અમુક ખાસ લક્ષણો ઓળખો ડાયાબિટીઝનાં

24 December, 2018 07:34 PM IST  |  | Jigisha Jain

અમુક ખાસ લક્ષણો ઓળખો ડાયાબિટીઝનાં

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઍર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ જે લોકોને ડાયાબિટીઝ છે એમાંથી ૨૫ ટકા લોકો દુનિયામાં એવા છે જેમને અંદાજ નથી કે તેમને ડાયાબિટીઝ છે. એટલે કે આ લોકો એ રોગ ધરાવે છે એની તેમને ખબર જ નથી માટે ઇલાજ કરવાનો તો સવાલ જ નથી આવતો. આ આંકડો ભારત માટે ઘણો મોટો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં જેમને ડાયાબિટીઝ છે એમાંના ૪૭.૩ ટકા લોકો એવા છે જેમને ખબર નથી કે તેમને આ રોગ છે. એક આંકડા મુજબ ભારતમાં હાલમાં ૭૦ મિલ્યન લોકો ડાયાબિટીઝ ધરાવે છે. આ ૭૦ મિલ્યનના લગભગ અડધોઅડધ લોકોને ખબર જ નથી કે તેમને આ રોગ છે. જેનો સીધો અર્થ એ થયો કે એટલા લોકો પર ડાયાબિટીઝ સંબંધિત રિસ્ક ઘણું વધારે હશે, કારણ કે તેમનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ત્યારે રહી શકે જ્યારે એ ઇલાજ કરે, પરંતુ ઇલાજ ત્યારે કરે જ્યારે તેમને ખબર હોય કે તેમને ડાયાબિટીઝ છે. આ એક મોટી વિટંબણા છે.

શું ડાયાબિટીઝ એક સાઇલન્ટ ડિસીઝ છે? એક રીતે જોવા જઈએ તો આ વાત સાચી છે. ડાયાબિટીઝનાં કોઈ ખાસ લક્ષણ છે નહીં. જેમ ફ્લુ થાય તો શરદી-ઉધરસ અને તાવ વડે સમજી શકાય કે ફ્લુ થયો છે એમ કોઈ ચિહ્ન દ્વારા સમજી ન શકાય કે ડાયાબિટીઝ થયો છે, પરંતુ અમુક લક્ષણો ચોક્કસ છે જ જેના દ્વારા સમજી શકાય કે વ્યક્તિને કદાચ શુગર-પ્રૉબ્લેમ હોય શકે છે. આ ચિહ્નો તો જ સમજી શકાય જો તમે તમારા શરીર અને એનાં લક્ષણો પ્રત્યે જાગ્રત હો. આજે આ લક્ષણો વિશે જાણીએ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી.

 

ચિહ્ન ૧ : પાણી પીતાં હોવા છતાં તમને સતત તરસ લાગ્યા કરે

ઘણી વખત એવું લાગે છે કે આપણે પાણી પીએ છીએ છતાં એમ લાગ્યા કરે છે કે હજી વધારે પીધા કરીએ. એક ગ્લાસ ભરીને પાણી પાંચ મિનિટ પહેલાં જ પીધું હોય, પરંતુ તરત જ ફરીથી પાણી પીવાની ઇચ્છા થઈ જાય. અથવા તો જો તમને એવું લાગે કે આજકાલ તમે વધારે પડતાં પીણાં પીવા લાગ્યાં છો ભલે પછી એ હેલ્ધી કેમ ન હોય, પરંતુ હંમેશાં જેટલાં પીતાં હતાં એનાં કરતાં વધુ, તો બને કે તમને ડાયાબિટીઝ હોય.

 

ચિહ્ન ૨ : વારંવાર બાથરૂમ જવું પડે

એક ઉંમર પછી યુરિન પર કન્ટ્રોલ કરવો મુશ્કેલ બને છે એ વાત સાચી છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ ચિહ્નને અવગણવામાં આવે. ઉંમરને કારણે પણ જો તમને આ થતું હોય તો એક વખત આ ચિહ્નને ગંભીરતાથી લઈને ટેસ્ટ કરાવી લેવી. જ્યારે પણ વ્યક્તિની શુગરમાં તકલીફ હોય છે ત્યારે એની પહેલી અસર યુરિન પર દેખાય છે. વારંવાર યુરિન પાસ કરવા માટે જવું પડતું હોય તો ચોક્કસ આ ચિહ્નને ગંભીરતાથી લો અને રેગ્યુલર ટેસ્ટ કરાવો.

 

ચિહ્ન ૩ : હંમેશાં થાકેલા લાગીએ

જો તમને શુગરની તકલીફ હોય તો સવાર-બપોર-સાંજ કોઈ પણ સમયે તમને સતત થાક વર્તાયા કરે છે. એનર્જી‍ જેટલી જોઈએ એટલી લાગતી નથી. જ્યારે તમને વધુ કામ ન કર્યા છતાં પણ વગર કારણે સતત થાક લાગ્યા કરે ત્યારે આ ચિહ્નને અવગણવું નહીં. અહીં પણ ઉંમર મહત્વની છે. ઘણા લોકો માને છે કે ઉંમર થઈ એટલે સતત થાક લાગતો હશે અને એટલે આ ચિહ્નને અવગણે છે, પરંતુ એવું ન કરો. એવો થાક જે અકારણ અને સતત લાગતો હોય તો ડાયાબિટીઝની ટેસ્ટ કરાવી જ લો.

 

ચિહ્ન ૪ : સતત ભૂખ લાગવી

ઘણી વાર એવું થાય છે કે વ્યક્તિને સતત ભૂખ લાગ્યા કરે છે. આ લક્ષણ ઘણી વાર નબળાઈનું પણ હોય શકે છે, પરંતુ જો તમે જમીને જ ઊઠ્યા હો અને એની ૧૦ મિનિટ પછી પણ તમને લાગે કે કઈક ખાઈ લઉં તો આ ચિહ્ન અવગણવા જેવું તો નથી જ. ઘણી વખત સતત ખાતા રહેવાની આદતને કારણે પણ એવું લાગતું હોય છે કે મને ભૂખ લાગી છે, પરંતુ જો અચાનક જ તમે જરૂર કરતાં વધુ ખાવા લાગ્યા હો અને એની પાછળનું કારણ તમને લાગતી સતત ભૂખ હોય તો એક વાર ટેસ્ટ કરાવી સંતોષ મેળવી લેવો.

 

ચિહ્ન ૫ : વગર કારણે વજન ઊતરવા લાગે

ડાયટ કે લાઇફ-સ્ટાઇલમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર જો તમારું વજન ઓછું થઈ ગયું હોય તો ખુશ થવાની જરૂર નથી. એક સમય એવો હતો જ્યારે કોઈ દૂબળું થતું ત્યારે લોકો ચિંતા કરતા કે કેમ વજન ઊતરે છે? માંદા છો કે? આજે આપણે એ સમયમાં છીએ જ્યારે કોઈ પણ કારણોસર વજન ઊતરે તો લોકો ખુશ થઈ જાય છે. વેઇટલૉસ પાછળ ગાંડા થવાને બદલે અકારણ તમારા ઘટતા વજનને લઈને જાગ્રત રહો. જો આવું થાય તો એક વખત ડાયાબિટીઝની ટેસ્ટ ચોક્કસ કરાવો.

 

ચિહ્ન ૬ : ઘા જલદી ભરાય નહીં

કોઈ પણ પ્રકારનો ઘા થયો હોય જેમ કે સ્કિન છોલાઈ ગઈ હોય કે કટ લાગી ગયો હોય કે પછી ફોલ્લા થયા હોય તો એક સામાન્ય માણસને રૂઝ આવવામાં જેટલી વાર લાગે એના કરતાં વધુ વાર એ વ્યક્તિને લાગે છે જેના લોહીમાં શુગરની માત્રા વધારે હોય અને આમ એ લક્ષણ ખૂબ જ મહત્વનું થઈ પડે છે જેના દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિને ડાયાબિટીઝ છે. ઘા પર જલદી રૂઝ ન આવે એ ચિહ્ન ડાયાબિટીઝનું ક્લાસિક ચિહ્ન ગણાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ તાત્કાલિક ડોક્ટર પાસે જવું અને ટેસ્ટ કરાવવી. શુગર કન્ટ્રોલમાં આવે તો જ ઘા રુઝાય છે.

 

ટેસ્ટ કરાવવી

 જો આ લક્ષણો ન જોવા મળે તો પણ રેગ્યુલર ચેક-અપ તરીકે તમારે ડાયાબિટીઝની ટેસ્ટ કરાવી જ લેવી. આ બાબતે સ્પક્ટતા કરતાં ડાયાબિટીઝ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ઑનરરી સેક્રેટરી અને ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચૅરમૅન ડો. અનિલ ભોરાસકર કહે છે, ‘એક સમય હતો જ્યારે અમે કહેતા કે ૫૦ વર્ષની ઉપરના લોકોએ રેગ્યુલર ટેસ્ટ કરાવવી. પછી ધીમે-ધીમે ૩૫ વર્ષના લોકોને પણ કહેવા લાગ્યા કે ટેસ્ટ કરાવો. આજની તારીખે હું એટલું જ કહીશ કે હવે ઉંમરનો કોઈ બાધ રહ્યો જ નથી. ઊલટું આજકાલ તો બાળકો આ રોગનો ભોગ ન બને એની ચિંતા વધુ છે. તેમની પણ રેગ્યુલર ટેસ્ટ કરાવવી પડે એવો સમય આવી ગયો છે. જો તમારા ઘરમાં રેગ્યુલર વાર્ષિક ચેકઅપ થતું હોય તો ઉંમરને ધ્યાનમાં ન રાખતાં દરેક વ્યક્તિનો ડાયાબિટીઝ તો ચેક કરવો જ. ડાયાબિટીઝ ઘણો વ્યાપક છે અને વધુ ને વધુ દરદીઓ આ રોગ સાથે સામે આવી રહ્યા છે.’

 


diabetes world health organization