બાળકો રમવા જાય એ પહેલાં જ તેમને ચોખાની ખીર ખાવા આપો

06 December, 2012 09:19 AM IST  | 

બાળકો રમવા જાય એ પહેલાં જ તેમને ચોખાની ખીર ખાવા આપો




(પલ્લવી આચાર્ય)


કાટૂર્ન-કૅરૅક્ટર પોપાય જોતા હશે તેમને ખ્યાલ હશે કે પોપાય જ્યારે પણ કોઈ મહેનતનું કામ કરવું હોય કે જેમાં ખૂબબધી એનર્જીની જરૂર હોય ત્યારે એ સ્પિનિચ એટલે કે પાલક ખાય છે અને જાણે એનર્જીનું વાવાઝોડું એનામાં આવી જાય છે ત્યારે આપણને સહજïï થાય કે ઐસા ભી ભલા હોતા હૈ. પરંતુ ખરેખર કેટલીક એવી ખાદ્ય સામગ્રી છે જેને ખાતાં તરત એનર્જી આવી જાય છે.

જાણીતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયાનું આ વિશે કહેવું છે કે શારીરિક કે માનસિક હાર્ડ-વર્ક કરવાનું હોય, જિમમાં વર્કઆઉટ પહેલાં, ટ્રૅકિંગ માટે કે પર્વત પર જવાનું હોય ત્યારે ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર પડે છે. કેટલીક ખાદ્ય સામગ્રી એવી છે જે ખાવાથી શરીરને તાત્કાલિક જોઇતી એનર્જી મિનિટોમાં મળી જાય છે. જેને લીધે શરીર મહેનતભર્યા ટાસ્ક થાક્યા વિના કરી શકે છે. ઇન્સ્ટન્ટ એનર્જી મેળવી શકાય એવાં કેટલાંક ફૂડ તેમણે સૂચવ્યાં છે, જે આ રહ્યાં.

કંદમૂળ

બટેટા, સૂરણ, કંદ, રતાળું વગેરે સિમ્પલ કાર્બોહાઇડ્રેટ છે, જેને તમે ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય ત્યારે લઈ શકો છો. આ દરેક ચીજને કોઈ પણ ફૉર્મમાં લો, પણ બાફીને લો તો એમાંથી એનર્જી મળી શકે. એ તળીને તો ન જ લેવાય.

ચોખા તથા સાબુદાણા

ચોખા અને સાબુદાણા તરત એનર્જી આપે છે. બાળકો રમવાં જતાં હોય ત્યારે ઝડપથી થાકી ન જાય માટે તેમને ચોખાની ખીર ખાવા આપવી જોઈએ. ચોખા તથા સાબુદાણાથી બે કલાક એનર્જી જળવાઈ રહે છે. એ જ રીતે સાબુદાણાની ખીર પણ ફાયદાકારક છે.

સૂકો મેવો

સૂકા મેવામાં અંજીર, કિસમિસ અને ખજૂર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ ચીજો લેવાથી એનર્જી તરત મળે છે એ તો ખરું જ પણ એનર્જીનું લેવલ પણ જળવાઈ રહે છે. સૂકા અંજીર લોહીના ટોક્સિનને બહાર ફેંકે છે. અંજીર તથા ખજૂરમાં કુદરતી રીતે શુગરનું પ્રમાણ વધુ હોવાથી એનો ઓવરડોઝ ન કરાય. સીંગદાણામાં રહેલું મૅગ્નેશિયમ શુગરને એનર્જીમાં કન્વર્ટ કરે છે. સીંગદાણા તમને વધુ ભાવે છે તો તમારામાં મૅગ્નેશિયમ વધુ છે. તરત એનર્જી માટે સીંગદાણા પણ લઈ શકાય પણ મીઠા વિનાના.

ચૉકલેટ

બટેટા, સૂરણ અને ભાત જેવા કુદરતી પદાર્થોની જેમ ચૉકલેટ પણ તરત એનર્જી માટે લઈ શકાય છે. ચૉકલેટ તમે કોઈ પણ ફૉર્મમાં એટલે કે બજારમાં જે મળે છે એ અથવા તો ચૉકલેટ પાઉડરને દૂધમાં મેળવીને લઈ શકાય. 

ફળો

દ્રાક્ષ, ચીકુ, કેળાં, કેરી અને સીતાફળ તરત એનર્જી આપતાં ફળ છે. તેથી થાક ઉતારવા માટે આ ફળોનો મિલ્ક શેક લેવો યોગ્ય રહેશે. શરીરને હાઇડ્રેટ કરી ફળો એનર્જી લેવલ વધારી તમને ગ્લો આપે છે. તરબૂચ, પાઇનૅપલ, જાતજાતનાં બેરી ફળ અને ઑરેન્જ વગેરે પણ લઈ શકાય. આ ફળો સવારના નાસ્તામાં કઠોળ સાથે લઈ શકાય. દહીં સાથે મેળવીને પણ ખાઈ શકાય.

ગ્લુકોઝ

આ ઘટક કાર્બમાં હોય છે. શરીરને કાર્બોહાઇડ્રેટ જોઈએ એનો મતલબ બ્રેઇન, બ્રેઇન મસલ્સ અને નર્વસ સિસ્ટમને એનર્જીની જરૂર છે. કાર્બોહાઇડ્રેટથી એનર્જી મળે એ તો સારી વાત છે, પણ ખરાબ કાર્બ તમારા બ્લડનું સુગર લેવલ વધારે છે, જેનાથી માત્ર તમારી ભૂખ જ નહીં ફૅટ વધે છે. તેથી જ જો કાર્બોહાઇડ્રેટ લેવું હોય તો થૂલીવાળા ઘઉંની રોટલી, કઠોળ અને છ્ડ્યા વિનાના ચોખા લઈ શકાય. પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ ન હોય એવી ચીજોમાં સારો કાર્બ હોય છે. દરેક ચીજો પ્રમાણસર લેવી જોઈએ.

પાણી પણ અસરકારક

પાણી પીવાનું લોકો તમને કહેતા રહે છે. સાયન્સનું કહેવું છે કે જો તમે કંટાળ્ય્ાા છો તો તમે ડીહાઇડ્રેટ થયા છો તેથી જેને લઈને તમારો મેટાબોલિઝમ રેટ ઘટે છે. તેથી જ પાણી નથી તો એનર્જી નથી. પાણીને બદલે કૅફેનવાળાં પીણાં ન પીઓ.

નારિયેળ પાણી

નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ કરીને શરીરને ડિટૉક્સિફાઇ કરે છે.

નાના-મોટા બધાને ભાવતું આ

કુદરતી પીણું પણ દિવસના બેથી વધુ ન પીવું જોઇએ.

ફાઇબર

રોજના ભોજનમાં ફાઇબરને અચૂક સમાવવું જોઈએ, કારણ કે એ કેટલાંક પ્રકારનાં કૅન્સરનું રિસ્ક ઘટાડે છે. એનર્જી સાથે એ મેમરી પણ વધારે છે. ખોરાકની પચવાની ક્રિયાને સરળ બનાવે છે જેને કારણે એનર્જી સારા એવા પ્રમાણમાં મળે છે. દિવસની શરૂઆત તેથી જ ઓટમાંથી બનેલા ખોરાકથી થાય તો સૌથી સારું. પાંદડાવાળાં શાકભાજીમાં જે મુખ્ય તત્વ છે એ છે બી-૯. આ તત્વ ચયાપચ સુધારે છે, બ્લડ કાઉન્ટ વધારે છે જેથી શરીર ઑક્સિજન લેવાનું વધારે છે જેનાથી એનર્જી વધે છે. પાલકમાંથી બી-૯ સૌથી વધુ મળે છે.

આટલું ન લેવું

ઇન્સ્ટન્ટ એનર્જી માટે સાકરનું પાણી લીંબુ સાથે લેવામાં આવે છે, પણ એનાથી થોડા સમય માટે જ એનર્જી મળે છે એવું જણાવીને ડૉ. યોગિતા કહે છે, ‘ડાયરેક્ટ શુગર લેવાથી એનર્જી લેવલ થોડા સમય પૂરતું હાઈ થઈ જાય, પરંતુ તરત ડાઉન પણ થઈ જાય છે એથી ઇન્સ્ટન્ટ એનર્જી માટે શુગર ન લેવી જોઈએ. એ જ રીતે કાર્બોહાઇડ્રેટ માટે બ્રેડ, મેંદો, નૂડલ્સ, પાસ્તા, ખારી બિસ્કિટ અને બેકરી આઇટમ્સ ન લેવી કારણ કે એમાં ખરાબ કાર્બોહાઇડ્રેટ હોય છે.’