માનવીય લાગણીઓની શાશ્વતતા

05 September, 2025 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માણસમાં આવી સંવેદના, આવો સમભાવ ઘટતાં જાય છે એ વિશે અવાર-નવાર મનોચિકિત્સકો અને માનસશાસ્ત્રીઓ ધ્યાન દોરતા રહે છે

પ્રતીકાત્મક તસવીર

નાનકડી બિંદી સાંજે રમીને ઘરે આવી અને સીધી દાદી પાસે ગઈ. ‘દાદી, તું કેમ છે?’ તેનો સવાલ સાંભળીને જયશ્રીબહેનના ચહેરા પર સંતોષની લહેર ફરી વળી. તેમણે બિંદીને તેના જેવા જ લહેકામાં જવાબ આપ્યો ‘ઓ મારી વહાલી દીકરી, હું મજામાં છું હોં!’ પણ પછી ભરાઈ આવેલી તેમની આંખો જોઈ પરદેશથી આવેલી તેમની બહેન યામિનીને બહુ નવાઈ લાગી. ‘જીજી, આટલાં ઇમોશનલ કેમ થઈ ગયાં? મેં તમને આવાં ક્યારેય નથી જોયાં!’

આપણને એવો જ સવાલ થાય. પરંતુ પોતાના માટે કોઈને કન્સર્ન હોય, કાળજી હોય એ વાત જે એક જમાનામાં બહુ સ્વાભાવિક અને સહજ હતી એ આજે રૅર, ભાગ્યે જ જોવા મળે એવી બની ગઈ છે. બીજાઓ માટે સહાનુભૂતિ (એમ્પથી) કે અનુકંપા, કરુણા (કમ્પેશન) ધરાવતી વ્યક્તિઓને ‘ઇમોશનલ’ કહીને ઉતારી પાડવામાં આવે છે. સંવેદનશીલતા જાણે ન કેળવવા જેવું લક્ષણ હોય એમ એની ઉપેક્ષા કરવામાં આવે છે. હવે આવા વાતાવરણમાં એક નાનકડી બાળકી પોતાના ફ્રેન્ડ્સ સાથે રમીને ઘરમાં દાખલ થતાંવેંત દાદીને વહાલથી પૂછે કે તું કેમ છે ત્યારે તેની દાદી ગદ્ગદ થાય એ સહજ જ લાગેને!

માણસમાં આવી સંવેદના, આવો સમભાવ ઘટતાં જાય છે એ વિશે અવાર-નવાર મનોચિકિત્સકો અને માનસશાસ્ત્રીઓ ધ્યાન દોરતા રહે છે. તાજેતરમાં આ બન્ને લાગણીઓ વિશે બે તદ્દન જુદી વ્યક્તિઓની અભિવ્યક્તિની સમાનતા ચોંકાવી ગઈ. દેશના નામાંકિત સર્જ્યન, તબીબી જ્ઞાનના ભંડાર અને જેમનાં લખેલાં પુસ્તકો વાંચીને અનેક વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે તેવા ૯૫ વર્ષના ડૉ. ફરોખ ઉદવાડિયાએ તાજેતરમાં મુંબઈમાં એક હૉસ્પિટલના કાર્યક્રમમાં વક્તવ્ય આપતાં આજની તબીબી તપાસ પદ્ધતિ વિશે એક સચોટ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે ડૉક્ટરો દરદી સાથે વાત કર્યા વિના, તેને સ્પર્શ કર્યા વિના તેની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે! આ સારવારમાં માનવીય હૂંફની ગેરહાજરી વર્તાય છે. આ કારણે જ આજકાલ દવાઓ ઊણી ઊતરે છે. મેડિકલ ટ્રીટમેન્ટમાં માનવીય સ્પર્શ અને સહાનુભૂતિ વ્યાવસાયિક નિપુણતા જેટલાં જ અગત્યનાં છે. 

જોગાનુજોગ તેમના જ શબ્દોનો પડઘો ચોથા સ્ટેજનું કૅન્સર ડાયગ્નોઝ થયું છે તેવી યુવા અભિનેત્રી તનિષ્ઠા ચૅટરજીના શબ્દોમાં પણ સંભળાય છે. તનિષ્ઠા કહે છે કે ‘AI અને રોબો ભણી દોડી રહેલી દુનિયામાં મને બચાવનાર છે સાચકલા માનવીઓની અનુકંપા જેનો કોઈ જોટો નથી. તેમના શબ્દો, તેમની હાજરી, તેમની માનવતા મને જીવન ભણી પાછી ખેંચી લાવે છે.’

ઉત્તમ માનવીય લાગણીઓની શાશ્વતતા એક જૈફ ડૉક્ટર અને એક યુવા દરદીની અનુભવ-વાણીમાં કેટલી સચોટતાથી ઝિલાઈ છે!

તરુ મેઘાણી કજારિયા

columnists gujarati mid day mumbai Sociology ai artificial intelligence medical information health tips