પ્રીમૅચ્યોર બાળકો માટે ફૉમ્યુર્લા ફૂડ જોખમી છે?

25 December, 2012 07:20 AM IST  | 

પ્રીમૅચ્યોર બાળકો માટે ફૉમ્યુર્લા ફૂડ જોખમી છે?



જિગીષા જૈન

બાળકને જન્મ સમયે કોઈ પણ કારણસર માનું ધાવણ પ્રાપ્ત ન થાય એ કન્ડિશનમાં તેને બહારથી પોષણ આપવું જરૂરી બનતું હોય છે. પહેલાંના સમયમાં જ્યારે બાળકને માનું ધાવણ આપી ન શકાય ત્યારે બકરી કે ગાયના દૂધમાં પાણી ઉમેરીને અપાતું. જે મેડિકલી ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન માનવામાં આવે છે. આ પ્રકારે પ્રાણીઓનું દૂધ બાળકને આપવામાં આવે ત્યારે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઘણી રહે છે. આથી આજકાલ ડૉક્ટર્સ ફૉમ્યુર્લા ફૂડ આપવાનું રેકમન્ડ કરતા હોય છે, જે મોટા ભાગે પાઉડરના સ્વરૂપમાં હોય છે જેમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી અથવા તો પૅક્ડ સ્ટરાઇલ વૉટર મિક્સ કરીને બાળકને આપવામાં આવતું હોય છે. બજારમાં ઘણીબધી કંપનીનાં ફૉમ્યુર્લા ફૂડ અવેલેબલ છે. બાળકને ખુલ્લું પ્રાણીનું દૂધ આપવા કરતાં આ રીતે આપેલુ ફૉમ્યુર્લા ફૂડ હાઇજેનિક તો છે, પરંતુ શું એ બાળક માટે સેફ છે?

યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના બાયો એન્જિનિયર્સ દ્વારા થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પ્રીમૅચ્યોર બાળકોના કોષો માટે ફૉમ્યુર્લા ફૂડ ઝેરી સાબિત થાય છે. પીડિયાટ્રિક રિસર્ચ નામની જનરલમાં છપાયેલા આ સ્ટડીમાં માનું ધાવણ અને જુદાં-જુદાં નવ ફૉમ્યુર્લા ફૂડ લઈને નવજાત શિશુમાં તેના પાચનનો કમ્પેરેટિવ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે પ્રીમૅચ્યોર બાળકોમાં ફૉમ્યુર્લા ફૂડને કારણે શરીરમાં સેલ્યુલર ડેથ અથવા સાઇટો ટોક્સિસિટીનું નિર્માણ થાય છે. એટલે કે એ શરીરના કોષોનો નાશ કરે છે. ફૉમ્યુર્લા ફૂડના પાચન દરમ્યાન ૪૭થી ૯૯ ટકા ન્યુટ્રોફિલ્સ નાશ પામે છે જ્યારે તેની સરખામણીમાં માના દૂધથી ફક્ત ૬ ટકા ન્યુટ્રોફિલ્સ નાશ પામે છે. આ ન્યુટ્રોફિલ્સ આપણી ઇમ્યુન સિસ્ટમનો મહત્વનો ભાગ હોય છે.

પ્રીમૅચ્યોર શિશુની રોગપ્રતિકારકતા ઘટવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે. આ સ્ટડી પ્રમાણે ફૉમ્યુર્લા ફૂડથી થતા સેલ્યુલર ડેથ બાળકમાં નેક્રોટાઇઝિંગ એન્ટરોકોલાઇટિસ જેવા ગંભીર અને જાન લેવા ઇન્ફેક્શન માટે જવાબદાર છે. નેક્રોટાઇઝિંગ એન્ટરોકોલાઇટિસ આંતરડાને લગતું ઇન્ફેક્શન છે જે પ્રીમૅચ્યોર બાળકોમાં થતાં મૃત્યુ માટેનું મુખ્ય કારણ છે. વળી, આ સ્ટડી મુજબ ફૉમ્યુર્લા ફૂડથી સાઇટો ટોક્સિસિટીનું નિર્માણ થાય છે તો એનાથી વિરુદ્ધ માના ધાવણમાં એવાં તત્વો રહેલાં છે જેના દ્વારા સાઇટો ટોક્સિસિટીથી બચી શકાય છે.

શા માટે ફૉમ્યુર્લા ફૂડ?

માનું ધાવણ ખૂબ જ ફાયદાકારક છે એવું જાણતા હોવા છતાં કયા સંજોગોમાં ફૉમ્યુર્લા ફૂડ બાળકને અપાતું હોય છે એ વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘જ્યારે પ્રીમૅચ્યોર ડિલિવરી થાય એટલે કે બાળક છ કે સાત મહિને જન્મે ત્યારે તે ખૂબ જ નાનું અને નબળું હોય છે. સ્તનપાન કરવા માટે તે તૈયાર હોતું નથી, કારણ કે તે ચૂસી શકવાની ક્ષમતા ધરાવતું નથી. આમ, પોતાની જાતે તે સ્તનપાન કરી શકતું નથી. વળી, ક્યારેક આ પ્રકારની ડિલિવરીમાં માતા ખૂબ જ ટેન્શનમાં રહે છે. વધુપડતા ટેન્શનને કારણે પણ માતાને દૂધ આવતું નથી. આ કન્ડિશનમાં કોઈ બીજી મા તરફથી દૂધ મળી શકે તો એ પણ આપી શકાય. એ પણ શક્ય ન હોય તો નવજાત પ્રીમૅચ્યોર બાળકને પોષણની તો જરૂર પડવાની જ. માટે આવા સંજોગોમાં બાળકને ફૉમ્યુર્લા ફૂડ આપવામાં આવે છે.’

રોગપ્રતિકારક શક્તિ ઓછી

માનું ધાવણ અને ફૉમ્યુર્લા ફૂડની સરખામણી કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ વર્ષોથી સાબિત થયેલું તથ્ય છે કે બાળક માટે માનું ધાવણ જ શ્રેષ્ઠ છે, કારણ કે નવજાત બાળકને તે ઇમ્યુનિટી પ્રદાન કરે છે. જેમ આજ સુધી વૈજ્ઞાનિકો લોહીનું નિર્માણ નથી કરી શક્યા એ જ રીતે માના ધાવણનું નિર્માણ પણ કરી શકવામાં અક્ષમ રહ્યા છે. ફૉમ્યુર્લા ફૂડથી બાળકને પોષણ જરૂર મળે છે, પરંતુ ઇમ્યુનિટી મળતી નથી. આમ, જે બાળકને ફૉમ્યુર્લા ફૂડ આપવામાં આવે છે. તેનામાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી જ હોય છે જેને કારણે ઇન્ફેક્શન લાગવાનો ભય સતત રહે છે.’

ઇન્ફેક્શનનો ભય

પ્રીમૅચ્યોર બાળકો પર ઇન્ફેક્શનનો ભય સદા તોળાતો જ હોય છે એમ જણાવી ડૉ. પંકજ પારેખ કહે છે, ‘કોઈ પણ બાળક જન્મે ત્યારે તેને ઇન્ફેક્શનનો ભય રહેતો જ હોય છે. પણ જે બાળકને માનું ધાવણ મળે એ બાહ્ય પદાર્થોના સીધા સંપર્કથી બચી જાય છે જ્યારે પ્રીમૅચ્યોર બાળકને જન્મતાની સાથે જ ગ્લુકૉઝ ચઢાવવો પડે છે. આમ તે નીડલ દ્વારા અને મોઢા દ્વારા અપાતા બહારના ફૂડ દ્વારા એનો સીધો સંપર્ક બાહ્ય પદાર્થો સાથે થાય છે. વળી, રોગપ્રતિકારકતા તેમનામાં હોતી જ નથી એમ કહીએ તો ચાલે અને ફૉમ્યુર્લા ફૂડ દ્વારા પણ એ શરીરમાં ડેવલપ થતી નથી, માટે આ બાળકોને ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ઘણા હોય છે. આમ, તેમને ન્યુમોનિયા, સેપ્ટિસિનિયા, મેનિન્જાઇટિસ, નેક્રોટાઇઝિંગ એન્ટરોકોલાઇટિસ વગેરે જેવાં ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ આ ઇન્ફેક્શન પાછળ ફૉમ્યુર્લા ફૂડ અને એના દ્વારા થતા સેલ્યુલર ડેથ છે કે નહીં એ કહી શકાય નહીં.

શંકાસ્પદ તારણ

સ્ટડી વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ સ્ટડીનું તારણ ખૂબ જ શંકાસ્પદ છે, કારણ કે અત્યારે ફૉમ્યુર્લા ફૂડ લેવાવાળાં બાળકોની સંખ્યા લાખોમાં છે અને નેક્રોટાઇઝિંગ એન્ટરોકોલાઇટિસથી મૃત્યુ પામતા પ્રીમૅચ્યોર બાળકો માંડ એકથી બે ટકા હશે. જો ફૉમ્યુર્લા ફૂડ લેવાથી સેલ્યુલર ડેથ એટલે કે શરીરના કોષો મૃત્યુ પામતા હોય અને એને કારણે નેક્રોટાઇઝિંગ એન્ટરોકોલાઇટિસ જેવું જાન લેવા ઇન્ફેક્શન થતું હોય તો મૃત્યુ પામતાં બાળકોનો આંક વધારે હોવો જોઈએ. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ માનું ધાવણ ન આપી શકાતું હોય એવી કન્ડિશનમાં ફૉમ્ર્યુલા ફૂડ આપવાની સલાહ આપે છે. જોકે આ સ્ટડી માને છે કે ફૉમ્યુર્લા ફૂડથી સેલ્યુલર ડેથ થાય છે તો પછી એની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ શોધવું જરૂરી છે.

મજબૂરીનું હથિયાર

ફૉમ્યુર્લા ફૂડ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ફૉમ્યુર્લા ફૂડ મજબૂરીમાં કામ આવતું હથિયાર છે. તે બાળકને માના ધાવણ જેવું પોષણ નથી આપી શકતું, પણ તેના શરીરને ટકાવી શકે એટલું પોષણ આપવામાં મદદરૂપ થાય છે. વળી, તે બાળક માટે સેફ છે. માટે જ બહોળી સંખ્યામાં એનો વપરાશ થઈ રહ્યો છે અને એ વાપરનાર સંખ્યાબંધ બાળકો આજે હેલ્ધી લાઇફ જીવી રહ્યાં છે.’