ડાયાબિટીઝથી કાયમી છુટકારો મેળવવો છે?

11 August, 2012 09:15 AM IST  | 

ડાયાબિટીઝથી કાયમી છુટકારો મેળવવો છે?

 

 

(પલ્લવી આચાર્ય)

 

ભારતમાં ડાયાબિટીઝના દરદીઓની સંખ્યા એટલી હદે અને એટલી ઝડપે વધી રહી છે કે આજે એ વલ્ર્ડનું ડાયાબેટિક કૅપિટલ ગણાય છે એટલું જ નહીં, એની સંખ્યામાં જે રીતે કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે એ જોતાં ૨૦૧૫ સુધીમાં ડાયાબિટીઝના ૭ કરોડ દરદીઓ થઈ જશે એવી શક્યતા છે. ડાયાબિટીઝના દરદીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે ત્યારે સૌથી પહેલાં જાણીએ કે ડાયાબિટીઝ શું છે.

 

ડાયાબિટીઝ એટલે?

 

આપણે જે ખોરાક લઈએ છીએ એમાંની શુગરને લોહીના કોષો એનર્જીમાં રૂપાંતરિત કરે છે. આ રૂપાંતરણ પૅન્ક્રિયાઝમાંથી જે ઇન્સ્યુલિન હોમોર્ન રિલીઝ થાય છે એ કરે છે. કોઈ પણ કારણસર ઇન્સ્યુલિન પેદા ન થાય અથવા તો લોહીના કોષોમાં એ એન્ટર ન થાય તો શુગર એનર્જીમાં રૂપાંતરિત થયા વિના લોહીમાં જ પડી રહે છે. એને કારણે બ્લડ-શુગરનું લેવલ વધી જાય છે.

 

દવા થાય શુગર કન્ટ્રોલની

 

દવાઓ કરવા છતાં ડાયાબિટીઝ કેમ નથી મટતો એની વાત કરતાં સાંતાક્રુઝની બીસીજે હૉસ્પિટલ અને આશા પારેખ રિસર્ચ સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉ. સુકેતુ શાહ કહે છે, ‘ડાયાબિટીઝની જે દવા થાય છે એ વાસ્તવમાં શુગર કન્ટ્રોલ કરવા માટેની હોય છે. ડાયાબિટીઝ થવાનું મુખ્ય કારણ છે ચરબી. લોહીમાં ચરબી વધે ત્યારે કોષની ઇન્સ્યુલિન ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા ઘટે છે. ઇન્સ્યુલિન શુગરને એનર્જીમાં રૂપાંતરિત કરે છે, પણ એ ન થાય ત્યારે શુગર લોહીમાં ભળે છે. આમ લોહીમાં ભળતી શુગરને કન્ટ્રોલ કરવા ઉપરથી ઇન્સ્યુલિન આપવામાં આવે છે.’

 

ડાયાબિટીઝના દરદીઓને શુગર કન્ટ્રોલ માટે ઇન્સ્યુલિન આપવામાં આવે છે, પણ લાંબો સમય જો ઇન્સ્યુલિન લેવામાં આવે તો બીજી દવાઓની જેમ એની પણ શરીર પર આડઅસર થાય છે.

 

જરૂર ફૅટ કન્ટ્રોલની ડૉ. સુકેતુ શાહ કહે છે, ‘જેમ લોહીમાં ટ્રાય-ગ્લિસરાઇડ વધે ત્યારે કૉલેસ્ટરોલ વધે એમ લોહીમાં ઇન્ટ્રા-બાયોસેલ્યુલર લિપિડ એટલે કે ફૅટનું પ્રમાણ વધે તો ઇન્સ્યુલિન કામ નથી કરતું. જો ફૅટ ઘટે તો ઇન્સ્યુલિન કામ કરવા લાગે તેથી જ ડાયાબિટીઝ થાય ત્યારે જરૂર છે ફૅટ કન્ટ્રોલ કરવાની એવું બે વર્ષ પહેલાં જ્યારે મને ડાયાબિટીઝ થયો ત્યારે પ્રોગ્રામ ઑન રિવર્સિંગ ડાયાબિટીઝ નામનું નીલ બર્નાર્ડનું પુસ્તક વાંચ્યું ત્યારે જાણવા મળ્યું. હું ડાયાબિટીઝમાં જે અપાય છે એ મેટફોર્મિનની રોજની ત્રણ ગોળીઓ લેતો હતો, પણ ડાયાબિટીઝ ઓછો નહોતો થતો.’

 

ડાયાબિટીઝ મટી શકે

 

કેટલાંક પુસ્તકો અને ઇન્ટરનેટના સંશોધન પછી તેમને ખબર પડી કે ડાયાબિટીઝની જે ટ્રીટમેન્ટ છે એ ખરેખર સાચી નથી. ડૉ. સુકેતુ કહે છે, ‘મને સમજાઈ ગયું કે ડાયાબિટીઝ મટાડવો હશે તો મારે લોહીમાં વધેલી ચરબીને દૂર કરવી પડશે. એ માટે ખોરાક પર ધ્યાન આપવું પડશે.’

 

આ માટે તેમણે સંપૂર્ણ કુદરતી ખોરાકવાળો એટલે કે પ્લાન્ટબેઝ્ડ ડાયટ ફૉલો કરવાનું શરૂ કર્યું તો તેમને ડાયાબિટીઝના દરદમાંથી સંપૂર્ણપણે છુટકારો મળી ગયો. એટલું જ નહીં, બીસીજે હૉસ્પિટલ અને આશા પારેખ રિસર્ચ સેન્ટરમાં તેમણે ડાયટ-પ્લાન આપતી સારવાર સૌપ્રથમ શરૂ કરી. આ સેન્ટર માત્ર સારવાર જ નથી આપતું, સારવાર લઈ રહેલા લોકોને ડાયટ-ફૂડનું ટિફિન પણ પ્રોવાઇડ કરે છે. એ ઉપરાંત ડાયટ-પ્લાન મુજબ ખાવાનું કેવી રીતે બનાવવું એ પણ શીખવે છે. એમાં જેને આવવું હોય તે આવી શકે છે. અફર્કોસ, એ માટે ચાર્જ લેવાય છે. ડૉક્ટર સુકેતુના આ પ્રોજેક્ટમાં કેટલાક ડૉક્ટરો અને ન્યુટ્રિશનિસ્ટ પણ જોડાયા.

 

કેવો છે આ પ્લાન?

 

અમલમાં મૂકવો ખૂબ સિમ્પલ એવા આ પ્લાનમાં દૂધ અને દૂધની બનાવટો સહિતની ઍનિમલ પ્રોડક્ટ્સ હરગિજ નથી લેવાની. માંસાહાર અને ઈંડાં પણ નહીં. એને બદલે દૂધનાં વિકલ્પ એવાં સોયામિલ્ક, પીનટ મિલ્ક કે રાઇસ મિલ્ક લઈ શકાય.

 

સંપૂર્ણ ડાયટ પ્લાન્ટ્સ બેઝ્ડ એની વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ મહેક મખીજા કહે છે, ‘સંપૂર્ણ કુદરતી એવો ખોરાક જેમાં ફાઇબર પુષ્કળ હોય, ઑઇલ ન હોય એવો આહાર આ ડાયટ-પ્લાનમાં છે. એટલું જ નહીં, આમાં ડાયેટિંગ જરૂરી નથી, જેટલું ખાવું હોય એટલું ખાઈ શકાય.

 

શરીરને જરૂરી છે એટલી ફૅટ કુદરતી સ્રોત દ્વારા એટલે કે સિંગદાણા, નાળિયેર, તલ વગેરે ખાઈને લેવાની છે.

 

ખાણું કેવી રીતે બનાવશો?

 

ડાયટ-પ્લાનમાં ખાણું બાફેલું અથવા તો બેક કરીને કે શેકીને બનેલું હોવું જોઈએ. તેલનો ઉપયોગ એમાં જરા પણ કરવાનો નથી હોતો. ડાયટ-પ્લાન મુજબનાં ટિફિન હૉસ્પિટલમાંથી સારવાર દરમ્યાન પૂરાં પાડવામાં આવે છે.

 

ન્યુટ્રિશનિસ્ટ દરેક વ્યક્તિને ચેક કરી એના માટે અલગ ડાયટ-પ્લાન બનાવે છે એ વાત કરતાં મહેક મખીજા કહે છે, ‘દરેકને બૉડી-ટાઇપ મુજબ એટલે કે તેના બ્લડ-રિપોર્ટ અને બૉડી કૉમ્પોઝિશન મુજબ ડાયટ-પ્લાન આપવામાં આવે છે. આમાં દાળ, કઠોળ, બધી જ જાતનાં શાકભાજી, ફળો, ઘઉં, ચોખા, બાજરી, નાચણી વગરે લઈ શકાય. મલ્ટિ-ગ્રેન બ્રેડ લઈ શકાય.’

 

ડૉક્ટરનો પોતાનો અનુભવ

 

ડૉક્ટર સુકેતુ શાહે દૂધ અને દૂધની બનાવટો તથા ચરબીવાળી ચીજો લેવાની છોડી દીધી અને પૉલિશ કયાર઼્ વિનાના ઘઉંની રોટલી, રેડ રાઇસ (છડ્યા વિનાના), બાફેલાં શાકભાજી, સૅલડ અને હર્બલ ટી લેવાનું શરૂ કર્યું. કસરતો, યોગ અને ડાયટથી ચાર મહિનામાં તેમનો ડાયાબિટીઝ જે જમ્યા પહેલાં ૨૪૦ અને જમ્યા પછી ૩૬૦ રહેતો હતો એ તદ્દન નૉર્મલ થઈ ગયો એટલું જ નહીં, તેમનું બાવીસ કિલો વજન ઘટી ગયું. તેઓ રેગ્યુલર ડાયાબિટીઝ ચેક કરતા હતા. ગયા મહિને તેમણે ચૉકલેટ ખાધી તો પણ ડાયાબિટીઝ નૉર્મલ રહ્યો. તેઓ રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને વૉક લે છે, કસરત કરે છે. ૧૧ વાગ્યે સોયાના દૂધમાં ઓટ નાખીને લે છે. બપોરે રોટલી, શાક અથવા ભાત અને કઠોળ લે છે. બપોરે હર્બલ ટી સાથે ખાખરો અથવા ચાર-પાંચ સિંગદાણા લે છે, છ વાગ્યે તડબૂચ કે પાઇનૅપલ સિવાયનું કોઈ ફ્રૂટ લે છે. રાત્રે સૅલડ અને સૂપ, કઢી-ખીચડી કે ભાત-કઢી લે છે.