પરથી

10 December, 2014 06:38 AM IST  | 

૧૪ રોગોનું નિદાન માત્ર જીભ પરથી



હેલ્થ-વેલ્થ- સેજલ પટેલ

આયુર્વેદ માને છે કે જેમ કૃષ્ણ ભગવાને મોં ખોલીને મા યશોદાને બ્રહ્માંડનું દર્શન કરાવેલું એમ આપણું મોં અને ખાસ કરીને જીભ આપણું શરીર કેટલું સ્વસ્થ અને કેટલું અસ્વસ્થ છે એનું દર્શન કરાવે છે. આ વાતને મૉડર્ન મેડિસિન પણ એટલું જ સ્વીકારે છે. માટે જ કોઈ પણ ફિઝિશ્યન પાસે તબિયત બતાવવા જાઓ ત્યારે તેઓ દરદીની આંખ અને જીભ જરૂર તપાસે છે. તમને ગળામાં ન દુખતું હોય તોય એક વાર તો ડૉક્ટર જીભ જુએ જ. એક સમય હતો જ્યારે જીભનાં રંગ, રૂપ, થિકનેસ, ટેક્સ્ચર વગેરે પરથી અનુભવી તજજ્ઞો રોગનું નિદાન કરતા હતા. જોકે હવે કોઈ પણ રોગ કન્ફર્મ કરવા માટે સચોટ નિદાન-પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે.

તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકોએ જીભ તપાસીને રોગોનું નિદાન કરી શકાય એવી ટેસ્ટ-કિટ વિકસાવી છે. નાનાં ગામડાંઓમાં જ્યાં અનુભવી મેડિકલ સારવારનો અભાવ છે ત્યાં આવી ટંગ-ટેસ્ટિંગ સિસ્ટમથી હેલ્થકૅર પ્રોફેશનલ્સને મદદ થાય અને મોટાં અને મોંઘાં પરીક્ષણો કરવામાંથી બચી શકાય એ હેતુથી ચેન્નઈની એક એન્જિનિયરિંગ ઈન્સ્ટિટયુટના રિસર્ચરોએ સૉફ્ટવેર તૈયાર કર્યું છે, જે સાદાથી લઈને ગંભીર કહી શકાય એવા ૧૪ રોગોનું સચોટ નિદાન કરે છે.

ટંગ-ટેસ્ટિંગ કિટ

જીભનાં રૂપ-રંગ અને લક્ષણો પરથી રોગનું નિદાન કરવાની પદ્ધતિ વષોર્ જૂની છે. ચેન્નઈની રાજલક્ષ્મી એન્જિનિયરિંગ કૉલેજમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના હેડ કાર્તિક રામમૂર્તિ તેમ જ વેલૂર ઈન્સ્ટિટયુટ ઑફ ટેક્નોલૉજીના સિદ્ધાર્થ કુલકર્ણી અને રાહુલ દેશપાંડેએ મળીને એક સિસ્ટમ વિકસાવી છે, જેમાં દરદીને શારીરિક-માનસિક સમસ્યાઓનાં લક્ષણોને સ્પષ્ટ કરતી એક પ્રશ્નાવલિ પૂછવામાં આવે છે. એની સાથે તેમની જીભની ડિજિટલ ઇમેજ લેવામાં આવે. વૈજ્ઞાનિકોએ દરદીની જીભની થ્રી-ડાઇમેન્શનલ ઇમેજ અને હાલના લક્ષણોનું ઑટોમેટિક વિfલેષણ કરીને શાની સમસ્યા છે એનું નિદાન કરી આપતી સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમથી ફ્લુ, બ્રૉન્કાઇટિસ, થ્રોટ ઇન્ફેક્શન, કમળો, અસ્થમા, ફૂડ-પૉઇઝનિંગ, થાઇરૉઇડ ડિસ્ફંક્શન, સિફિલિસ જેવા જાતીય રોગો તેમ જ આંતરડાંમાં જોવા મળતા અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝનું નિદાન થઈ શકે છે. વિટામિન્સની ઊણપ પણ જીભની તપાસ પરથી ખબર પડી શકે છે.

ગામડાંઓમાં હેલ્થ-સ્ક્રીનિંગ માટે

આ ટંગ-ટેસ્ટિંગ સિસ્ટમ ખૂબ સસ્તી અને સરળતાથી ગમે એ જગ્યાએ વાપરી શકાય એવી હોવાથી ભારતનાં અંતરિયાળ ગામોમાં જ્યાં મેડિકલ સેન્ટર્સ સરળતાથી ઉપલબ્ધ નથી ત્યાં વાપરી શકાશે. પ્રાથમિકહેલ્થ-સ્ક્રીનિંગ શિબિરોમાં પણ આ ટેસ્ટિંગ સિસ્ટમ ઉપયોગી થઈ શકે જેથી નિષ્ણાત તજ્જ્ઞને કન્સલ્ટ કરવાની જરૂરિયાત છે કે કેમ એ નક્કી થઈ શકે. જીભની ઇમેજ ઉપરાંત પ્રત્યેક રોગનાં અલગ-અલગ લક્ષણોનું પણ મૂલ્યાંકન થઈ શકે એવી સિસ્ટમ હોવાથી અત્યાર સુધીમાં ૭૮ ટકા સચોટ નિદાન થઈ શક્યું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો છે.

કેટલાંક લક્ષણો પરથી રોગ

ચાસ પાડ્યા હોય એવી ફાટી ગયેલી જીભ હોય તો એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ સિફિલિસની નિશાની ગણાય છે. ફાટી ગયેલી જીભની સાથે સફેદ છારી જેવું ઇન્ફેક્શન હોય તો એ ત્વચાના રોગ સોરાયસિસની નિશાની હોઈ શકે છે. જીભની અંદરની બાજુની કિનારીઓ પર ચાંદા અવારનવાર પડતાં હોય તો એ અલ્સરેટિવ કોલાઇટિસ કે આંતરડાંના ક્રોનિક રોગ ક્રોન્સ ડિસીઝનાં લક્ષણો હોઈ શકે છે.જીભ જાડી થઈ ગઈ હોય અને માંસનો લોચો ફૂલી ગયો હોય તો એ થાઇરૉઇડ હૉમોર્ન્સની કમીને કારણે થતી હાઇપોથાઇરૉઇડની સમસ્યા હોઈ શકે છે. જીભમાં લાલ ચાંદા જેવું પડે અને એ ભાગ પર કંઈ પણ ટચ થાય તો દુ:ખે એ બતાવે છે કે શરીરમાં પોષક તત્વોની ખામી છે. ખાસ કરીને વિટામિન B૩ કે ફૉલિક ઍસિડની ઊણપ હોઈ શકે છે. ક્યારેક ટૂથપેસ્ટ કે માઉથવૉશમાં વપરાતી સ્ટ્રૉન્ગ ફ્લેવરને કારણે પણ આવું થઈ શકે છે. વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા તો એ મળે એવો ખોરાક લેવાથી આ તકલીફ નિવારી શકાય છે.


આયર્ન અને વિટામિન B૧૨ની ડેફિશ્યન્સી હોય ત્યારે જીભ ઝાંખી અને લિસ્સી થઈ જાય છે. ઍનિમિક વ્યક્તિની બૉડીમાં ઑક્સિજનનો પૂરતો પ્રવાહ નથી મળતો એને કારણે જીભ પાતળી, લિસ્સી, થાકેલી અને ઝાંખી થઈ જાય છે. આયર્ન સપ્લિમેન્ટ્સ અને વિટામિન B૧૨ લીધા પછી ઑક્સિજનનું સક્યુર્લેશન સુધરે છે અને જીભ ફરીથી નૉર્મલ થઈ શકે છે.ઊલ ઉતાર્યા પછીયે જીભ પર સફેદ રંગની પેસ્ટ લાગેલી હોય એવું પડ હોય તો શરીરમાં કોઈક ઇન્ફેક્શન છે એવું કહી શકાય. બૅક્ટેરિયાનો ફેલાવો હોય કે ઑટોઇમ્યુન ડિસીઝનું રિસ્ક વધી જાય. એક શક્યતા ફંગલ ઇન્ફેક્શનની પણ છે. એ ઇન્ફેક્શન શરીરના કોઈ પણ ભાગમાં હોઈ શકે. એ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરવાથી જીભ ફરીથી હેલ્ધી પિન્ક રંગની થઈ જશે.જીભનો રંગ બ્રાઉન કે કાળાશ પડતા રંગનો થઈ જાય એ બતાવે છે કે કબજિયાત અને પાચનની સમસ્યા છે. કેટલીક મેડિસિન્સને કારણે પણ આવું થઈ શકે છે. વધુપડતી કૉફી પીવાથી કે સ્મોકિંગ અને તમાકુની આદતને કારણે પણ જીભ પર કાળા ડાઘ પડી શકે છે. પેટ સાફ રાખો અને જીભને દિવસમાં બે વાર સાફ કરો તો થોડા જ સમયમાં નૉર્મલ રંગ થઈ જાય છે.