દરરોજ સવારે કરો કલરફુલ બ્રેકફાસ્ટ

02 August, 2012 06:27 AM IST  | 

દરરોજ સવારે કરો કલરફુલ બ્રેકફાસ્ટ

પલ્લવી આચાર્ય

ઑફિસથી ઘરે આવતાં રાત્રે મોડું થઈ જાય એટલે સવારે જલદી ઉઠાય નહીં. રોજ ઑફિસ જવામાં લેટ થતું હોય એટલે ઉતાવળે બ્રેકફાસ્ટ કરી લેવાનો અથવા એક હાથમાં ફોન પર કામ ચાલુ કરી દેવા સાથે ફટાફટ મોમાં થોડું કંઈ મૂકી દેવાનું...

આજકાલ દરેકના ઘરનો આ સામાન્ય સીન બની ગયો છે. કેટલાક લોકોને તો આવી રીતે પણ સવારનો નાસ્તો કરવાનો સમય નથી હોતો, કેટલાક લોકોને સવારે નાસ્તો કરવાની ટેવ જ નથી હોતી; પણ જેને શિરામણ કહે છે એ સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે કેટલો જરૂરી છે, સવારે નાસ્તો નહીં કરીને તમે શું ગુમાવો છો, નાસ્તો કેવો અને કેટલો કરશો વગેરે વિશે જણાવે છે જાણીતાં ડાયેટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા.

 સવારે નાસ્તો શા માટે?

 બ્રેકફાસ્ટનું મહત્વ એટલું બધું છે કે એ મેઇન મીલ ઑફ ધ ડે કહેવાય છે એટલે કે આખા દિવસ દરમ્યાનના ભોજનમાં એ મુખ્ય ગણાય છે. રાત્રે જમ્યા પછી સાતથી આઠ કલાક સતત કઈં ખાધુ ન હોવાથી પણ સવારનો બ્રેકફાસ્ટ જરૂરી છે. જાગ્યા પછી સૌથી પહેલાં તમે જે ખોરાક લો છો એને તમારું શરીર સૌથી વધુ ઍબ્સૉર્બ કરે છે. શરીરની એ ડિમાન્ડ હોય છે અને એની ડિમાન્ડ પ્રમાણે તમે આપો ત્યારે એ ઍબ્સૉર્બ થવાનું જ છે.

હેલ્ધી બ્રેકફાસ્ટ

આજકાલ મોટા ભાગના લોકો બ્રેકફાસ્ટ નથી કરતા અથવા તો એક ગ્લાસ દૂધ પીએ છે. બાળકો પણ સવારે માત્ર દૂધ પીને જ સ્કૂલમાં જતાં રહે છે એ ખોટું છે. કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં દૂધ અને કૉર્નફ્લેક્સ જ લે છે તો કેટલાક લોકો માત્ર બ્રેડ-બટર કે ટોસ્ટ જ લે છે. સવારના નાસ્તામાં એવી ચીજો લો કે જે હેલ્ધી હોય. એમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર તથા પુષ્કળ પ્રમાણમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોવાં જ જોઈએ.

નાસ્તામાં શું લેશો?

બ્રેકફાસ્ટમાં એવી ચીજો લો જેમાં શાકભાજીનો ઉપયોગ ભરપૂર થયો હોય. ઉપમા કે પૌંઆ બનાવો તો એમાં પણ વેજિટેબલ્સનું પ્રમાણ વધુ રાખો. ઉપમા ઓટ કે ફાડાનો પણ બનાવી શકાય. મગની દાળના પૂડલા કે હાંડવો અને રવા કે ઓટના ઉત્તપમ બનાવો. એમાં પણ કોબી, વટાણા, ગાજર, ફણસી, ટમેટાં વગેરે વધુ નાખો. ઈડલી વેજિટેબલ સ્ટફ્ડ લો. ઉપરાંત કોબી, દૂધી, મેથી, પાલકનાં મૂઠિયાં, થેપલાં કે સ્ટફ પરોઠાં બનાવી શકાય. ખાખરા સાથે બાફેલા મગ, ફણગાવીને બાફેલાં કઠોળ, ત્રણથી ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલાં થેપલાં વગેરે લઈ શકાય.

રંગોનું મહત્વ

બ્રેકફાસ્ટ કલરફુલ હોવો જોઈએ. જો એમ હશે તો આખા દિવસનો મૂડ બની જશે. આવો બ્રેકફાસ્ટ જોવો ગમશે એ તો ખરું જ, પણ હેલ્ધી પણ વધુ રહેશે. દાડમ, ફણગાવેલાં કઠોળ, મકાઈના દાણા, ટમેટાં, કૅપ્સિકમ વગેરે નાખીને નાસ્તો બનાવ્યો હશે તો કલરફુલ લાગશે. સવારના નાસ્તામાં એવી ચીજો લેવી જોઈએ જે હેલ્ધી હોય.

ફાયદા જ ફાયદા

બ્રેકફાસ્ટ સારો હશે તો આખો દિવસ ભૂખ નહીં લાગ્યા કરે. બપોરના ભોજન કરતાં પણ સવારના નાસ્તાનું ખૂબ મહત્વ છે, કારણ કે એનાથી તમે આખો દિવસ એનર્જી ફીલ કરશો તેમ જ ઍસિડિટી અને કબજિયાતની તકલીફ નહીં રહે.

બ્રેકફાસ્ટ ન લેવાના ગેરફાયદા

એકાગ્રતા ઘટે, મગજ શાંત ન રહી શકે - ગુસ્સો જલદી આવે, બીએમઆર (મેટાબોલિક રેટ) ઘટે. ઍસિડિટી થાય, કારણ કે પેટમાં સતત ઍસિડ પેદા થતો હોય છે જ; પણ તમે ખાઓ ત્યારે એ ખોરાક સાથે ભળી જાય છે. જોકે લાંબા સમય સુધી પેટમાં કંઈ ન ગયું હોય તો એ વધી જાય છે અને પછી ખાઓ ત્યારે ઉપર આવે, જે ઍસિડિટી છે. ગૅસ થાય, કબજિયાત થાય, વજન વધવા લાગે, યાદશક્તિ ઓછી થાય, ઉશ્કેરાઈ જવાય, મૂડ સ્વિંગ થાય. શરીરની સરેરાશ ઍક્ટિવિટી ધીમી પડી જાય.

તો આજથી બ્રેકફાસ્ટ કરવાનું નહીં ભૂલોને?

પ્રમાણ કેટલું?

તમારા આખા દિવસના ભોજનના એક-તૃતીયાંશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જોઈએ. સામાન્ય રીતે એક વાટકી બાફેલા મગ સાથે બે ખાખરા અથવા તો એક પ્લેટ ઇડલી, ઉપમા કે પૌંઆ વગેરે પૂરતાં છે. ઘણા લોકો પેટ ભરીને તળેલી ચીજો નાસ્તામાં લે છે એ હરગિજ યોગ્ય નથી