આંખોને પણ લાગે છે થાક

12 December, 2012 06:59 AM IST  | 

આંખોને પણ લાગે છે થાક



રુચિતા શાહ


કમ્પ્યુટર, લૅપટૉપ કે સ્માર્ટ ફોનમાં સતત મીટ માંડીને બેસનારા લોકોને ખબર નથી કે તેઓ પોતાની આંખોને કેટલો મોટો ત્રાસ આપી રહ્યા છે. વિઝન કાઉન્સિલે કરેલા એક સર્વેક્ષણ અનુસાર ટૅબ્લેટ, પીસી અને લૅપટૉપ જેવા ડિજિટલ ગૅજેટ્સ વાપરનારા લોકોમાંથી ૯૦ ટકા લોકો એક યા બીજા પ્રકારનો ડિજિટલ આઇ સ્ટ્રેઇન અનુભવે છે. ડિજિટલ આઇ સ્ટ્રેઇન એટલે આંખોને થાક લાગવો. જેની પ્રાથમિક ધોરણે જ થોડી કૅર કરવામાં આવે તો આસાનીથી એને કાબૂમાં લઈ શકાય છે.

લક્ષણો શું ?


ડિજિટલ આઇ સ્ટ્રેઇન વિશે વિગત આપતાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘મેડિકલની ભાષામાં તેને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રૉમ કહે છે. સતત કમ્પ્યુટર સામે બેસી રહેવાને કારણે કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસને એકધારું કલાકો સુધી જોતા રહેવાથી અથવા ખૂબ નજીકથી પુસ્તક વાંચવાને કારણે આંખોમાં એક પ્રકારનો થાક અનુભવાય છે. જેને કારણે આંખોમાં બળતરા થવી, ડ્રાયનેસ લાગવી, લાલાશ આવવી, ખંજવાળ આવવી, ધૂંધળુ દેખાવું, માથું દુખવું અને બૅક પેઇન થવાં જેવાં લક્ષણો દેખાય છે.’

થવાનું કારણ શું?


આપણે જ્યારે કોઈ ડિજિટલ ડિવાઇસ વાપરતા હોઈએ કે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે આપણા નેત્રપટલમાં આવેલા સિલેરી મસલ્સ ઍક્ટિવ હોય છે એમ જણાવીને ડૉ. હિમાંશુ ઉમેરે છે, ‘જેમ કોઈ ભારેખમ સામાન પકડવાથી હાથના મસલ્સ દુખે છે, કે ખૂબ બધું એક સાથે ચાલી લેવાથી પગના મસલ્સમાં પેઇન થાય છે અને એને થોડો સમય માટે આરામ આપો તો પાછું સામાન્ય થઈ જાય એ જ રીતે સતત એક જગ્યાએ બેસીને કલાકો ને કલાકો સુધી પલક ઝબકાવ્યા વગર ડિજિટલ ડિવાઇસ પર કામ કરતા રહીએ તો એનાથી એ મસલ્સ પર દબાણ આવે છે. એક જ ઑબ્જેક્ટ પર ફોકસ આપવાને લીધે આંખો પટપટાવવાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે જેને કારણે આંખોમાં ડ્રાયનેસ આવે છે અને પછી આંખો દુખવી, લાલ થવી જેવાં લક્ષણો પણ દેખાય છે.’

તો શું કરવું?


૨૧મી સદીમાં આંખોને તકલીફ થાય છે માટે ડિજિટલ ડિવાઇસ વાપરવાનું જ બંધ કરી દેવું એવું પણ નથી કહેવું એમ જણાવીને ડૉ. હિમાંશુ ઉમેરે છે, ‘ટેક્નૉલૉજીના જમાનામાં આ બધાં ગૅૅજેટ્સ ન વાપરીએ તો સર્વાઇવ જ ન કરી શકીએ અને એને વાપરશો તો આંખો જતી રહેશે કે અંધાપો આવી જશે એવી કોઈ વાત નથી, પરંતુ એનો આડેધડ ઉપયોગ આંખોની કાર્યક્ષમતા પર અસર કરે છે. માટે થોડી સાવધાનીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક સામાન્ય નિયમોને ફૉલો કરવાથી આંખોને વધુમાં વધુ ઉપયોગ કરીને પણ એને ઓછામાં ઓછું નુકસાન થશે. અમુક કિસ્સામાં પૂરતી તકેદારી લીધા પછી પણ જો આંખોમાં બળતરા થતી હોય કે અન્ય કોઈ તકલીફ હોય તો તરત એની તપાસ કરવી જોઈએ.’

કમ્પ્યુટર યુઝ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ


બ્લિન્ક


સામાન્ય રીતે એક માણસ એક મિનિટમાં ૧૮ વખત આંખોના પલકારા મારે છે. જેને કારણે આંખો કુદરતી રીતે જ રિફ્રેશ થતી રહે છે. અને એનું મૉઇસ્ચર જળવાઈ રહે છે,  પરંતુ સતત કમ્પ્યુટર સામે બેસી રહેવાને કારણે આંખો પટપટાવાનું પ્રમાણ રેગ્યુલર કરતાં અડધું થઈ જાય છે તેમ જ એસીમાં બેસવાને કારણે પણ આંખોમાં રહેલું મૉઇસ્ચર ઊડી જાય છે. એમાં ડ્રાયનેસ અનુભવાય છે. આંખોમાં બળતરા અને થકાવટ ફીલ થાય છે. આમ ન થાય એ માટે દર બે કલાકે આંખોમાં ઠંડા પાણીની હળવી છાલક મારવી જોઈએ. ખૂબ જ ઇચિંગ અનુભવાતુ હોય તો એમાં આઇ ડ્રૉપ્સ પણ નાખી શકાય. જોકે એ સાથે જ એનું પ્રમાણ વધે નહીં એનું ધ્યાન રાખવું.

૨૦-૨૦-૨૦ રૂલ

સતત કમ્પ્યુટર સામે બેસનારા લોકોએ ૨૦-૨૦-૨૦ ખાસ ફૉલો કરવો જોઈએ. જેમાં દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડનો બ્રેક લેવો. આ ૨૦ સેકન્ડમાં તમારાથી ૨૦ મીટર દૂર જોવું. જેનાથી આંખોને આરામ મળે છે. સતત આંખોની એકદમ નજીક હોય એવી બાબતો પર ધ્યાન આપવાને કારણે એમાં થકાવટ લાગે છે, જે આમ કરવાથી દૂર થાય છે.

રાઇટ પોસ્ચર


તમારા કમ્પ્યુટરની કે લૅપટૉપની સ્ક્રીન આંખોની બહુ નજીક તો નથીને એ ચેક કરી લેવું. હંમેશાં યાદ રાખો કે કમ્પ્યુટરની સ્ક્રીન આંખોથી સમાંતર અથવા સહેજ નીચે રહે એ રીતે તમારી ચૅરને ઍડજસ્ટ કરો. એ જ રીતે આંખ અને કમ્પ્યુટર સ્ક્રીન વચ્ચે મિનિમમ ૨૦થી ૨૫ ઇંચનું ડિસ્ટન્સ હોવું જોઈએ તેમ જ લાઇટનું કે બારીમાંથી આવતા તડકાનું આંખો પર સીધું રિફ્લેક્શન ન આવે એ રીતે એનુ સેટિંગ કરવું જોઈએ.

રાતના રાજા છો?

તમે કયા સમયે કમ્પ્યુટર પર બેસીને કામ કરો છો એની પણ તમારી આંખો પર અસર પડે છે. દિવસના સમયે મૉનિટર સ્ક્રીનની લાઇટ પ્રમાણે તમારા રૂમમાં પણ ઉજાસ હોય તો વાંધો નહીં આવે, પરંતુ રાતના સમયે કામ કરતા હો જેમાં આજુ-બાજુ અંધારું હોય ત્યારે આંખ વધુ ખેંચાશે. માટે રાત્રિના સમયે ડીમ લાઇટ ચાલુ રાખીને કમ્પ્યુટર પર કામ કરવું. એ સાથે જ કમ્પ્યુટરની બ્રાઇટનેસ થોડી ઓછી કરી દેવી.

સ્માર્ટ ઉપયોગ

કમ્પ્યુટરના ફોન્ટને હંમેશાં આંખોની નીચે અને આંખોથી ૧૨ ઇંચ દૂર રાખવો તેમ જ એના ફૉન્ટ મોટા રાખવા જેથી વાંચવામાં સગવડતા રહે. એનાથી પણ વાંચવામાં સગવડતા રહેશે.