છાતી પાસેની બે આખી નસ હર્પીઝમાં ઝલાઈ ગઈ હોવાથી બળતરા થાય છે

02 November, 2011 08:44 PM IST  | 

છાતી પાસેની બે આખી નસ હર્પીઝમાં ઝલાઈ ગઈ હોવાથી બળતરા થાય છે


ડૉ. રવિ કોઠારી - બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ : મને મહિનાઓથી હર્પીઝ પછીની બળતરાની તકલીફ છે. હર્પીઝ હતું ત્યારે તો ખૂબ હેરાનગતિ થઈ હતી, પણ એ મટ્યા પછીય શાંતિ નથી. મારી ઉંમર ૪૨ વર્ષ છે. હર્પીઝ જ્યાં થયેલું એ જગ્યાએ અંદર એટલી બળતરા થાય છે કે ચીસ નીકળી જાય છે. રાતભર એ બળતરા નથી શમતી. છાતી પાસેની બે આખી નસ આખી હર્પીઝમાં પકડાઈ ગઈ છે. પિત્તને કારણે ખાટા ઓડકાર અને ઊબકા આવ્યા કરે છે. કંઈ ખાવાની ઇચ્છા નથી થતી. ન ખાઉં તો પિત્ત અને ગૅસ ચડી જાય છે. વજન ખૂબ ઘટી ગયું છે ને શરીરે નબળાઈ પણ આવી ગઈ છે. આ વ્યાધિનો કોઈ ઇલાજ ઍલોપથીમાં નથી દેખાતો.

જવાબ : આ તકલીફ હર્પીઝ ઝોસ્ટર નામના વાઇરસને કારણે થાય છે ને એ નવ્ર્સ સિસ્ટમ પર અસર કરે છે. વાઇરસને કારણે શરીરની નવ્ર્સમાં ઇન્ફેક્શન થાય છે. આ ઇન્ફેક્શનવાળી નાડી શરીરની ત્વચાને સંવેદના પહોંચાડે છે. સ્થાનિક ત્વચામાં બગાડ થાય છે. ત્વચામાં લાલાશ આવે છે, વેદના અને બળતરા થાય છે.

આયુર્વેદથી આ દરદને જડમૂળથી કાઢવા માટે કડક પથ્યપાલન કરવું પડે છે. તીખો, તળેલો, વાસી, નમકીન અને આથેલો ખોરાક સંપૂર્ણપણે બંધ કરી દેવો. દિવસે જમ્યા પછી ન સૂવું. પાણી ઠંડું નહીં પણ ઉકાળીને નવશેકું કરેલું જ લેવું. બને ત્યાં સુધી દાળ-ભાત, મગ-ભાત, ખીચડી-કઢી (મીઠી) જ લેવાં.

બળતરા થતી હોય ત્યાં શતધૌત ઘૃત ત્વચા પર લગાવવું. આ ઘી વારંવાર લગાવવાથી બળતરા શાંત થશે અથવા સોનાગેરુંના ચૂર્ણને તાજી દૂર્વાના સ્વરસમાં મિક્સ કરી પાતળી પેસ્ટ જેવું બનાવીને ચામડી પર લગાવવું. સુકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ધોઈ નાખવું. ઘી, સોનાગેરું અને ગણપતિને પ્રિય એવી દૂર્વા ખૂબ જ શીતળ છે.

અવિપત્તિકર ૫૦ ગ્રામ લેવું. ગળોસત્વ, જેઠીમધ, પ્રવાળપિષ્ટી અને ગોદંતી ભસ્મ ૨૫-૨૫ ગ્રામ લેવાં. એમાં દસ ગ્રામ સુવર્ણમાક્ષિક ઉમેરીને બરાબર મિક્સ કરવું. એક ચમચી ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે ભૂખ્યા ગરમ પાણી સાથે લેવું. રાત્રે સૂતાં પહેલાં એક ચમચી હરડે ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.