પાંચ વરસ પહેલાં ટાઇફૉઇડ થયેલો, શું એ પછી કબજિયાતની તકલીફ વધે?

20 October, 2011 07:46 PM IST  | 

પાંચ વરસ પહેલાં ટાઇફૉઇડ થયેલો, શું એ પછી કબજિયાતની તકલીફ વધે?


(ડૉ. ચેતન ભટ્ટ - ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ)

સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષ છે. અત્યાર સુધીમાં મને ચાર વાર ટાઇફૉઇડ થઈ ચૂક્યો છે. છેલ્લે પાંચેક વરસ પહેલાં ટાઇફૉઇડ થયેલો. લગભગ એક મહિનો આરામ કરેલો અને એ પછી બધું સારું હતું. ટાઇફૉઇડ પછી મારું વજન વધતું જ ચાલ્યું છે. જોકે છેલ્લાં બે વરસથી મારી લાઇફસ્ટાઇલ પણ બગડેલી છે. ખાવાના સમયમાં અનિયમિતતા છે. બહારનું ખાવું પડે છે. સૉફ્ટ ડ્રિન્ક્સ પણ અવારનવાર પીઉં છું. મારી સમસ્યા કબજિયાતની છે. પેટ કેમ પણ કરીને સાફ નથી આવતું. ઇસબગુલ લઉં છું છતાં આખું પેટ સાફ થતું નથી. ટાઇફૉડને કારણે પેટમાં આવી તકલીફો થાય? શું આ કોઈ ગંભીર બીમારીનાં લક્ષણો તો નહીં હોયને? ગૅસને કારણે પેટ ફૂલી જાય છે.

જવાબ : ટાઇફૉઇડ થવાને કારણે આમ થાય છે એવું તો ન કહી શકાય; કેમ કે સામાન્ય રીતે ત્રણ-ચાર વાર ટાઇફૉઇડ થઈ ગયો હોય તો પાતળો મળ નીકળવાની કે જુલાબ થઈ જવાની શક્યતાઓ રહે છે, કબજિયાતની નહીં. તમે કબજિયાત માટે સજાગ છો એ સારું છે, કેમ કે પેટના મોટા ભાગના રોગો કબજિયાતથી જ શરૂ થતા હોય છે. તમે ઠંડા પાણીને બદલે સહેજ ગરમ હોય એવું પાણી પીવાનું શરૂ કરો. તીખું-તળેલું અને બહારનું ખાવાનું બંધ કરો. ફાઇબરવાળી ચીજો જેમ કે શાકભાજી, લીલાં પાનવાળી ભાજી વધુ લેવાનું રાખો. પપૈયું અને કેળાં જેવાં ફળોથી ફાયદો થઈ શકે છે. સમયસર ખાવાનું તેમ જ સૂવાનું રાખો. લાંબો સમય ભૂખ્યા રહેવાથી ગૅસ થાય છે અને પછી ખોરાક બરાબર પચતો નથી.

મળ તૈયાર થાય એટલે આંતરડાંમાં નૅચરલી જ એ આગળ સરકે છે. મળ આગળ સરકાવવાની આંતરડાંની ક્ષમતા ઘટી જવાને કારણે પણ આ તકલીફ થઈ શકે છે. એક વાર ડૉક્ટર પાસે જઈને ગુદામાર્ગનું ચેક-અપ કરાવી લો. ઘણી વાર માર્ગમાં તકલીફ થઈ હોય કે કાપા પડી ગયા હોય તો એને કારણે પણ તકલીફ થતી હોઈ શકે છે.