અક્કલ દાઢ અડધી આવી છે, શું કરવું?

19 February, 2024 08:49 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

જ્યારે એવું હોય કે અક્કલ દાઢનો આકાર વ્યવસ્થિત ન હોય અથવા એ અડધી જ આવી હોય કે પછી કોઈ ખૂણો કાઢીને બહાર નીકળી હોય તો આ કન્ડિશનમાં દાઢ કઢાવી નાખવી સારી.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૦ વર્ષનો છું. મારા નીચેના જડબામાં આજથી બે વર્ષ પહેલાં અક્કલ દાઢ ફૂટી હતી. એ મોડી આવી, પરંતુ અડધી જ આવી. એ દાઢનો એક ખૂણો એવો છે જે મારા ગલોફાને અડ્યા કરે છે, જેને લીધે ગલોફું છોલાઈ જાય છે. બે વાર હું એને ઘસાવી ચૂક્યો છું, પણ ફરી એ વધી જાય છે. છેલ્લા ૬-૮ મહિનાથી એ વધી નથી. એમને એમ જ છે. હવે મારા ડેન્ટિસ્ટ કહે છે એ દાઢ કઢાવી નાખવી જોઈએ. મારા ચોકઠામાં આ એક જ અક્કલ દાઢ છે, બીજી કોઈ હજી આવી નથી. શું મારે રાહ જોવી જોઈએ કે વધું અક્કલ દાઢ આવે છે કે નહીં કે આ દાઢ કઢાવી નાખવી જોઈએ? મને સમજાતું નથી. અક્કલ દાઢ કઈ પરિસ્થિતિમાં કઢાવવી જરૂરી બને છે એ જણાવશો.

 મોટા ભાગના લોકો માને છે કે અક્કલ દાઢ કોઈ તકલીફ હોય કે ન હોય, કઢાવી નાખવી જોઈએ, પરંતુ સાવ એવું પણ નથી. અમુક પરિસ્થિતિ છે જેમાં એ કઢાવી નાખવી જરૂરી છે. જો એ સડી જાય તો કઢાવી નાખવી પડે. એને કારણે આગળની દાઢમાં સડો થાય અને આ પરિસ્થિતિથી બચવા માટે દાઢ કઢાવવી પડે. એ અડધી જ આવી હોય અને ખૂબ જ પેઇન થતું હોય ત્યારે દાઢ કઢાવવી પડે છે. એ આડી ફાટીને આવી હોય તો ખોરાકના કણો એમાં ફસાતા હોય ત્યારે દાઢ કઢાવવી પડે છે. જ્યારે નીચેના કે ઉપરના જડબામાંથી એક જ જગ્યાએ દાઢ આવી હોય અને બીજી જગ્યાએ નહીં ત્યારે પણ એ દાઢનો કોઈ ઉપયોગ થાય નહીં, કારણ કે ચાવવા માટે સામે દાઢ જ નથી ત્યારે ડૉક્ટર દાઢ કઢાવી નાખવાની સલાહ આપે છે.

જ્યારે એવું હોય કે અક્કલ દાઢનો આકાર વ્યવસ્થિત ન હોય અથવા એ અડધી જ આવી હોય કે પછી કોઈ ખૂણો કાઢીને બહાર નીકળી હોય તો આ કન્ડિશનમાં દાઢ કઢાવી નાખવી સારી. ઘણી વાર અક્કલ દાઢ સારી હોય તો પણ ત્યાં સુધી બ્રશ બરાબર ન થતું હોવાથી ત્યાં ખોરાક ભરાઈ જાય છે અને સડો પેદા થાય છે. જો આ દાઢ સ્વસ્થ રીતે આવી હોય અને વ્યવસ્થિત ઝડબામાં ફિક્સ થઈ ગઈ હોય તો એની જરૂર ચોક્કસ છે, પરંતુ જો એમાં કોઈ પણ પ્રૉબ્લેમ હોય તો એને કાઢી નાખવામાં જ ભલાઈ છે, કારણ કે એ એની આગળની ખૂબ જ જરૂરી દાઢને ખરાબ કરે છે. તમને ઘણાં વર્ષે આ દાઢ આવી અને હવે બહાર આવી નથી રહી એટલે હવે એની રાહ જોવા કરતાં એને કઢાવી લો.

columnists health tips