આજે ખાધાં કે નહીં? જલેબી-ફાફડા

08 October, 2019 04:53 PM IST  |  મુંબઈ ડેસ્ક | દિવ્યાશા દોશી- ફૂડ ફન્ડા

આજે ખાધાં કે નહીં? જલેબી-ફાફડા

જલેબી ફાફડા

દશેરાના દિવસે મુંબઈના કોઈ પણ ખૂણે આવેલી ફરસાણની દુકાનમાં ખાસ ફાફડા-જલેબી લેવા માટે વહેલી સવારથી લાઇનો લાગી જતી હોય છે. આજના દિવસે શા માટે આ ચીજો ખાવાની પ્રથા પડી હશે? મુંબઈમાં ક્યાં શુદ્ધ ઘીની ટેસ્ટી જલેબી મળી શકે? આ જલેબીનો ઇતિહાસ શું છે જેવી રસપ્રદ વાતો વિશે આજે જોઈએ

મુમ્બાદેવી જલેબીવાલા
શુદ્ધ ઘીની જલેબીની વાત કરીએ એટલે જે દેવીના મંદિરના નામ પરથી મુંબાઈ નામ પડ્યું એ મુમ્બાદેવી મંદિરની બાજુમાં આવેલી નાનકડી દુકાન. મુમ્બાદેવી જલેબીવાલા ૧૮૯૭માં મારવાડના ધુલારામે અહીં મુમ્બાદેવી મંદિરની બાજુમાં જ જલેબીની દુકાન શરૂ કરી હતી. શુદ્ધ ઘીમાં તાજી તળાતી જલેબીની સોડમ અને સ્વાદ... એ તો ખાય તે જ જાણે. આજે પણ આ દુકાન ત્યાં છે. અહીં બેસીને ખાઈ શકાય એવી વ્યવસ્થા પણ છે. નાનકડી મુમ્બાદેવી જલેબીવાલાની આ દુકાન પ્રમાણમાં સ્વચ્છ પણ છે. તમારી સામે જ તાજી ગરમાગરમ જલેબી તળીને આપવામાં આવે. ખાતાં પહેલાં જરા ધ્યાન રાખજો, કારણ કે અંદરનો ગરમ રસ જીભ દઝાડી શકે છે અને સાથે પાપડી અને ખમણેલાં પપૈયાંનો સંભારો અને લીલું મરચું પણ મળે. કૅલરીને કોરાણે મૂકીને વર્ષમાં કોઈ પણ દિવસે મુમ્બાદેવીનાં દર્શન કરીને પછી જલેબી ખાવા માટે પણ એક વાર જવું જ જોઈએ. આ દુકાનમાં ફક્ત જલેબી અને પાપડી જ મળે છે એટલે તમારે કેટલી જલેબી ખાવી એ સિવાય કોઈ પસંદગી નથી. રોજ સવારે સાડાછ વાગ્યાથી રાતે આઠેક વાગ્યા સુધી આ આઉટલેટ ખુલ્લું રહે છે. હાલમાં એ જ પરિવારની ચોથી પેઢી દ્વારા આ પરંપરા આગળ ચલાવતાં ૨૦૦૯થી કાંદિવલીના મહાવીરનગર અને બોરીવલીમાં પણ એની બ્રાન્ચ ખૂલી છે. રાવલપરિવાર દ્વારા એ જ માપદંડ છે કે જલેબી અને પાપડી જ વેચવાની. જલેબી ગાયના ઘીમાં જ તળાય અને કેસર તથા ગુલાબજળ જ ઉમેરાય. બીજો કોઈ સ્વાદ નહીં. જલેબીનો અસલી સ્વાદ ઇતિહાસ સાચવીને બેઠો છે અહીં. ઑર્ડર પ્રમાણે તાજી તળી આપવામાં આવે. વર્ષો પહેલાં દશેરાના દિવસે કલાકેક લાંબી લાઇન લાગતી એવું સાંભળ્યું હતું. આજે પણ દશેરાએ લોકો આગોતરા ઑર્ડર નોંધાવે છે.

બુરહાનપુરની માવા જલેબી
બુરહાનપુરની માવાની જલેબી વિશે વાત ન કરીએ તો જલેબીનો લેખ પૂરો ન થાય.
અંધેરી-વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલી ગલીમાં એક નાનકડી દુકાન છે, જ્યાં ફક્ત જલેબી અને ગુલાબજાંબુ વેચાય છે. બપોરે ત્રણથી રાતે ૧૦ વાગ્યા સુધી અહીં માવાની જલેબી તાજી તળીને વેચાય છે. દૂધમાં માવો અને આરાલોટ નાખીને આ જલેબી ઉતારાય છે. માવાને લીધે આ જલેબી તળવાથી કાળો રંગ પકડે છે. બીજી જલેબી કરતાં દેખાવમાં થોડી ભરેલી હોય. આ જલેબી વનસ્પતિ ઘીમાં જ બનાવાય છે. ગરમાગરમ જલેબી ખાઈએ તો થોડો ગુલાબજાંબુ જેવો સ્વાદ આવે, પણ જલેબી ગુલાબજાંબુ કરતાં વધુ સારી લાગે.

પુરુષોત્તમ કંદોઈ
હરિભાઈ દામોદર કંદોઈ પરિવાર દ્વારા મુંબઈભરમાં બોરીવલી, ઘાટકોપર, વાલકેશ્વર, માટુંગા અને સાંતાક્રુઝમાં દુકાન છે. આ બધી દુકાનોમાં બીજું ઘણું મળે, પણ એક વાત કૉમન છે શુદ્ધ દેશી ઘીની જલેબી. અહીં તેઓ જામખંભાળિયાનું શિયાળુ ઘી જલેબી બનાવવા માટે વાપરે છે. મૂળ મોરબીથી આવીને પુરુષોત્તમ હરિભાઈએ ૫૦ વર્ષ પહેલાં ઘાટકોપરમાં જલેબી-ફાફડા બનાવવાનું શરૂ કર્યું હતું. તેમના ફાફડા અને વણેલા ગાંઠિયાનો સ્વાદ આજે પણ લોકોને લલચાવે છે. કેસર અને એલચી નાખીને બનાવાતી ગરમાગરમ જલેબી ઉતારાય કે તરત જ ખાનારાઓ પણ છે. દશેરાના દિવસે લાઇન લગાવવી પડે એટલી ભીડ અહીં થાય છે.
જલેબી હવે દરેક જગ્યાએ મળે છે પણ ખરેખર શુદ્ધ ઘીની બનેલી હોય એ અને ગરમાગરમ જ ખાજો. ૪૦૦થી ૫૦૦ રૂપિયે કિલો જલેબી વેચાતી હોય છે.

mumbai food Gujarati food indian food