એક આંખ બે લોકોને દૃષ્ટિ કઈ રીતે આપે?

28 October, 2014 05:10 AM IST  | 

એક આંખ બે લોકોને દૃષ્ટિ કઈ રીતે આપે?



સેજલ પટેલ

ભારતમાં લગભગ ૧.૨ કરોડ લોકો સંપૂર્ણ કે આંશિક રીતે દૃષ્ટિહીન છે. એમાંથી લગભગ ૨૦ લાખ જેટલા દરદીઓએ કૉર્નિયાની તકલીફને કારણે દૃષ્ટિ ગુમાવેલી હોય છે. આ દરદીઓને આઇ-ડોનેશન થકી મળતા કૉર્નિયાના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આંખ પાછી મળી શકે છે. વર્ષે લગભગ સવા લાખ લોકોને કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, પણ ભારતના આંકડાઓ મુજબ લગભગ ૩૦થી ૩૭ હજાર જેટલા લોકો જ આઇ-ડોનેશન કરે છે.

છેલ્લાં કેટલાંક વષોર્માં કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં ખૂબ જ ઍડ્વાન્સ શોધખોળ થઈ છે. આ પ્રકારની સર્જરીથી એક ડોનર આઇના કૉર્નિયામાંથી બે વ્યક્તિને દૃષ્ટિ પાછી મળી શકે છે. એટલું જ નહીં, સર્જરીની રિકવરી અને સફળતાના ચાન્સિસ પણ વધુ ઊજળા હોય છે. અલબત્ત, એ માટે આંખનું દાન મળ્યા પછી એનો સદુપયોગ કરવાનું નેટવર્ક ખૂબ જ સિસ્ટમૅટિક અને પાવરફુલ હોવું જરૂરી છે. આધુનિક તકનીકનું ટેક્નિકલ નામ છે DMEK મતલબ કે ડેસીમેટ્સ મેમ્બ્રેન એન્ડોથેલિયલ કેરૅટોપ્લાસ્ટી. આ નામને સમજવા માટે કૉર્નિયાની ઍનૅટોમી જરાક હળવી ભાષામાં સમજવી જરૂરી છે. બાંદરામાં મુંબઈની પહેલી આવી સર્જરી કરનારા ડૉ. હાર્દિક પરીખ કૉર્નિયા વિશે સમજાવતાં કહે છે, ‘આંખનો કૉર્નિયા એટલે કે સાદી ભાષામાં કહીએ તો કીકી. કીકી પાંચ લેયરની બનેલી હોય. પહેલું સ્તર જસ્ટ કવર જેવું હોય જે બાહ્ય તત્વોથી કૉર્નિયાને પ્રોટેક્ટ કરે. બીજું સ્તર પણ લગભગ કવર જેવું પણ સહેજ જાડું હોય. ત્રીજું એટલે કે બરાબર વચલું સ્તર ક્લિયર હોય જે મુખ્યત્વે જોવાના કામમાં મદદ કરે. ચોથું સ્તર અગેઇન પાતળું હોય અને છેલ્લું પાંચમું સ્તર જે હોય એ કૉર્નિયામાં પમ્પ જેવું કામ કરે. મતલબ કે અંદરની તરફ વધારાનું પાણી હોય તો એને કાઢવાનું અને મૉનિટર કરવાનું કામ કરે.’

કૉર્નિયા પોતે ખૂબ જ પાતળો હોય છે, પણ મશીનો દ્વારા એના પાંચ સ્તરના ટિશ્યુઝને અલગ કરી શકાય એવી તકનીક હવે શોધાઈ છે. ડૉ. હાર્દિક પરીખ કહે છે, ‘સામાન્ય રીતે ડોનરની આંખમાંથી કૉર્નિયા કાઢીને આખેઆખો કૉર્નિયા જ દરદીની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતો હોય છે. જોકે હવે એવી પદ્ધતિ શક્ય છે જેમાં દરદીના જે કૉર્નિયલ લેયરમાં તકલીફ હોય એટલો જ ભાગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. મોટા ભાગે ત્રીજા અને પાંચમા લેયરની તકલીફોને કારણે દૃષ્ટિ નબળી પડતી હોય છે અથવા તો દૃષ્ટિહીનતા આવતી હોય છે. હવે નવી ટેક્નિક મુજબ પહેલાં ત્રણ લેયર્સ અને છેલ્લાં બે લેયર્સ એમ અલગ પાડી શકાય છે અને જે દરદીને જે લેયરની જરૂર હોય એટલું જ એમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.’

આમાં દરદીને ફાયદો શું?

આ ટેક્નિકથી સમાજને સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી એક કૉર્નિયા બે દરદીને દૃષ્ટિ આપી શકે છે. આના માત્ર સમાજને જ નહીં, દરદીને પણ ઘણા ફાયદા છે. આ સર્જરીના પાયોનિયર ડૉ. ફ્રાન્સિસ પ્રાઇસ જુનિયર પાસેથી આ ટેક્નિક શીખી આવેલા ડૉ. હાર્દિક પરીખ કહે છે, ‘આ ઍડ્વાન્સ ટેક્નિકમાં દરદીના કૉર્નિયાનું જે લેયર ડૅમેજ થયું છે એ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. મતલબ કે દરદીના ઓરિજિનલ કૉર્નિયામાં માત્ર ડૅમેજ થયેલા લેયરના સેલ્સ જ રિપ્લેસ કરવામાં આવે છે. સામાન્ય રીતે આખો કૉર્નિયા કાઢીને નવો લગાવવાનો હોય એ પ્રક્રિયા દરદી માટે ડિસ્કમ્ફર્ટવાળી હોય છે. એ પછી રિકવરીનો સમય પણ લાંબો હોય છે. ઑર્ગન રિજેક્શનના ચાન્સિસ પણ વધારે હોય છે. DMEK ટ્રીટમેન્ટ પછી ઓછો સમય આંખમાં દવાનાં ટીપાં નાખવાં પડે છે. વિઝન વહેલું અને ઘણું જ ઇફેક્ટિવલી પાછું આવે છે.’

કોને આ ટેક્નિક કામ આવે?

આંશિક કે સંપૂર્ણ દૃષ્ટિહીનતાનું કારણ કૉર્નિયાની તકલીફ હોય તો આ ટેક્નિક કામ આવી શકે. અલબત્ત, કૉર્નિયામાં કેટલું ડૅમેજ છે, કયા લેયરમાં છે એના આધારે નક્કી થઈ શકે. ડૉ. હાર્દિક પરીખ કહે છે, ‘ઇન્ડિયામાં ૪૦ ટકા કૉર્નિયલ બ્લાઇન્ડનેસની સમસ્યા છે. કયા કારણસર દરદીનું વિઝન નબળું થઈ રહ્યું છે એ પણ અગત્યનું પરિબળ છે. કૉર્નિયામાં સ્કાર હોય, અલ્સર થયું હોય, પમ્પ બગડી ગયો હોય કે આવાં બીજાં અનેક કારણોમાં આ પદ્ધતિ કામ આવી શકે છે.’

ઇમ્પ્રેસિવ પરિણામો

ભારતમાં હજી આ પ્રકારની ટ્રીટમેન્ટનો બહોળો ફેલાવો નથી થયો, કેમ કે હજી એ માટે જરૂરી એક્સપર્ટ સજ્ર્યનો અને આધુનિક મશીનો ઉપલબ્ધ નથી. હાલમાં ઇન્ડિયામાં ચેન્નઈ, કોઇમ્બતુર, હૈદરાબાદ અને હવે મુંબઈમાં આ પ્રકારની લેટેસ્ટ સર્જરી થઈ શકે છે. જુહુમાં આઇ હૉસ્પિટલ ચલાવતા સેલિબ્રિટીઓના ઑફ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘આ ટેક્નિક નવી છે, પણ એનાં ખૂબ ઇમ્પ્રેસિવ પરિણામો મળી રહ્યાં છે. એનું સારું પાસું એ છે કે એ દરદી માટે પણ ખૂબ કમ્ફર્ટેબલ, સ્પીડી રિકવરી આપનારી છે અને સમાજમાં કૉર્નિયલ બ્લાઇન્ડનેસની વધતી જતી સમસ્યાને નાથવામાં પણ મદદ કરી શકે એમ છે.’

ટ્રાન્સપ્લાન્ટ માટે કેવો કૉર્નિયા જોઈએ?

આઇ-ડોનેશનમાં વ્યક્તિના મૃત્યુ પછીના એક કલાકની અંદર બૉડીમાંથી આંખ કાઢી લેવામાં આવે છે. એ પછી યોગ્ય ડ્રગ્સ નાખીને ચોક્કસ તાપમાને જાળવી રાખવામાં આવે તો એ લગભગ દસ દિવસ સુધી સારી રહી શકે છે. અલબત્ત, જેમ-જેમ દિવસ જતા જાય એમ કૉર્નિયાના કોષોમાં ડીજનરેશન અને ક્વૉલિટીમાં ઘટાડો થવા લાગે છે. આઇ-ડોનેશન પછી જેટલું બને એટલું ઝડપથી એનો કૉર્નિયા વાપરી લેવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. જોકે કોઈ પણ આંખમાંથી કાઢેલો કૉર્નિયા દરદીને સૂટેબલ થશે કે કેમ એ માટે કૉર્નિયાને લગતાં કેટલાંક પરિમાણો મૅચ થવાં જરૂરી છે.