મળ સાથે લોહી પડે છે, પાઇલ્સ અથવા ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમનું નિદાન છે

30 September, 2011 05:27 PM IST  | 

મળ સાથે લોહી પડે છે, પાઇલ્સ અથવા ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમનું નિદાન છે

 

ડૉ. ચેતન ભટ્ટ,  ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. મને વારેઘડીએ પેટમાં ગરબડ સાથે જુલાબ થયા કરે છે. એ વાતને પાંચ મહિના થઈ ગયા પણ હજી પેટના દુખાવામાં ફરક નથી. ટૉઇલેટ જતી વખતે પેટ એકસાથે સાફ નથી થતું. થોડુંક-થોડુંક નીકળે છે અને પહેલાં કરતાં ઓછી માત્રામાં થાય છે. મળદ્વારની પાસે ખૂબ જ ખંજવાળ આવ્યા કરે છે. ખાવાનું જરાય મન નથી થતું. એક ડૉક્ટરનું કહેવું છે કે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ છે અને ખાવાનું બરાબર નથી પચતું. હમણાંથી તો મળની સાથે થોડુંક લોહી પણ નીકળે છે. બીજા ડૉક્ટરે અંદર મશીન નાખીને ચેક કરીને પાઇલ્સની તકલીફ હોવાનું કહ્યું. રેગ્યુલર ઇસબગુલ લેવાનું શરૂ કર્યું એ છતાં પેટનો ઝીણો-ઝીણો દુખાવો મટ્યો નથી. હમણાં પહેલાં કરતાં વધુ માત્રામાં લોહી પડે છે.

જવાબ : બે ડૉક્ટરોએ શક્યતાઓ બતાવી છે, પણ પૂરેપૂરું તમારું નિદાન પૂરું નથી થયું. આટલી નાની ઉંમરે પેટમાં દુખાવો થાય, વજન ઘટે અને લોહી પડતું હોય તો એ લક્ષણોને લાઇટ્લી ન જ લેવાં જોઈએ. બની શકે કે એ કદાચ પાઇલ્સને કારણે જ હોય, છતાં આપણે નાનું અને મોટું આંતરડું બન્ને અંદરથી ચેક કરી લેવું જરૂરી છે.

સાચા નિદાન માટે પહેલાં બ્લડ-ટેસ્ટ કરાવો. જેમાં CBC, ESR, Sugar, T3, T4, TSH, Vitamin B12, HB જેવી ટેસ્ટ કરાવી લો. આ સાથે બેરિયમ મીલ એક્સ-રે કરીને નાનું આંતરડું અને ડીઓડિનમ ચેક કરવું. સોનોગ્રાફીમાં જઠર અને આંતરડાં ઉપરાંત લિવર, સ્પિલન, ગૉલબ્લૅડર, લિમ્ફગ્લૅન્ડ્સ ચેક કરવું.

જ્યારે લોહી પડતું હોય ત્યારે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ માનીને એમ જ હંકાર્યે જવું ઠીક નથી. આટલાં પરીક્ષણોથી ખ્યાલ આવી જ જશે કે ખરેખર અંદર તકલીફ શું છે. ઘણી વાર ગુદાની બહારથી પાઇલ્સ દેખાતા હોય, પણ હજીયે અંદરના ભાગમાં ગાંઠ જેવું કે કંઈક અલ્સર જેવું થયું હોવાની શક્યતા નકારી શકાય એમ નથી.