ડામ જેવાં ચકામાં પેદા કરતી કપિંગ થેરપી છે શું?

09 December, 2014 06:51 AM IST  | 

ડામ જેવાં ચકામાં પેદા કરતી કપિંગ થેરપી છે શું?




હેલ્થ-વેલ્થ- સેજલ પટેલ

થોડાક વખત પહેલાં ‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મની હિરોઇન ફ્રીડા પિન્ટો લૉસ ઍન્જલસના ઍરપૉર્ટ પર ઊતરી ત્યારે તેની ગરદનથી નીચેના ભાગમાં જાણે કોઈએ ડામ આપ્યા હોય એવાં ચકામાં ઊપસેલાં હતાં. આવાં ચકામાં હૉલીવુડની ઘણી અભિનેત્રીઓની કમર પર અવારનવાર જોવા મળે છે. આ ચકામાં છે કપિંગ થેરપી લીધા પછીની આફ્ટર-ઇફેક્ટ્સ. આમ તો ઍક્યુપંક્ચરના સિદ્ધાન્ત સાથે સંકળાયેલી આ સારવાર-પદ્ધતિ છે, પણ એ ઍક્યુપંક્ચર કરતાં વધુ ઝડપી પરિણામો આપનારી ગણાતી હોવાથી પશ્ચિમના દેશોમાં એ ઘણી ફેમસ છે. ૧૯૯૨થી ૨૦૧૦ની વચ્ચે કપિંગ થેરપી પર થયેલા અભ્યાસોનાં તારણો અને કેસ-સ્ટડીઝનો ઓવરઑલ અભ્યાસ કરીને ઑસ્ટ્રેલિયન અને ચાઇનીઝ રિસર્ચરોએ પણ તારવ્યું છે કે આ થેરપી માત્ર દેખાવ પૂરતી નથી, એનાથી ગંભીર રોગોમાં પણ ફાયદો થઈ શકે છે. જેમને વારંવાર ખીલ થતા હોય, ચહેરાના અમુક ભાગમાં પૅરૅલિસિસ હોય, સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ હોય, રુમેટૉઇડ આથ્રાર્ઇટિસ હોય, શ્વસનતંત્રમાં તકલીફ હોય, ઉત્સર્ગતંત્રની ખામીને કારણે બૉડીમાં ટૉક્સિન્સ જમા થઈ જતાં હોય એવા દરદીઓ માટે કપિંગ થેરપીને રૂટીન સારવારની સાથે લેવાનું રેકમેન્ડ કરવામાં આવ્યું છે. અનેકવિધ ઉપયોગો ધરાવતી આ થેરપી શું છે અને એ કયા સિદ્ધાન્ત પર કામ કરે છે એ જાણવાનું રસપ્રદ રહેશે.

ચાઇનીઝ પદ્ધતિ

ઍક્યુપંક્ચરની જેમ કપિંગ થેરપી પણ મૂળે ચાઇનીઝ વૈકલ્પિક સારવાર-પદ્ધતિ છે. જોકે એ ભારતમાં કંઈ આજકાલથી નથી ઇન્ટ્રોડ્યુસ થઈ. છેલ્લાં દસ વર્ષથી અંધેરીમાં ઍક્યુપંક્ચર અને કપિંગ થેરપીનાં પ્રૅક્ટિશનર જાસ્મિન મોદી કહે છે, ‘પૌરાણિક કાળથી કપિંગ થેરપીની પ્રૅક્ટિસ ગામડાંઓમાં દાદીમાઓ દ્વારા થતી આવી છે. એ વખતે ખાસ પેચોટી ઘસી જાય ત્યારે આનો ઉપયોગ થતો. એમાં પેટ પર ઘીનો દીવો કરીને એના પર ગ્લાસ ઢાંકી દેવામાં આવતો. અંદરનો ઑક્સિજન ખતમ થઈ જાય એટલે વૅક્યુમ ક્રીએટ થાય અને ગ્લાસ એકદમ ચપોચપ ત્વચાને ચોંટી જાય. કપને આમ-તેમ હલાવીને અંદરની પેચોટીને પોતાના મૂળ સ્થાને લાવી ગ્લાસને ખેંચી લેવામાં આવતો. કાચના ગ્લાસ બન્યા એ પહેલાં પોલા વાંસ કે પ્રાણીઓનાં શિંગડાંનો ઉપયોગ થતો. શૂન્યાવકાશ પેદા કરવા માટે ત્વચા પાસે આગ લગાવવામાં આવતી અને પછી કપ મૂકીને એને બંધ કરી દેવાતો. જોકે હવે કપિંગ થેરપીમાં ઘણી ઍડ્વાન્સ રીતો આવી ગઈ છે જેનાથી ત્વચા પર ચકામાં ઓછાં પડે અને છતાં સ્ટિમ્યુલેશન એટલું જ સારું મળતું હોવાથી અસરકારકતા વધુ રહે છે.’

કપિંગ શા માટે કરવામાં આવે?

ઍક્યુપંક્ચરના સિદ્ધાન્ત પર કામ કરતી કપિંગ થેરપી વિશે સમજાવતાં જાસ્મિન મોદી કહે છે, ‘બૉડીમાં બે પ્રકારની એનર્જી વહેતી હોય છે : પૉઝિટિવ અને નેગેટિવ. જ્યારે અમુક ચોક્કસ જગ્યાએથી નેગેટિવ એનર્જી વહેવા લાગે ત્યારે કેટલાક રોગો અને દુખાવા થાય. ઍક્યુપંક્ચરની જાણકાર વ્યક્તિ બૉડીમાં કઈ જગ્યાએ નેગેટિવ એનર્જી ફ્લો થઈ રહી છે એ જાણીને એ ભાગને સ્ટિમ્યુલેટ કરે છે, જેને કારણે એનર્જી-ફ્લો સુધરે છે. અમુક ચોક્કસ રોગોમાં ઍક્યુપંક્ચર ઉપરાંત કપિંગ થેરપી આપવાથી હીલિંગ-પ્રોસેસ ઝડપી બને છે. મોટા ભાગે નિષ્ણાતો કપિંગ અને ઍક્યુપંક્ચર બન્નેનો સમન્વય કરીને જ સારવાર કરતા હોય છે. કપિંગમાં શું કરવામાં આવે છે એના કરતાં કયા પૉઇન્ટ પર દરદીને કપિંગ આપવાથી ફરક પડશે એ નક્કી કરવાની કુશળતા હોવી જરૂરી છે.’

કપિંગના અનેક પ્રકાર

મુખ્યત્વે આ થેરપી બે પ્રકારની હોય છે: ડ્રાય અને વેટ કપિંગ. ડ્રાય કપિંગમાં માત્ર ફાયર દ્વારા શૂન્યાવકાશ પેદા કરીને એ ભાગમાં સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે, જ્યારે વેટ કપિંગમાં અમુક ચોક્કસ જગ્યાએથી લોહી પણ ખેંચવામાં આવે છે. ચાઇનીઝ પરંપરાગત નિષ્ણાતોનો દાવો છે કે વેટ કપિંગની નિયમિત સારવારથી બ્લડ-પ્રેશર પણ કન્ટ્રોલમાં આવી શકે છે. જાસ્મિન મોદી કહે છે, ‘વેટ કપિંગમાં શૂન્યાવકાશ સજ્ર્યા પછી અમુક મિનિટ સુધી બુંદ-બુંદ કરીને લોહી ખેંચવામાં આવે છે. બન્ને પ્રકારનું કપિંગ ખૂબ જ અસરકારક છે. કયા દરદીને કયા પ્રકારનું કપિંગ આપવું એ કેસ ટુ કેસ બેઝિસ પર નક્કી કરવું પડે.’ï


ડામના ડાઘ ક્યારે જાય?


વેટ હોય કે ડ્રાય કપિંગ, બન્ને વખતે હલકા બ્રાઉનથી લઈને ઘેરા બ્રાઉન ડામ જેવા ડાઘ પડી શકે છે. જોકે એ ટેમ્પરરી હોય છે. જાસ્મિન મોદી કહે છે, ‘જો ટ્રીટમેન્ટ કુશળતાપૂર્વક કરવામાં આવી હોય તો બહુ જ માઇલ્ડ ડાઘ પડે છે. મોટા ભાગે આ ડાઘ પાંચથી આઠ દિવસની અંદર નૉર્મલ થઈ જાય છે. બાહ્ય ડાઘ કરતાં બૉડીનો ઇન્ટરનલ એનર્જી-ફ્લો સુધરતો હોવાથી વ્યક્તિને ફ્રેશનેસ ફીલ થાય છે. અલબત્ત, સૌથી મોટી એક વાત યાદ રાખવી કે આ થેરપીમાં અનુભવ અને કુશળતા ધરાવતી વ્યક્તિ પાસે જ આ સારવાર કરાવવી જોઈએ.’

કયા રોગોમાં વધુ વપરાય છે?

કપિંગનો કૉસ્મેટિક યુઝ સૌથી વધુ છે. યંગ જનરેશનમાં સ્કિનના ગ્લો માટે અને બૉડી ડીટૉક્સિફાય કરવા માટે આ થેરપી જાણીતી છે. જાસ્મિન મોદી કહે છે, ‘કેટલાક લોકો કોઈ જ રોગ ન હોય એ છતાં ઇમ્યુનિટી વધારવા માટે પણ આ થેરપી લે છે. બૉડીમાં પૉઝિટિવ
એનર્જી-ફ્લો સુધરતો હોવાથી ઓવરઑલ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. ખીલ, ત્વચાની કાળાશ, ઍનીમિયા, ઘૂંટણ-કમર-પીઠનો દુખાવો દૂર કરવા માટે બહુ લોકો આ થેરપીનો સહારો લે છે. આ સ્ટિમ્યુલેશનથી બ્યુટીમાં બહુ જ મોટો ફરક પડે છે. ઉત્સર્ગ-વ્યવસ્થા સુધરતી હોવાથી ચહેરો પાતળો અને નમણો બને છે.’

ક્યારે આ સારવાર ન કરાવાય?

પ્રેગ્નન્સી દરમ્યાન

વાગ્યું હોય કે પાક્યું હોય ત્યારે

હાડકાંનું ફ્રેક્ચર થયું હોય ત્યારે

કૅન્સર જ્યારે એક અંગમાંથી બીજામાં પ્રસરી ગયું હોય ત્યારે