અમુક ઉંમર પછી શરીરનો અવાજ સાંભળવાની આદત કેળવો

25 November, 2013 06:36 AM IST  | 

અમુક ઉંમર પછી શરીરનો અવાજ સાંભળવાની આદત કેળવો



Fitness Funda



ઘરમાં પહેલેથી રંગભૂમિનો માહોલ હોવાથી નાનપણથી જ હેલ્થ માટે થોડીક સતર્કતા તો હતી જ. એમાં પણ અવાજ પર ખાસ કૉન્સન્ટ્રેટ કરવાનું રહેતું, કારણ કે નાટકમાં અવાજનું ખૂબ મહત્વ હોય. એટલે ખાવામાં બહુ ગુજરાતીપણું ક્યારેય નથી આવ્યું. તીખું-તળેલું તો બચપણથી નહોતો ખાતો. એ પછી ‘ગાંધી માય ફાધર’ ફિલ્મ કરી ત્યારથી તબિયત માટેની મારી ચેતના વધી ગઈ છે. કસરત, યોગ અને પ્રાણાયામ જેવી બાબતોનો પણ મારા પર ઊંડો પ્રભાવ પડ્યો. ‘ગાંધી માય ફાધર’ને કારણે મારી આધ્યાત્મિક દૃષ્ટિ પણ ઊઘડી, હું વધુ વિચારવંત બન્યો હોઉં એવું મને લાગે છે.

અત્યારે કદાચ આજના જુવાનિયો જેને ફિટનેસ માને છે એ દૃષ્ટિએ કદાચ હું ફિટ નથી, પરંતુ ઓવરઑલ રૂટીન કામો બરાબર કરી શકું છું. કોઈ પણ મેજર બીમારી નથી. અને કલાકો સુધી થાક્યા વિના સંપૂર્ણ એનર્જીથી કામ કરી શકું છું એટલે હેલ્ધી ચોક્કસ છું. જોકે અત્યારે હું મારા ફિટનેસ-રૂટીનમાં કેટલીક મહત્વની બાબતો ઉમેરવાનું વિચારી રહ્યો છું. ઉંમર થાય એમ શરીરની જરૂરિયાત પ્રમાણે પરિવર્તનો લાવવાં જોઈએ. જેમ કે મારે રેગ્યુલર વૉક પર જવાનું શરૂ કરવું છે. એકસાથે જમવા કરતાં દર બે-બે કલાકે ખાવાની હૅબિટ પાડવી છે. રૂટીનમાં ઘણી વાર બ્રેક પડી જાય છે. એટલે મારે એક વ્યવસ્થિત રૂટીન ડેવલપ કરવું છે. ચાનો શોખીન છું. ફ્રૅન્કલી કહું તો ગ્રીન ટી મને ભાવતી નથી. શૂટિંગમાં હોઉં ત્યારે તો એકસાથે ૧૦ કપ ચા પી જાઉં તો પણ ખબર ન પડે. કદાચ ચાનો ચટાકો તો મારાથી છોડી નહીં શકાય. એટલે સાકર વગરની ચા પીવાનું શરૂ કરવું છે.

મને લાગે છે કે અમુક ઉંમર પછી તમારું શરીર જ તમને એની આવશ્યકતા વિશે કહેતું હોય છે એ સાંભળવાની આદત પાડો.

એક્સરસાઇઝ-રૂટીન

અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે એકથી દોઢ કલાક વર્કઆઉટ કરું છું. જિમમાં નથી જતો, પરંતુ ઘરે જ રહીને ટ્રેઇનરની દેખરેખ હેઠળ યોગાસનો અને પ્રાણાયામ દ્વારા શરીરને કસરત આપું છું.

ડાયટ-કન્ટ્રોલ

હું તેલ-મરચું ઓછું ખાઉં છું. બને ત્યાં સુધી બહારનું ખાવાનું અવૉઇડ કરું છું. દોઢેક વર્ષ પહેલાં અમદાવાદના એક જાણકાર ભાઈએ મારી પાસે જવની રોટલી, મગ અને સૅલડનો પ્રયોગ કરાવેલો. લગભગ સાડાચાર મહિના મેં એ ડાયટ-પ્લાન ફૉલો કર્યો હતો. એનાથી મને ફાયદો પણ ખૂબ થયેલો. જોકે એ પછી બહારગામ શૂટિંગને કારણે પાછું શેડ્યુલ ચેન્જ થઈ ગયું. છતાં જવની રોટલી કાયમ રહી છે. અત્યારે રોજ સવારે સાત વાગ્યે ઊઠું છું. ઊઠીને સવારે એક્સરસાઇઝ પછી નાસ્તો કરું છું. જેમાં મોટે ભાગે એગવાઇટ્સ અથવા દૂધ સાથે મૂસળી ખાઉં. રોજ સવારે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઉં છું અને આદુંવાળી એક કપ ચા પણ હોય જ. મને શરદીનો કોઠો છે એટલે ચામાં હું આદું ખાસ પ્રિફર કરું છું. વચ્ચે એક મિડ-મૉર્નિંગ મીલ હોવું જોઈએ, પણ હું નથી કરી શકતો. બપોરે લંચ બહુ જ નૉર્મલ હોય; જેમાં જવની ત્રણ રોટલી, દાળ અને શાક હોય. હું ભાત નથી ખાતો. શૂટિંગને કારણે રાત્રે ડિનરનો ટાઇમ ફિક્સ નથી હતો. એમાં પણ ખૂબ લાઇટ ફૂડ લઉં છું. છેલ્લાં ઘણાં વષોર્થી રાત્રે તજના પાવડર સાથે મધને ચાટું છું. એનાથી કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં રહે છે. ક્યારેક વહેલું જમી લીધું હોય અને રાત્રે મોડેથી ભૂખ લાગે ત્યારે એક ગ્લાસ દૂધ પી લેવું અથવા એક મોટો ચમચો ઇસબગુલનો ખાઈ લેવો. એનાથી તમારી ભૂખ મટી જશે અને કૅલરી ઇન્ટેક પણ નહીં વધે. દિવસમાં ઓછામાં ઓછું ચાર લિટર પાણી પીઉં છું. ક્યારેક બહાર ખાવું પડે તો પણ હેલ્ધી ઑપ્શન્સ જ પસંદ કરું છું.

બટર, વાઇટ બ્રેડ, આથો આવેલા ઇડલી-ઢોસાને બદલે હું સબ-વે સૅન્ડવિચ ખાવાનું વધુ પસંદ કરું છું.

ઓકેઝનલ ડ્રિન્કર

હું ક્યારેક મારા મિત્રો સાથે ડ્રિન્ક કરું છું. હું ડ્રિન્ક ઍડિક્શનને લીધે નહીં પણ કંપની માટે કરું છું. અફકોર્સ એમાં મારો સંપૂર્ણ સેલ્ફ-કન્ટ્રોલ હોય છે. હું રેડ વાઇન પીવાનું જ પ્રિફર કરું છું અને આજકાલ ઘણાં રિસચોર્માં કહેવામાં આવ્યું છે કે રેડ વાઇન હેલ્થને અમુક રીતે ફાયદો આપે છે ત્યારે જાણીને સારું લાગે છે.

માનસિક હેલ્થ

આપણા હેલ્ધી વિચારો આપણને માનસિક રીતે હેલ્ધી રાખે છે. જીવનમાં જે પણ કંઈ આવે એનો પૉઝિટિવલી સ્વીકાર કરવાની તૈયારી રાખીએ તો ચિંતા નથી થતી. મને વાંચનનો પુષ્કળ શોખ છે. લેખનમાં પણ આગળ વધી રહ્યો છું. કવિ રાજેન્દ્ર શુક્લની એક કાવ્યપંક્તિ વષોર્ પહેલાં મેં ક્યાંક વાંચી હતી એને આત્મસાત્ કરી જીવનમાં ઉતારવાની મારી યાત્રા છે. એના શબ્દો કંઈક આવા હતા...

નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈની નહીં

હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું

ફાસ્ટ ફાઈવ

સીક્રેટ

સદાય ખુશ રહેવું

વીકનેસ

ચા

સ્ટ્રેન્ગ્થ

પૉઝિટિવ અપ્રોચ

પ્રેરણા

મારાથી મોટી ઉંમરના સ્વસ્થ સાથી કલાકારો

ગૉડ-ગિફ્ટ

સ્ટૅમિના