દિવસમાં ચાર-પાંચ વખત હાજતે જવું પડે છે, છતાં પેટ હલકું નથી થતું

02 December, 2011 07:59 AM IST  | 

દિવસમાં ચાર-પાંચ વખત હાજતે જવું પડે છે, છતાં પેટ હલકું નથી થતું



(ડૉ. ચેતન ભટ્ટ – ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ)

સવાલ :
મારી ઉંમર ૩૯ વર્ષ છે. આખો દિવસ બહાર ફરવાનું હોવાથી ખાવાના સમયમાં એટલી કાળજી રાખી નથી શકાતી. ગયા ચોમાસામાં કંઈક બહારનું ખાવાનું આવી જવાને કારણે મરડો થયેલો. એ પછીથી પેટમાં કંઈક ને કંઈક તકલીફ ચાલતી જ રહે છે.  લગભગ ચાર-પાંચ દિવસ સુધી ચીકણા જુલાબ થયા પછી એની મેળે જ જુલાબ કાબૂમાં આવી ગયા. હજીય ક્યારેક પેટમાં વીંટ આવે છે. દિવસમાં ચારથી પાંચ વાર પેટ સાફ કરવા જવું પડે છે. એ પછી પણ બરાબર પેટ હલકું નથી ફીલ થતું. મળમાં ખૂબ ચીકાશ નીકળે છે. ફાકી લઉં તો ડાયેરિયા જેવું થઈ જાય છે અને બાકી ક્યારેક કબજિયાતને કારણે પેટ કઠણ રહે છે. મારા ફૅમિલી ડૉક્ટર કહે છે ચીકાશ છે એટલે કોલાઇટિસ હોઈ શકે, પણ ખૂબ ચૂંક આવે છે એટલે મરડા જેવું લાગે છે.

જવાબ :
મળમાં ચીકાશ છે એટલે કોલાઇટિસ હોય કે ચૂંક આવે છે એટલે મરડો હશે એવું આંધળૂકિયું નિદાન કરવું મને ઠીક નથી લાગતું. તમારું પાચનતંત્ર બગડ્યું છે એ માટે મુખ્ય કારણભૂત ચીજ તમારી અનિયમિત લાઇફસ્ટાઇલ છે. બહાર ફરવાનું હોવાથી તમે આચરકૂચર ખાતા પણ હશો. યુવાનીમાં જે અત્યાચાર પેટ પર ગુજાર્યો હોય એની તકલીફો ધીમે-ધીમે શરીર પર દેખાવાની શરૂ થાય.

તમને વારેઘડીએ ટૉઇલેટ જવું પડે છે, ડાયેરિયા અથવા કબજિયાત રહે છે અને આ બધું લાંબા સમયથી ચાલે છે એ બધા પરથી મને લાગે છે કે પાચનતંત્રમાં બીજે ક્યાંક ગરબડ હોઈ શકે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમને કારણે પણ આવું થઈ શકે છે. લાંબા સમયથી આ લક્ષણો છે એટલે યોગ્ય નિદાન માટે એક વાર આંતરડાંની અંદર શું તકલીફ છે એ જાણવું જરૂરી છે. વધુ મોંઘી ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ જો એક વાર ઍટલીસ્ટ બેરિયલ મિલ એક્સ-રે અને પેટની સોનોગ્રાફી કરાવો જે સસ્તી અને સારી નિદાન પદ્ધતિ છે. નિદાન વિના એમ જ ફાકીઓ લેવાથી પેટની તકલીફનો કાયમી ઉકેલ નહીં આવે. જોકે હવેથી ખાવાના સમયમાં નિયમિતતા અને ઘરનું જ ખાવાનો આગ્રહ રાખશો. તીખો, તળેલો, પચવામાં ભારે અને મેંદાવાળો ખોરાક લેવાનું સદંતર બંધ કરો.