પહેલાં ટીબી હતો, હવે માસિક ખૂબ ઓછું આવે છે અને વજન ઘટી ગયું છે

11 October, 2011 08:27 PM IST  | 

પહેલાં ટીબી હતો, હવે માસિક ખૂબ ઓછું આવે છે અને વજન ઘટી ગયું છે

 

ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ


સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. મને પંદર વર્ષ પહેલાં ફેફસાંનો ટીબી થયો હતો અને એની ટ્રીટમેન્ટ પણ પૂરી કરી હતી. ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને હજી બાળક નથી. મને પિરિયડ્સ દરમ્યાન માત્ર બે-ચાર ટીપાં જેટલું જ બ્લીડિંગ થાય છે, પણ પેટમાં ખૂબ જ દુખે છે. બાળક નહીં થાય એની ચિંતામાં વજન ઘટી ગયું છે. મારા હૉમોર્ન્સના રિપોર્ટ એકદમ નૉર્મલ છે. મારા હસબન્ડના સ્પર્મકાઉન્ટ અને મોટિલિટી બન્ને નૉર્મલ છે. મારું માસિક રેગ્યુલર છે, પણ બહુ નથી આવતું. શું મને પ્રેગ્નન્સી રહેશે કે નહીં?

જવાબ : તમને ભૂતકાળમાં ટીબીની હિસ્ટરી છે અને તમારું વજન પણ ઘટી રહ્યું છે એ ફરીથી ટીબીની સંભાવના દર્શાવે છે. આ શંકાના નિવારણ માટે તમારી કેટલીક ટેસ્ટ કરાવવી જરૂરી છે. તમારે માસિકના બીજા દિવસે ગર્ભાશયની ચામડીની PCR/TMA-RNA TB ટેસ્ટ કરાવવી. આ ટેસ્ટ એટલી ચોક્કસ હોય છે કે એનાથી ગર્ભાશયની ખૂબ જ ઓછી જગ્યામાં પણ ક્યાંય ટીબીના જંતુઓ હોય તો એ પકડી પાડે છે. બીજું, તમારા હૉમોર્ન્સના અને હસબન્ડના સીમેનના રિપોર્ટ્સ નૉર્મલ છે એટલે પચાસ ટકા બાજી હજી તમારા હાથમાં છે એટલે તમારે નિરાશ થવાની જરૂર નથી.

જ્યાં સુધી ટીબીના જંતુઓ અંદર હોય છે ત્યાં સુધી ગર્ભ ધારણ થવામાં તકલીફ પડે છે અને ધારો કે પ્રેગ્નન્સી રહી પણ જાય તોય મિસકૅરેજની સંભાવનાઓ હોય છે. ધારો કે ટીબી પૉઝિટિવ આવે તો એનો પણ ઉકેલ છે. ટીબીનો કોર્સ છથી નવ મહિનાનો હોય છે. એ કરાવવાથી ટીબીના જંતુઓ સંપૂર્ણપણે નાશ પામે છે. એ પછી લેપ્રોસ્કોપિક સર્જરીથી ગર્ભાશયની ત્વચા ચીટકેલી હોય તો એ દૂર કરી શકાય છે. હિસ્ટરોસ્કોપીથી અંદરનો બગાડ કાઢી નાખી શકાય છે.

આ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી ત્રણથી પાંચ મહિના સુધી એસ્ટ્રોજન-પ્રોજેસ્ટરોલ હૉમોર્ન્સની દવાઓ લેવી. આટલી તૈયારીઓ પછી જો તમે આઇવીએફ (ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન)ની પ્રક્રિયા કરાવશો તો સફળતા મળી શકશે.