આ દિવાળીમાં આપો પ્રિયજનને હેલ્ધી ગિફ્ટ

25 October, 2011 06:23 PM IST  | 

આ દિવાળીમાં આપો પ્રિયજનને હેલ્ધી ગિફ્ટ



- સેજલ પટેલ

દિવાળીમાં કોઈના ઘરે મળવા જતી વખતે કંઈક ને કંઈક ગિફ્ટ આપવાનો રિવાજ છે. સગાંવહાલાંઓએ આપેલી મીઠાઈઓ અને ચૉકલેટનો જાણે ઘરમાં ખડકલો થઈ જાય છે. મોંઘી અને સજાવેલી સ્વીટ્સ ખાઈને લોકો ડૉક્ટર અને ડાયેટિશ્યનના વધુ ખર્ચામાં ઊતરતા જાય છે. ધારો કે તમે હેલ્થ-કૉન્શ્યસ છો તો તમારે ગિફ્ટ આપતી વખતે બીજાને પણ હેલ્થ માટે વિચારવાનું મન થાય એવું કંઈક આપવું જોઈએ. જરાક જોઈએ હટકે કહી શકાય એવા કેટલાક વિકલ્પો કે જે હેલ્થની કાળજી તો રાખે છે ને છતાં ગિફ્ટ તરીકે મળે તો એ ખૂબ ગમે પણ ખરા.

૧. ડ્રાયફ્રૂટ્સ

ચૉકલેટ્સ કે મીઠાઈઓને બદલે ડ્રાયફ્રૂટ્સ એ ખૂબ જ કૉમન ગિફ્ટ ગણાય છે. ભલે આ ચવાઈ ગયેલો વિચાર હોય, પરંતુ લોકો સૅકરીન ને માવાવાળી મીઠાઈઓ ખાઈને શરીર બગાડે એના કરતાં તો ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ સારો ગિફ્ટ ઑપ્શન ગણાય. તમારે એમાં ધ્યાન એટલું રાખવું કે આ ડ્રાયફ્રૂટ્સ ફ્રાઇડ અને સૉલ્ટેડ ન હોય. બને ત્યાં સુધી કાચાં અથવા તો રોસ્ટેડ ડ્રાયફ્રૂટ્સ બેસ્ટ. કાજુને બદલે બદામ, પિસ્તાં, અખરોટ, અંજીર વધુ હેલ્ધી છે.

૨. હોલગ્રેન કુકીઝ-રેડીમેડ સૂપ પૅકેટ્સ

ચૉકલેટ્સ કે મેંદાનાં બિસ્કિટ્સને બદલે એક કરતાં વધુ ધાન્યનાં બનેલાં કુકીઝ પણ બેસ્ટ ઑપ્શન છે. એમાં વધુ કૅલરી પણ નથી હોતી ને ફાઇબરના વિપુલ પ્રમાણને કારણે એ હેલ્ધી પણ છે. સાથે થોડુંક હટકે કૉમ્બિનેશન બનાવવા વેજિટેબલ સૂપનાં રેડીમેડ સૂપ પૅકેટ્સ પણ મૂકી શકાય.

૩. અરોમા ઑઇલ્સ

નૅચરલ અરોમા ધરાવતાં કુદરતી ફૂલોના અર્કવાળાં ચારથી છ ઑઇલ્સનું કૉમ્બિનેશન પણ બેસ્ટ ઑપ્શન છે. સ્ટ્રેસમાંથી રિલૅક્સ થવા તેમ જ રિજુવનેશન માટે અરોમા થેરપી ખૂબ જ અસરકારક છે. આ ઑઇલ માલિશ માટે પણ હોય છે ને ફેશ્યલ કે નાસ લેતી વખતે સુગંધ મગજમાં ઊંડે સુધી પણ  ખેંચી શકાય છે.

૪. અરોમેટિક કૅન્ડલ્સ

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. લાઇટિંગનું એમાં ખાસ મહત્વ છે. આજકાલ કોકોનટ, રોઝ, પાઇનૅપલ, લેમનગ્રાસ જેવી જનરલ સુગંધ ધરાવતી કૅન્ડલ્સનું સજાવેલું બંડલ દિવાળીને ઉજાસ પણ આપશે અને કુદરતી સુગંધથી માનસિક શાંતિ પણ.

૫. સ્પા કે જિમ મેમ્બરશિપ

તમારાં ભાઈ-બહેન, ક્લોઝ ફ્રેન્ડ કે ખૂબ જ નજીકનાં સંબંધીને તમે આ ગિફ્ટ આપીને તેમની હેલ્થની કેટલી કાળજી કરો છો એ જતાવી શકો છો. નવા વર્ષમાં તેણે વજન ઉતારવાનું કે નિયમિત એક્સરસાઇઝ કરવાનું નક્કી કર્યું હોય તો તમારી આ ગિફ્ટથી તેને સારો સપોર્ટ મળશે.

૬. એક્સરસાઇઝ ગૅજેટ્સ

તમે જેને ગિફ્ટ આપવા માગો છો તે જો ફિટનેસ-ફ્રીક હોય, રેગ્યુલર એક્સરસાઇઝ કરવા ટેવાયેલા હોય તમે તેમને કસરત માટે જરૂરી ઍક્સેસરીઝ આપી શકો. જેમ જે યોગાસન માટેની મેટ, પીડોમીટર, હાર્ટરેટ મૉનિટર, ડંબેલ્સ, એક્સરસાઇઝ માટેનો બૉલ.

૭. વિવિધ હર્બ્સ

પાર્સલી, થાઇમ, રોઝમૅરી, ઓરેગાનો, બેસિલ જેવાં હર્બ્સ ડ્રાય ફૉર્મમાં ગિફ્ટ કરી શકાય. સામાન્ય રીતે ગૃહિણીઓ તેજાના તો જાતજાતના વાપરતી હોય છે, પરંતુ મગજને તેમ જ આખા શરીરને અનેક રીતે મદદ કરતાં આવાં હળવાં હર્બ્સથી રસોઈનો સ્વાદ પણ બદલાય છે, એટલું જ નહીં, ખોરાક ઔષધસમાન બની શકે છે. 

૮. ગ્રીન પ્લાન્ટ

શુભેચ્છા અને ખુશીની અભિવ્યક્તિ કરવા માટે ઘરમાં કે બાલ્કનીમાં રાખી શકાય એવા ઇન્ડોર કે સેમી ઇન્ડોર પ્લાન્ટ્સ પણ ગિફ્ટમાં આપી શકાય. એવું કહેવાય છે કે લીલા છોડની હાજરીથી માનસિક સ્ટ્રેસ ઘટે છે. આજકાલ માર્કેટમાં નાનાં બોન્સાઈથી લઈને મોટા કૂંડામાં રાખી શકાય કે લટાકવી શકાય એવા પ્લાન્ટ્સ પણ મળે છે. એમ કરીને તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રમોટ કરી શકશો.

૯. ગ્રીન ટી

માનસિક શાંતિ માટે હર્બલ ગ્રીન ટી બેસ્ટ કામ આપે છે. ખૂબ સ્ટ્રેસફુલ જિંદગી જીવતા તમારા દોસ્તોને વિવિધ ફ્લેવરની ગ્રીન ટીનું કૉમ્બિનેશન ગિફ્ટમાં આપો. એક સંશોધન મુજબ રોજ રાતે ગ્રીન ટી પીવાથી શાંત અને ખલેલ વિનાની ઊંઘ આવે છે, બૉડીમાંથી ટૉક્સિન્સ યુરિન વાટે બહાર ફેંકાય છે. તમારા ફ્રેન્ડને જો ગ્રીન ટીની આદત ન હોય તો એ કેવી રીતે લેવી અને ક્યારે લેવી એની ગાઇડલાઇન સાથે આ ગિફ્ટ આપો.

૧૦. હર્બલ બ્યુટી પ્રોડક્ટ્સ

આયુર્વેદ અનુસાર આપણા ઘરમાં જ બ્યુટીપાર્લર છે. નાહવાના ઉબટનથી લઈને ફેસપૅક જેવી ચીજો પણ ઘરગથ્થુ ચીજોથી બની શકે છે. આજકાલ હર્બલ શૅમ્પૂ, સાબુથી માંડીને ફેસપૅક, કન્ડિશનર, ક્રીમ જેવી ચીજો મળે છે. હર્બલના નામે કંઈ પણ ન આવી જાય એ માટે કોઈ સારી અને રેપ્યુટેડ જગ્યાએથી આવી પ્રોડક્ટ્સ ખરીદવી હિતાવહ છે.