રિયલ ધનને બદલે ધનતેરસ પર કદર કરવા જેવાં બીજાં ઘણાં ધન છે

21 October, 2014 05:03 AM IST  | 

રિયલ ધનને બદલે ધનતેરસ પર કદર કરવા જેવાં બીજાં ઘણાં ધન છે




સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

આજે તો ધનતેરસ સર્વત્ર ધનની પૂજાઅર્ચના અને આરાધના થાય. ધનની ક્ષમતા એવી છે કે જેની પાસે હોય તે પોતાની જાતને મજબૂત મહેસૂસ કરે; પરંતુ એની સાથે એ પણ એટલું જ સાચું છે કે સંતોષ, સમજદારી, પ્રેમ, મૈત્રી, સંબંધો, સ્વાસ્થ્ય, સર્જકતા કે ખિલખિલાટ હાસ્ય જેવી ક્ષમતાઓ પણ માનવીનું અમૂલ્ય ધન છે. આ બધી કે આમાંની કોઈ પણ સંપત્તિમાં માણસને ઊર્જા‍થી છલકાવી દેવાની તાકાત છે, પણ એ સંપત્તિને આપણે કદાચ ધન નથી ગણતા અને એટલે એની અગત્ય નથી કરતા.

એવા ઘણા લોકો યાદ આવશે જેમના પર લક્ષ્મીરૂપી ધનની તો મહેર છે, પણ આ બીજા પ્રકારની સંપત્તિ બાબતે તેમનાં ખિસ્સાં ખાલી હોય. અને એટલે જ જીવનની તમામ ભૌતિક સુવિધાઓ છતાં તેમના ચહેરા પર કાં તો સ્વાસ્થ્યની ચમક ન હોય કાં પ્રેમાળ સંબંધોની સલામતીમાંથી જન્મતી નિરાંત ન હોય. ક્યાંક અણસમજના ઓછાયાની ખારાશ હોય તો ક્યાંક અસંતોષના દાવાનળની દાઝ હોય! કેટલાક ચહેરા જોઈને તો લાગે કે તેમની પાસે હસવાની શક્તિ છે એ વાત તેઓ જાણે ભૂલી જ ગયા છે! એટલે જ આજના આ શુભ દિવસે આપણે આપણને પ્રાપ્ત થયેલા બધા જ પ્રકારના ધન માટે પ્રભુના આભારી રહીએ એવા શુભ ભાવ કરવાનું મન થાય છે.

હમણાં અવારનવાર એક દૃશ્ય જોવા મળે છે. માંડ દોઢ-પોણાબે વર્ષની એક બાળકી આયના સામે ઊભી-ઊભી પોતાની જાતને જોઈ રહી છે. ઘડીકમાં મો.......ટું સ્માઇલ આપે તો ઘડીકમાં પોતાને કિસ કરતી હોય એમ આયનાને ચૂમવાની કોશિશ કરે. ઘડીકમાં હાથ ઊંચાનીચા કરીને લહેકા કરે છે અને ખડખડાટ હસે છે. તે ખૂબ જ ખુશખુશાલ દેખાઈ રહી છે. તેને જોઈને થોડા સમય પહેલાં જોયેલો અને સાંભળેલો મીહન રામસેનો એક અમેરિકન ટૉક-શો યાદ આવી જાય છે. પોતાની એક વર્ષની ભત્રીજીની આવી જ હરકતો મીહન માણી રહી હતી ત્યારે તેની માએ તેને કહ્યું કે તું પણ નાની હતી ત્યારે આવું જ કરતી હતી. એ સાંભળીને તેને વિચાર આવ્યો કે અરે, આવું કરવાનું મેં ક્યારથી છોડી દીધું એનો મને ખ્યાલ જ ન રહ્યો! 

વાત સાચી છે. પોતાની જાત પર મુગ્ધ થવાની એ રમત આપણામાંના મોટા ભાગનાએ રમી હશે, પણ ધીમે-ધીમે મોટા થતા જઈએ અને બીજાઓની સાથે પોતાની સરખામણી કરતા શીખી જઈએ પછી દુનિયાના ઓપિનિયન કે કમેન્ટ્સ સાંભળવા લાગીએ અને બાળપણમાં જે સૂરત પ્રત્યે વહાલથી ઓળઘોળ થઈ જતાં એની ઊણપો દેખાવા માંડે. એટલે જ પોતાની ભત્રીજીને જોઈને મીહન વિચારે છે કે તે જરા મોટી થશે કે તે આયનામાં જોઈને પોતાની સામે મલકવાનું અને પોતાના પર જ વારી જવાનું ભૂલી જશે!

મીહનને આવો વિચાર કેમ આવ્યો? કારણ કે તે ટીનેજ છોકરીઓ વિશેના એક પ્રોજેક્ટની લીડર છે. મીહન જાણે છે કે આજની ટીનેજ છોકરીઓ પોતાના દેખાવ બાબત કેટલી ઓવર-કૉન્શિયસ છે. તે કહે છે કે દર મહિને ઇન્ટરનેટ પર દસ હજાર જેટલા ટીનેજર્સ એક સવાલનો જવાબ ગૂગલ પર સર્ચ કરે છે - શું હું અગ્લી છું? આવી જ એક છોકરીને પોતાના દેખાવ માટે બહુ જ મૂંઝવણ હતી. આમ તો તે હેલ્ધી અને ઍવરેજ-લુકિંગ હતી, પણ તેની સ્કૂલમાં કે ફ્રેન્ડ-સર્કલમાં કોઈએ કહ્યું હશે કે તું અગ્લી છે એટલે તે ઘણી વાર ઉદાસ થઈ જતી. પરંતુ તેની મમ્મી હંમેશાં કહેતી કે બેટા, તું તો સરસમજાની છે. પણ મમ્મીની વાતથી ખુશ થવાને બદલે તે વધુ કન્ફ્યુઝ થતી. એટલે એક દિવસ તેણે પોતાનો એક વિડિયો બનાવ્યો અને એને યુટ્યુબ પર મૂક્યો. એ છોકરીને તેર હજાર જેટલી કમેન્ટ્સ મળી. એમાં ઘણી તો બહુ જ ખરાબ હતી. અને તે તંદુરસ્ત છોકરી ઇમોશનલી શૅટર થઈ ગઈ એ બધું વાંચીને. તેની હેલ્થ પર એની અસર પડવાની જ.

આ કંઈ એકલદોકલ છોકરીની વાત નથી, કિશોરાવસ્થામાં આવી વાતો વ્યક્તિના આત્મવિશ્વાસ પર ઘા કરે છે. આજે ૧૩-૧૪ કે ૧૫-૧૬ વર્ષનાં કેટલાંય છોકરા-છોકરીઓ પોતાના લુક્સ, ફિગર કે પોતાનાં કપડાં કે અન્ય ચીજોને કારણે કોઈ ને કોઈ પ્રકારનો ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ અનુભવતાં જોવા મળે છે. પોતાના વિશે નેગેટિવ કમેન્ટ્સ સાંભળીને તેઓ નિરાશ થઈ જાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે કે કોઈની સાથે હળવાભળવાનું બંધ કરી દે છે. ક્યાંય પણ બહાર જવાનું હોય તો ટાળવા લાગે છે. મહદ્ અંશે આ આજના સમયની ઘટના છે. મીહન રામસે એક  એવા પ્રોજેક્ટ સાથે સંકળાઈ છે જે યંગ છોકરીઓમાં પોતાના દેખાવને લઈને કોઈ કૉમ્પ્લેક્સ ન આવે અને તેમનો આત્મવિશ્વાસ વિકસે એ માટે પ્રયત્નશીલ છે. પોતાના શારીરિક દેખાવ વિશે નીચો ઓપિનિયન ધરાવતા ટીનેજરોમાં પૉઝિટિવ ચેન્જ લાવવા મીહન અને તેની ટીમ કામ કરી રહ્યાં છે. મીહન કહે છે કે મીડિયામાં સુંદરતાને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે એ ઘણી વાર ખોટા સંદેશ મોકલે છે અને આ યંગસ્ટર્સ એનો ભોગ બને છે. આ વાતના આપણે સાક્ષી છીએ જ. ફિલ્મી હિરોઇનોના ઝીરો સાઇઝ ફિગર કે હીરોના સિક્સ-પૅક ઍબ્સ જોઈને તેમના જેવા બનવાનાં શમણાં જોતાં કિશોર-કિશોરીઓ ઘણી વાર એ ઘેલછામાં પોતાના કુદરતી સૌંદર્ય કે શરીરસૌષ્ઠવ ખોઈ બેસે છે તો મૉડલ્સની અદ્ભુત ગ્લૉસી ઇમેજિસ જોઈને પોતાની જાતને તદ્દન જંતુ જેવી ગણતાં થઈ જાય છે. આવા યંગસ્ટર્સ સાથે વારંવાર સાંભળેલી અને સો ટકા સાચી લાગેલી એક શીખ શૅર કરવી છે - સાચી સુંદરતા ભીતર છે. આપણને જે મળ્યું છે એની કદર કરીએ અને એના માટે કૃતજ્ઞ બનીએ તો આપોઆપ આત્મવિશ્વાસનું તેજ ચહેરાને અને સમગ્ર અસ્તિત્વને ઝળાંહળાં કરી દેશે. તો ચાલો, આજના દિવસે આપણે સંતોષરૂપી ધનની, સ્વાસ્થ્યરૂપી ધનની, કુદરતી આનંદરૂપી ધનની, મા-બાપે સીંચેલા સમજદારીરૂપી ધનની, શિક્ષણરૂપી ધનની પણ કદર કરીએ અને ધનતેરસ ઊજવીએ.