યશ ચોપડા માટે પ્રાણઘાતક નીવડેલી બીમારી ડેન્જરસ ડેન્ગીનું એ ટુ ઝેડ

25 October, 2012 06:43 AM IST  | 

યશ ચોપડા માટે પ્રાણઘાતક નીવડેલી બીમારી ડેન્જરસ ડેન્ગીનું એ ટુ ઝેડ



રુચિતા શાહ

છેલ્લા બે મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર માત્ર સરકારી હૉસ્પિટલમાં ડેન્ગીના ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. એમાં હિન્દી ફિલ્મઇન્ડસ્ટરીના લિજન્ડરી ફિલ્મમેકર યશ ચોપડાનું ડેન્ગીને કારણે નિધન થવાથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનને કારણે તાવ આવે ત્યારે જે તકલીફો થાય એવી જ તકલીફો ડેન્ગીના પેશન્ટને શરૂઆતના તબક્કામાં થતી હોય છે, એમ છતાં આ બીમારી પ્રાણઘાતક કઈ રીતે નીવડી શકે, સિવિયર કેસમાં કેવી-કેવી તકલીફો થતી હોય છે વગેરે વિશે વિસ્તારથી જાણીએ.

ડેન્ગી શું છે?

ડેન્ગી એક જાતના વાઇરસનું નામ છે, જે શરીરમાં જવાથી વાઇરલ ઇન્ફેક્શન થાય છે. એ વિશે દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ડેન્ગી એડીઝ જાતિનાં માદા મચ્છર દ્વારા ફેલાતું વાઇરલ ઇન્ફેક્શન છે. જેમ મલેરિયાના મચ્છર ગંદા પાણીમાં ઊછરે છે એમ એડીઝ મચ્છર ચોખ્ખા પાણીમાં આશ્રય લે છે. આ મચ્છરો દિવસ અને રાત્રે ક્યારે પણ ડેન્ગી ધરાવતા વ્યક્તિને કરડ્યા પછી કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે તો તે પણ રોગનો ભોગ બને છે.’

સામાન્ય ડેન્ગીનાં લક્ષણો

ડેન્ગીનાં લક્ષણો વિશે ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વાઇરસ લાગ્યાના પાંચથી સાત દિવસમાં એની અસર દેખાવાનું શરૂ થઈ જાય છે. સામાન્ય વાયરસમાં જે તકલીફો થાય એવી જ તકલીફો અહીં પણ જોવા મળે છે. શરૂઆતના સ્ટેજમાં હળવો તાવ ચડવો-ઊતરવો, શરદી, ખાંસી, આંખોમાં લાલાશ આવવી, આંખોના પાછલા ભાગમાં દુખાવો થવો, સાંધામાં દુખાવો થવો, કળતર થવી, ભયંકર બૉડી-પેઇન થવા જેવી સમસ્યા થાય છે. આ લક્ષણોને કારણે ડેન્ગીને બ્રેક બોન ફીવર પણ કહેવાય છે. ડેન્ગી ગંભીર સ્ટેજ પર પહોંચી ગયો હોય ત્યારે એને હેમરેજિક ડેન્ગી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લોહીમાંથી પ્લેટલેટ્સ  કણો ઘટી જાય છે. પ્લેટલેટ્સ લોહીને ક્લોટ કરવાનું કામ કરે છે, એટલે કે શરીર પર ક્યાંય પણ ઘા વાગે ત્યારે એમાંથી વહેતા લોહીને જમાવી દઈને એને વહેતું અટકાવે છે. શરીરમાં દોઢ લાખથી સાડાચાર લાખ પ્લેટલેટ્સ હોય છે, પરંતુ એની સંખ્યા ઘટવાથી ડેન્ગીના પેશન્ટમાં હેમરેજની શક્યતા વધી જાય છે.’

ડેન્ગી શૉક સિન્ડ્રૉમ

ડેન્ગી ગંભીર ક્યારે છે એની વાત કરતાં જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ડેન્ગીના પહેલા અટૅકમાં ૮૦ ટકા પેશન્ટ બીમારીનું નિદાન થાય એ પહેલાં જ સાજા થઈ જાય છે, પરંતુ એનો બીજો અટૅક જોખમી છે, જેમાં પેશન્ટમાં ડેન્ગી શૉક સિન્ડ્રૉમ જોવા મળે છે. શરીરના બ્લડમાં રહેલું લિક્વિડ થર્ડ સ્પેસમાં એટલે કે શરીરના બીજા અવયવોમાં જતું રહે છે, જેને કારણે પેશન્ટનું બ્લડપ્રેશર અતિશય ઘટી જાય છે. બ્લડપ્રેશર ઘટવાને કારણે શરીરના બ્રેઇન, હાર્ટ, કિડની, લિવર જેવા મહત્વના અવયવોને પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી, જે આગળ જતાં મલ્ટિ-ઑર્ગન ફેલ્યરમાં પણ પરિણમી શકે. આ એક અત્યંત ગંભીર અને પ્રાણઘાતક સ્ટેજ છે, માટે જ ડેન્ગીમાં વિશેષ કાળજી રાખવાની સલાહ અપાય છે.’

કેવા લોકોને ખતરો વધુ

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ડેન્ગી ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એ વિશે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘નાનાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોમાં ડેન્ગીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એ સિવાય હાર્ટની, બીપીની, અસ્થમાની અને ડાયાબિટીઝની તકલીફ ધરાવતા લોકો પણ ડેન્ગીની પકડમાં ઝડપથી આવી શકે છે.’

નિદાન અને સારવાર

ડેન્ગીની રસી હજી સુધી શોધાઈ નથી તેમ જ કોઈ ઍન્ટિ-બાયોટિક પણ એમાં કારગત નીવડતી નથી, એમ જણાવીને ડૉ. પંકજ પારેખ ઉમેરે છે, ‘પહેલાં એવું હતું કે પાંચ-સાત દિવસ પછી ડેન્ગીનું નિદાન થઈ શકતુ હતું. જોકે હવે એવી ટેસ્ટ શોધાઈ છે, જેમાં એક જ દિવસ થયો હોય તો પણ ડેન્ગીની તપાસ થઈ શકે છે. ડેન્ગીના નિદાન માટે અત્યારે ઍન્ટિજન (ફ્s૧) અને ઍન્ટિ-બૉડીઝ (ત્ઞ્પ્-ત્ઞ્ઞ્) આ બે પ્રકારની ટેસ્ટ કરવામાં આવે છે.’

શું તકેદારી લેશો?

ડેન્ગીના પેશન્ટોએ શું કાળજી રાખવી એ વિશે માર્ગદર્શન આપતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘શરીરનું ફ્લુઇડ ઘટવાને કારણે ડીહાઇડ્રેટ થયેલા શરીરને રીહાઇડ્રેટ કરવા અને ઘટેલા બ્લડપ્રેશરને બૅલેન્સ્ડ રાખવા પૂરતું પાણી પીઓ. યુરિનનું પ્રમાણ જળવાઈ રહે એનું ધ્યાન રાખો અને તમારા બ્લડ-પ્લેટ્સને નિયમિત ચેક કરાવતાં રહો. હળવો અને ઝડપથી પચી જાય એવો ખોરાક લો અને સતત ડૉક્ટરના સંપર્કમાં રહો.’