સિઝેરિયન વિના પણ ડિલિવરી બની શકે છે પીડારહિત

03 August, 2012 06:58 AM IST  | 

સિઝેરિયન વિના પણ ડિલિવરી બની શકે છે પીડારહિત

ડૉ. જયેશ શેઠ - ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ,  

ડૉ. કેતકી શેઠ - ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ

નવ મહિનાનો ગર્ભાધાનકાળ પૂરો થાય એટલે બાળકનું આ દુનિયામાં આગમન થાય. લેબર-રૂમમાં બાળકનું રુદન સંભળાય અને પરિવારજનોમાં હર્ષની લહેરખી ફરી વળે એ પહેલાં બાળકની માની પીડાનો પાર ન હોય. આમ તો દરેક માએ આ અનુભવ કર્યો હશે, પણ એની તીવ્રતાનું વર્ણન થઈ શકતું નથી. આ પીડાની તીવ્રતા સમજવા માટે ઘણા અભ્યાસો થયા છે ને એમાંથી એકનું તારણ છે કે આંગળીને છરીથી ધીમે-ધીમે કાપવામાં આવે તો જે પીડા થાય એટલી તીવ્રતાથી લેબર પેઇન દરમ્યાન દરદ થાય છે. અને હા, આ લેબર પેઇન ઘણી વાર ત્રણ-ચાર કલાકથી લઈને આઠથી બાર કલાક સુધી પણ ચાલે છે.

પહેલાંની વાત જુદી હતી, પણ આજકાલની યુવતીઓની પીડા સહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. એને કારણે લેબર પેઇન સહન કરવાની વાત આવતાં જ હાંજા ગગડી જાય છે. કેટલીક વાર તો પીડા સહન ન થવાને કારણે પેશન્ટ અને તેના પરિવારજનો સિઝેરિયન કરી નાખવાનો આગ્રહ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વષોર્માં એટલે જ કૉમ્પ્લિકેશન્સ ન હોવા છતાં પ્લાન્ડ સિઝેરિયનના કિસ્સા વધી ગયેલા જોવા મળે છે. જોકે માત્ર લેબર પેઇનથી છુટકારો જોઈતો હોય તો છેલ્લાં વષોર્માં પેઇનલેસ ડિલિવરીનો ટ્રેન્ડ આવ્યો છે જે સિઝેરિયન કરતાં વધુ સેફ, કુદરતી અને આનંદદાયક અનુભવ પણ છે.

પેઇનલેસ ડિલિવરી વિશે સમજતાં પહેલાં જાણીએ કે બાળકના જન્મ સમયે માને  પીડા કેમ થાય છે. સામાન્ય રીતે ગાય, ભેંસ, બકરી કે હાથણી બચ્ચાંને જન્મ આપે છે ત્યારે એને એટલી પીડા નથી થતી; કેમ કે બચ્ચાંનો જ્યાંથી જન્મ થાય છે એ ભાગ નીચેની તરફ છે. બીજી તરફ ચારપગાં પ્રાણીમાંથી માનવ બે પગે ચાલતો થયો એ પછી પણ માનવની પેલ્વિક રચના એટલે કે પેઢુના ભાગના સ્નાયુઓ અને અવયવોની ગોઠવણમાં ફેરફાર થયો નથી. બીજું, માણસ બે પગે ઊભો રહેતો હોવાથી ગર્ભાશયમાં બાળક હોલ્ડ થયેલું રહે અને સચવાય એ માટે સર્વાઇકલ એરિયાની આસપાસના પેલ્વિક સ્નાયુઓ વધુ સ્ટ્રૉન્ગ હોય છે. વળી જ્યારે બાળક વજાઇનામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય ત્યારે પહેલાં એ પાછળ તરફ જાય અને પછી વજાઇનામાંથી બહાર નીકળે. એ સમયે પેલ્વિક સ્નાયુઓ સ્ટ્રૉન્ગ હોવાથી પણ કૉન્ટ્રેક્શનની આ પ્રક્રિયા પીડાદાયી રહે.

પેઇનલેસ ડિલિવરી શું છે?

જ્યારે બાળક બહાર નીકળવાની કોશિશ કરતું હોય ત્યારે ગર્ભાશયમાં કૉન્ટ્રૅક્શન્સ થાય છે ને એને કારણે પીડા થાય છે. એપિડ્યુરલ ઍનેસ્થેસિયા એક એવી પદ્ધતિ છે જેમાં કમરના મણકાની પાસેના ભાગમાં એક કૅથેટર લગાવવામાં આવે છે ને એના દ્વારા ખૂબ થોડી માત્રામાં પીડાશામક દવાઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ દવાને કારણે સ્નાયુઓ રિલૅક્સ થાય છે તેમ જ ગર્ભાશય અને યોનિમાર્ગમાં થતા કૉન્ટ્રેક્શન્સને કારણે પેદા થતી પીડાની સંવેદના ચાલી જાય છે. આ ઍનેસ્થેસિયા એટલો માઇલ્ડ હોય છે કે લોકલ એનેસ્થેસિયાની જેમ નીચેનો ભાગ ખાલી પડી જતો નથી. નૉર્મલ ડિલિવરી દરમ્યાન થતી તમામ પ્રક્રિયાઓ આપમેળે થતી જ હોય છે, પણ એને કારણે પેદા થતી પીડા અનુભવાવાની બંધ થઈ જાય છે. એપિડ્યુરલ ઍનેસ્થેસિયા આપ્યા પછી લેબર પ્રોસેસ ચાલુ હોય ને છતાં સ્ત્રીઓ હરીફરી શકે છે, મ્યુઝિક સાંભળે છે, બુક્સ વાંચી શકે છે ને પરિવારજનો સાથે વાતો પણ કરી શકે છે. પ્રેગ્નન્ટ સ્ત્રી એટલી રિલૅક્સ હોય છે કે તે લિટરલી બાળકના જન્મને ઍન્જોય કરી શકે છે.

પીડા વિના બાળક કેવી રીતે આવે?

કેટલીક મહિલાઓને સવાલ થાય છે કે પીડા બંધ થઈ જાય તો પછી બાળક અંદર જ ન રહી જાય? કેટલાક અમને સવાલ કરે છે કે તમે પેઇન લઈ લો છો તો બાળક બહાર કેવી રીતે આવશે? લેબર પેઇન વિના કુદરતી રીતે બાળક કેવી રીતે બહાર આવે? લેબર પેઇન ન થાય એનો મતલબ એ નથી કે બાળકની બહાર નીકળવાની પ્રક્રિયા અટકી જાય. સ્નાયુઓના કૉન્ટ્રૅક્શનની કુદરતી પ્રક્રિયા તો ચાલતી હોય એમ ચાલ્યા જ કરે છે ને માત્ર એને કારણે પેદા થતી પીડાની સંવેદના જ બંધ થાય છે.

ક્યારે એપિડ્યુરલ અપાય?

એપિડ્યુરલ ઍનેસ્થેસિયા એ એક હાઇલી એક્સપર્ટાઇઝ્ડ ઍનેસ્થેટિસ્ટનું કામ છે. કેટલી માત્રામાં અને કઈ દવા વાપરવી એનું જજમેન્ટ ઍનેસ્થેટિસ્ટ લે છે અને લેબર પેઇન શરૂ થયાના કયા તબક્કામાં એ આપવું એનું જજમેન્ટ ગાયનેકોલૉજિસ્ટે લેવું રહે છે. સામાન્ય રીતે લેબર પેઇન શરૂ થાય અને ગર્ભાશયનું મુખ ૩ સેન્ટિમીટર જેટલું ખૂલી ચૂક્યું હોય એ પછી જ ઍનેસ્થેસિયા આપવો હિતાવહ છે. એને કારણે દરદીને પણ પેઇનલેસ ડિલિવરીનું મહkવ સમજાય છે અને એપિડ્યુરલ આપ્યા પછી ડિલિવરી સુધીનો સમય પણ બહુ લાંબો નથી રહેતો. એક વાર એપિડ્યુરલ લીધા પછી જ્યાં સુધી ડિલિવરી ન થઈ જાય ત્યાં સુધી એનેસ્થિસ્ટ સતત પેશન્ટ પાસે જ હોય છે. એને કારણે બાળકના જન્મ પછી પણ તે રડે નહીં કે અન્ય કોઈ કૉમ્પ્લિકેશન્સની શક્યતા જણાય તો ગાયનેકોલૉજિસ્ટને એક એક્સપર્ટની મદદ મળી રહે છે.

ફાયદા શું?

લાંબા લેબર પેઇનને કારણે બાળકના જન્મ પછી મમ્મી ખૂબ થાકી ગયેલી હોય છે, પણ એપિડ્યુરલ ઍનેસ્થેસિયાને કારણે મમ્મી એકદમ રિલૅક્સ્ડ અને માતૃત્વનો આનંદ પીડારહિત રીતે માણી શકે છે.

સિઝેરિયનના ચાન્સિસ દસથી પંદર ટકા જેટલા ઘટે છે. જો લેબર પેઇન લાંબું ચાલે તો ઘણી સ્ત્રીઓ સહન કરવાને બદલે સિઝેરિયનનો ટૂંકો રસ્તો અપનાવે છે, પણ એપિડ્યુરલથી એવું થતું અટકે છે.

એપિડ્યુરલમાં વપરાતી દવાઓથી મા કે બાળક બેમાંથી કોઈને કંઈ જ તકલીફ નથી થતી. ઇનફૅક્ટ ડિલિવરીના એક જ કલાકમાં મા બાળકને દૂધ પીવડાવી શકે છે.

કોણ લઈ શકે?

કુદરતી રીતે ગર્ભધારણ થયો હોય એવી કોઈ પણ મહિલા ડિલિવરી માટે આ પદ્ધતિ અપનાવી શકે છે. સિવાય કે પ્રેગ્નન્સી દરમ્યાન કૉમ્પ્લિકેશન્સ વધુ હોય અથવા તો અસિસ્ટેડ પ્રેગ્નન્સી હોય તો એમાં ડૉક્ટર દરદીની સ્થિતિ જોઈને તેને પેઇનલેસ ડિલિવરી કરાવી શકાશે કે કેમ એ નક્કી કરે છે. જેની નૉર્મલ ડિલિવરી થઈ શકે એમ હોય એ તમામ સ્ત્રીઓ પેઇનલેસ ડિલિવરીનો ઑપ્શન અપનાવી શકે છે

- વાતચીત અને શબ્દાંકન : સેજલ પટેલ