એન્ગેજમેન્ટ રિંગ ખરીદવાના છો?

17 September, 2012 09:49 AM IST  | 

એન્ગેજમેન્ટ રિંગ ખરીદવાના છો?




એકબીજાને સોનાની કે હીરાજડિત વીંટી પહેરાવી સગાઈ કરી લેવાય છે અને જ્યારે છૂટાં પડવાનું મન થાય ત્યારે રિંગ કાઢીને સામેવાળાના હાથમાં થમાવી પણ દેવાય છે. જોકે આ રીતે સંબંધમાં બંધાવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે, કારણ કે મેટ્રો સિટીનાં મૉડર્ન કપલ્સ હવે એક સ્ટેપ આગળ વધીને એન્ગેજમેન્ટને લાઇફટાઇમ કમિટમેન્ટ બનાવી રહ્યા છે અને એ પણ ટૅટૂરૂપે જેને રિંગની જેમ કાઢીને મૂકી નહીં શકાય બલ્કે જીવનભર એ ટૅટૂ તમારી સાથે જ રહેશે. જાણી લો આ નવા ટ્રેન્ડ વિશે.

મોંઘારતનો ઇલાજ

મોંઘવારી વધી રહી છે અને લોકોનું ફાઇનૅન્સ ઘટી રહ્યું છે એવામાં લગ્નસરામાં કમ્પલસરી એવાં સોના અને હીરાનાં ઘરેણાં લેવાં એ મોટા ભાગના લોકો માટે એક સવાલ બની ગયો છે. તો આવામાં કપલ્સે જાતે જ આ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે અને એ પણ ફૅશનની મદદથી. આજકાલ એન્ગેજમેન્ટ રિંગ જે આંગળીમાં પહેરવાની હોય એ આંગળી પર રિંગને બદલે પોતાના પાર્ટનરના નામનો પહેલો અક્ષર અથવા આખું નામ લખી લેવામાં આવે છે. આ ટ્રેન્ડ મૂળ તો વિદેશમાં શરૂ થયો હતો, પરંતુ હવે ઇન્ટરનેટની મદદથી આ ટ્રેન્ડ આપણે ત્યાં આવી ચૂક્યો છે અને કપલ્સ આને પસંદ પણ કરી રહ્યાં છે.

જીવનભરનો સાથ

સ્ત્રીઓને મોટા ભાગે પોતાની જ્વેલરીને વારંવાર કાઢવા-પહેરવાની આદત હોય છે અને આવામાં જો એન્ગેજમેન્ટ રિંગ ખોવાઈ જાય તો મુસીબત બમણી, કારણ કે સાસરિયાંઓ અને પાર્ટનર બન્ને તરફથી ‘એક વીંટી ન સંભાળી શકી?’ આવાં મહેણાં સાંભળવા મળશે. આવામાં ટૅટુ રિંગ કરાવવાનો ફાયદો એ છે કે એ તો તમે ચાહશો તો પણ તમારા શરીરથી દૂર નહીં થઈ શકે અને આ રીતે એ ખોવાઈ જાય એવો પણ ચાન્સ નથી. ક્યારેય પહેરવાનું ભૂલી ગયા એવું પણ નહીં બને. પર્મનન્ટ ઇલાજ છે એટલે વીંટીની પૉલિશ નીકળી ગઈ, સોનું ઘસાઈ ગયું, ડિઝાઇન જૂની થઈ ગઈ આ પ્રૉબ્લેમ્સ ક્યારેય આવશે જ નહીં. ઉપરથી ટૅટૂ કરાવવું એ સોનાની રિંગ કરાવવા કરતાં તો સસ્તું જ છે એટલે પૈસા પણ બચશે.

ટ્રેન્ડી લાગશે

ભલે કેટલીયે મુસીબતોનો ઇલાજ લાગતો હોય તોયે આ રિંગ ટ્રેન્ડી છે એવું નકારી શકાય નહીં. ટૅટૂ કરાવતા લોકોને આમ પણ ફૅશનેબલ જ માનવામાં આવે છે. આવામાં રિંગ ટૅટૂ  લેટેસ્ટ ટ્રેન્ડ છે એટલે લોકોની ભીડથી હટકે એવું કંઈ કરવું હોય ત્યારે ગો ફોર રિંગ ટૅટૂઝ. સ્ટાઇલિશ લાગશે અને ટૅટૂ સાથે તમારું રિલેશન પણ પર્મનન્ટ બની જશે.

ડિઝાઇનો

રિંગ ટૅટૂમાં ફક્ત એકબીજાનાં નામ જ નહીં, પરંતુ કપલના કૉન્સેપ્ટને બંધબેસતી હોય એવી ડિઝાઇનો પણ લોકો કરાવે છે. આ ડિઝાઇનોમાં કોઈ એવી એક ડિઝાઇન કે પૅટર્ન પસંદ કરાય છે જે બન્નેના હાથની આંગળી પર બરાબર અડધી-અડધી હોય. બન્ને આંગળીઓને પાસે રાખો ત્યારે એ ડિઝાઇન આખી દેખાય. આવી ડિઝાઇનોમાં હાર્ટ, ક્યુપિડ, ઍન્જલ, લવ કોટ્સ વગેરેનો સમાવેશ થાય છે. તેમ જ બીજા રિંગ ટૅટૂના કૉન્સેપ્ટમાં લગ્ન કે એન્ગેજમેન્ટની તારીખો પણ દોરાવવામાં આવી રહી છે જેથી બન્ને ક્યારે એક થયાં એ બન્નેને બરાબર યાદ રહે. કેટલાંક કપલ્સ એમ્બીગ્રામનો પણ વપરાશ કરી રહ્યા છે જેમાં કોઈ પણ ઍન્ગલથી નામ વાંચી શકાય.

ટચ-અપ જરૂરી

ટૅટૂ કરાવ્યા બાદ એને થોડા-થોડા સમયે ટચ-અપ કરાવતા રહેવું જોઈએ જેથી એનો લુક મેઇન્ટેન રહે. આંગળીઓનો વપરાશ વધુ હોય છે એટલે ટૅટૂનો રંગ ફેડ થવા લાગે ત્યારે ફરી ટચ-અપ પર કરાવવું જોઈએ.

ગેરફાયદા

આટલાબધા ફાયદા હોય ત્યારે આ ટૅટૂના કેટલાક ગેરફાયદા પણ છે. સૌપ્રથમ તો એનો ફાયદો જ સૌથી મોટો ગેરફાયદો છે. પર્મનન્ટ રિંગ પહેર્યા બાદ ક્યારેક જો રિલેશનમાં તિરાડ આવી જાય તો આ રિંગ કઢાશે નહીં અને જો કઢાવવું જ હોય તો એનો ખચોર્ ખૂબ વધુ થાય છે. જોકે એનો એક રસ્તો પણ છે. એ સસ્તો એટલે ટૅટૂ રીડિઝાઇનિંગ. દીપિકા પાદુકોણે જે રીતે રણબીર કપૂર માટે કરાવેલા આરકેવાળા ટૅટૂને કેઆરકે કરાવી દીધું હતું એ રીતે ટૅટૂને બીજી કોઈ ડિઝાઇનમાં ફેરવી શકાય.

બીજો એક ગેરફાયદો એ કે ટૅટૂ કરાવો ત્યારે દુખાવો થાય છે અને જો રિલેશનશિપ તૂટે તો દિલ દુખાશે અને એ રિલેશનની નિશાનીરૂપી ટૅટુ કઢાવવામાં એનાથીયે વધુ દુખાવો થશે.