ડીટૉક્સ ડ્રિન્ક ખરેખર કંઈ ડીટૉક્સ કરે છે?

16 January, 2026 07:14 PM IST  |  Mumbai | Ruchita Shah

‘વેઇટલૉસ ડ્રિન્ક’, ‘ડીટૉક્સ ડ્રિન્ક’, ‘હેરગ્રોથ ડ્રિન્ક’, ‘બ્યુટી ડ્રિન્ક’, ‘બેલી બર્નર ડ્રિન્ક’ જેવાં કંઈકેટલાંય મજેદાર નામો સાથેનાં વિવિધ ડીટૉક્સ વૉટરથી સોશ્યલ મીડિયા ઊભરાઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

જવાબ છે ના. લીંબુ, ફુદીનો, જીરું, વરિયાળી, કાકડી વગેરેનાં ક્લેન્ઝિંગ વૉટર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ લોકપ્રિય બન્યાં છે. જોકે નિષ્ણાતો સર્વસંમતિથી માને છે કે આ પીણાં તમારા શરીરને ‘ઝેરી તત્ત્વોથી શુદ્ધ’ કરવાના જે મોટા- મોટા દાવાઓ કરે છે એમાં કોઈ નક્કર વૈજ્ઞાનિક આધાર નથી

‘વેઇટલૉસ ડ્રિન્ક’, ‘ડીટૉક્સ ડ્રિન્ક’, ‘હેરગ્રોથ ડ્રિન્ક’, ‘બ્યુટી ડ્રિન્ક’, ‘બેલી બર્નર ડ્રિન્ક’ જેવાં કંઈકેટલાંય મજેદાર નામો સાથેનાં વિવિધ ડીટૉક્સ વૉટરથી સોશ્યલ મીડિયા ઊભરાઈ રહ્યું છે. તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન જાણે કે આ જાદુઈ ડ્રિન્કમાં છુપાયેલું હોય એ રીતે ગાઈ-વગાડીને એનો પ્રચાર કરવામાં આવે છે. ડીટૉક્સ ડ્રિન્કનો વેલનેસ ટ્રેન્ડ તદ્દન પાયાવિહોણો છે અને એની સાથે થતા દાવાઓમાં કોઈ દમ નથી એ વાતની પુષ્ટિ કરતાં ઢગલાબંધ સર્વેક્ષણો પણ થયાં છે. આજે આ ડીટૉક્સ વૉટર સાથે સંકળાયેલી ભ્રમણાઓને ભાંગીએ અને સાચી રીતે સમજીને એનો ઉપયોગ કરતાં શીખીએ. 

શું છે ડીટૉક્સ ડ્રિન્ક?
કાકડી, ફુદીનો, તુલસી, દૂધી વગેરેનું પાણી અથવા એને ક્રશ કરીને બનાવેલો જૂસ જેમાં મરી, મસાલા અને લીંબુ પણ નાખવામાં આવે છે અને એનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આજે જ્યારે આ ડીટૉક્સ વૉટરની ડિમાન્ડ માર્કેટમાં દિન દોગુના અને રાત ચૌગુનાની ઝડપે વધી રહી છે ત્યારે એની પાછળ રહેલા સત્યને જાણીએ. આ સંદર્ભે ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શુચિતા ભાનુશાલી કહે છે, ‘આજકાલ ડીટૉક્સ ડ્રિન્કને ક્વિક ફિક્સ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઇલાજ ઇન્ટાગ્રામ પર જલદી વેચાય એટલે આ પ્રકારના ડ્રિન્કની પૉપ્યુલરિટી વધી છે. તમારે એક વાત સમજવાની જરૂર છે કે પેટમાં જતા ફુદીના, જીરું કે લીંબુનું પાણી પણ શાક-રોટલીની જેમ પાચનની આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એ કંઈ સીધેસીધું બ્લડમાં ભળતું નથી કે બ્લડ આખા શરીરમાં ફરે અને શરીર ડીટૉક્સ કરી નાખે. આ કોઈ ફિનાઇલ નથી કે બાથરૂમને સાફ કરવા માટે રેડી દીધું એટલે બાથરૂમ સાફ. પેટમાં ગયા પછી એનું પણ અન્ય ખાદ્ય સામગ્રીની જેમ પાચન જ થતું હોય છે એટલે એ ડીટૉક્સ કરે છે અને તાત્કાલિક તમારું વજન ઘટાડે છે એ વાત ખોટી છે. ડીટૉક્સના નામે જે ડ્રિન્ક વેચાઈ રહ્યાં છે એને તમે માત્ર ફ્લેવર્ડ વૉટર તરીકે પી શકો, જે તમને સ્વાદિષ્ટ લાગે અને એનાથી કદાચ તમે વધુ પાણી પીઓ જે હેલ્ધી બની જાય. અથવા એવું કહી શકાય કે લીંબુ, ફુદીના કે જીરુંમાં રહેલાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ બૉડીને પુષ્ટ કરે. જોકે અહીં પુષ્ટ કરે એવી વાત છે, ડીટૉક્સ કરે એવી નહીં.’

આયુર્વેદ પણ નથી માનતું
મોટા ભાગે આ પ્રકારનાં પીણાંઓને આયુર્વેદ કે નેચરોપથીના નામે જ પ્રમોટ કરવામાં આવે છે. આ સંદર્ભે આયુર્વેદિક આહારનાં નિષ્ણાત વૈદ્ય પ્રો. મીતા કોટેચા કહે છે, ‘આજકાલ લોકો આયુર્વેદના નામે વિમાન વેચતા થઈ ગયા છે. આયુર્વેદ તરફ લોકોનો વધી રહેલો ઝુકાવ જોઈને સોશ્યલ મીડિયાના કહેવાતા વેલનેસ એક્સપર્ટ આયુર્વેદના નામે મનફાવે એવા દાવાઓ કરી રહ્યા છે. હકીકતમાં આયુર્વેદમાં ક્યાંય ડીટૉક્સ ડ્રિન્કનું નામોનિશાન નથી. યસ, શરીરને ડીટૉક્સ કરવા માટે પંચકર્મ જેવી પદ્ધતિઓ છે, પરંતુ કોઈ ફ્લેવર્ડ પાણી પીવાથી શરીર શુદ્ધ થાય એ વાત પાછળ કોઈ પુરાવાઓ કે શાસ્ત્રીય ઉલ્લેખો પણ નથી. આયુર્વેદના ગ્રંથોમાં મળ-મૂત્ર અને પરસેવા થકી શરીરનાં ટૉક્સિન્સ બહાર જાય છે એવા સંદર્ભો છે અને પંચકર્મ પદ્ધતિમાં પણ એને જ માધ્યમ બનાવાય છે. બીજું, આયુર્વેદમાં પંચવિધ કષાય કલ્પનો એટલે કે દવાના પાંચ પ્રકારોનું વર્ણન છે જેમાં ક્વાથ, ઉકાળા, હીમ, ફાંટ, સ્વરસનો સમાવેશ થાય છે. ઉકાળા, કેટલીક વિશિષ્ટ વનસ્પતિનો રસ વગેરેનો જેમ ઉપયોગ થાય એમ હીમ એટલે કે પાણીમાં પલાડીને રાખો અને બીજા દિવસે એને મસળીને ખાઓ તો શરીરને લાભ થાય. જેમ કે વરિયાળીને તમે રાતે પલાળીને બીજા દિવસે એને મસળીને એ પાણીને ગાળીને પી લો તો એને દવાનું સ્વરૂપ કહી શકાય અને એ પાચનમાં મદદ કરે. ધાણા અને જીરુંને રાતે પલાળીને સવારે મસળીને ગાળીને એ પાણી પીઓ તો એ લૂઝ મોશનમાં મદદ કરે. જોકે આ બધી જ વસ્તુઓ વ્યક્તિગત પ્રકૃતિ અને ફિઝિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને દવારૂપે અપાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ શરીરને શુદ્ધ કરવાના ભાગરૂપે જો જાણ્યા-સમજ્યા વિના ડીટૉક્સ વૉટર પીવા લાગે તો એનાથી કેટલો લાભ થશે એ પ્રશ્નાર્થ છે. બેશક, જીરું, ફુદીનો જેવાં તત્ત્વોનું પાણી પીઓ તો એ તમારા ડાઇજેશનને સુધારે કે મંદ અગ્નિને બહેતર કરી શકે છે, પણ શરીરને શુદ્ધ કરવાની બાબતમાં એની અકસીરતાનાં કોઈ પ્રમાણ નથી.’

શું થાય, શું નહીં?
ડીટૉક્સ વૉટર શરીરનાં અંગોમાંથી જાદુઈ રીતે ઝેરી તત્ત્વોને બહાર કાઢતાં નથી.    ચરબીનું સીધું દહન કે વજનમાં ઘટાડો કરતાં નથી. ચયાપચયને રીસેટ કરતાં નથી. જોકે ડીટૉક્સ વૉટર તમારા શરીરને યોગ્ય રીતે હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. પાચનને હળવો ટેકો આપે છે અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડે છે. ડીટૉક્સ વૉટરમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ થવાથી વિટામિન અને ઍન્ટિ-ઑક્સિડન્ટો જેવાં પોષક તત્ત્વોની થોડી માત્રા પૂરી પાડે છે. ખાંડવાળાં પીણાંના વિકલ્પ તરીકે કૅલરી ઓછી રાખવામાં મદદ કરે છે. અહીં ડૉ. શુચિતા કહે છે, ‘ડીટૉક્સ વૉટરથી ઘણા લોકોને વજન ઘટી ગયાની ફીલિંગ આવે છે એનું કારણ ઘટી ગયેલું પાણી હોય છે. ઘણી વાર ડીટૉક્સ વૉટરમાં વપરાતા પદાર્થો લૅક્સેટિવનું એટલે કે પેટ સાફ કરવાની દવા તરીકે કામ કરે છે જેમાં લૂઝ મોશન વગેરે થઈ શકે છે જે કેટલીક વાર ગટ હેલ્થને ડિસ્ટર્બ પણ કરી શકે છે. ઘણા લોકો આખો દિવસ માત્ર આવા લીંબુ કે ફુદીનાના પાણી પર રહેતા હોય છે. બીજું કંઈ જ ન ખાય. પ્રોટીન ઇન્ટેક પણ ન લે. એટલે ધીમે-ધીમે મસલ લૉસ થવા માંડે અને વજન ઘટે એટલે લોકો એને હેલ્ધી માનવા માંડે છે, પરંતુ હકીકતમાં એ શરીરને નુકસાન કરે છે. આ જ કારણ છે કે માત્ર આવા કોઈ પર્યાય પર અવલંબિત થવાને બદલે તમે નિયમિત ઘરનો પૌષ્ટિક આહાર લો, શુગર અને પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરો તો પણ તમે ઓવરઑલ હેલ્ધી રહેશો અને ધીમે-ધીમે વજન પણ ઘટશે જો પ્રૉપર ડાયટ સાથે પૂરતી ઊંઘ અને એક્સરસાઇઝને પણ સામેલ કરી હશે.’

શરીરનું કુદરતી ડીટૉક્સ તંત્ર
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી અને હેપેટોલૉજીના ડૉક્ટરો કહે છે કે મનુષ્યનું શરીર પહેલેથી જ એક અત્યંત કાર્યક્ષમ શુદ્ધીકરણ પ્રણાલી ધરાવે છે જેમાં સામેલ અવયવો અને એની ખાસિયતો વિશે પણ જાણી લો.

લિવર : શરીરનું આ મુખ્ય ‘ડીટૉક્સ સેન્ટર’ છે જે પાચનતંત્રમાંથી આવતા લોહી પર પ્રક્રિયા કરીને હાનિકારક કેમિકલ્સને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કરે છે.

કિડની : લોહીને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા કચરો અને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કિડની નૅચરલી જ કરે છે.

ફેફસાં અને આંતરડાં : ફેફસાં હવામાંથી આવતાં ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે, જ્યારે આંતરડાં ખોરાક દ્વારા આવેલા સૂક્ષ્મ જીવો અને કચરાને દૂર કરે છે.

સ્કિન: એ સિવાય આપણી સ્કિન પણ ડીટૉક્સનું કામ પસીના વાટે કરે છે. 

આ લાભ માટે પી શકાય
ડીટૉક્સના મોટા દાવાઓથી દૂર રહીને કુદરતી તત્ત્વોથી બનેલાં આ પીણાં તમારા શરીરને જરૂરી હાઇડ્રેશન અને પોષક તત્ત્વો પ્રદાન કરીને તાજગી તો આપે જ છે. જેમ કે લીંબુ અને ફુદીનાનું પાણી સ્વાદ આપવાની સાથે પાચનમાં મદદ કરે છે અને લીંબુમાં રહેલું વિટામિન C શરીરને ઇમ્યુનિટી પ્રદાન કરે છે. ફુદીનો ગૅસથી રાહત આપી શકે એટલે પેટ ફૂલવાની સમસ્યામાં આરામ મળે છે. એમાં આદું વગેરેનો ઉપયોગ પણ વાયુના ઉપદ્રવને કારણે અને પાચનસંબંધી સમસ્યાઓમાં રાહત આપી શકે.

health tips social media food and drink food news gujarati mid day exclusive