પવન અને માર્બલની ઠંડકને કારણે શરદી અને ઘૂંટણનો દુખાવો થાય છે

21 October, 2011 06:16 PM IST  | 

પવન અને માર્બલની ઠંડકને કારણે શરદી અને ઘૂંટણનો દુખાવો થાય છે

 

ડૉ. રવિ કોઠારી - બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ : મારી ઉંમર ૬૩ વર્ષ છે. શરીરમાં મોટી કોઈ બીમારી નથી, માત્ર શરદી અને ઘૂંટણનો દુખાવો રહે છે. ઊંચા માળે ઘર છે ને ક્યારેક લિફ્ટ બંધ હોય તો તકલીફ પડે છે. ઘરની પાછળ જ પહાડી અને ખુલ્લો વિસ્તાર છે એટલે ઠંડો પવન ખૂબ આવે છે. આ ઉંમરે એટલો પવન અને ઠંડી પણ સહન નથી થતી. રોજ પલાંઠી વાળીને માળા કરવા બેસું એ પછીથી ડાબો પગ દુખવા ચડે છે. ઊઠતી વખતે તો રામ યાદ આવી જાય. વારેઘડીએ શરદી પણ થઈ જાય છે. બાકી ઘરનું કામ કરવામાં ખાસ અગવડ નથી પડતી. ઠંડા માર્બલ નાખ્યા હોવાથી ચાલતી વખતે પણ ઠંડક શરીરમાં જાય છે. શું ઠંડકને કારણે જ પગનો દુખાવો હશે કે પછી મને સંધિવાની તકલીફ હશે? 

જવાબ :  વધુપડતી ઠંડકને કારણે શરીરમાં વાયુ વધે છે. વાયુનું સ્થાન અસ્થિ અને સાંધામાં રહે છે. વાયુ વધવાને કારણે શરીરમાં દુખાવો વધે છે. તમે પલાંઠી વાળીને જમીન પર બેસી શકો છો એ સારી વાત છે. જોકે એમ કરવામાં વધુ દુખાવો થતો હોય તો ખુરશી પર કે પલંગ પર જ માળા કરવા બેસવું ઠીક રહેશે.

આ વર્ષની ઉંમરે શરીરમાં આમેય વાયુનું પ્રમાણ વધારે રહે છે. એટલે વાયુ પેદા કરે એવી ચીજો ન લો. જેમ કે બટાટા, વટાણા, ચણા, કાકડી, અથાણાં, પાપડ અને મેંદાની ચીજો ન લેવી. ઘરમાં ફરતી વખતે કપડાં કે જૂટનાં આંગળાં ઢંકાય એવાં સ્લિપર્સ પહેરીને ફરવાનું રાખો.

તમારે યોગરાજ ગૂગળ અથવા તો મહાયોગરાજ ગૂગળની બે-બે ગોળી દિવસમાં ચાર વાર લેવી. કબજિયાત ન થાય એ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં એક ચમચી ગંધર્વ હસ્તાદિકશાય ગરમ પાણી સાથે લેવો. એનાથી થોડાક લૂઝ મોશન થાય તો ચિંતા કરવી નહીં. મળ વાટે આમ બહાર નીકળી જશે. ઘૂંટણ પર સવાર-સાંજ બે વાર નિર્ગુંડી અને બલા તેલ મિક્સ કરી હૂંફાળું ગરમ કરીને માલિશ કરવું. માલિશ પછી ગરમ પાણીનો શેક કરવો અથવા તો ગરમ પાણીમાં બોળેલો ટુવાલ લગાવવો.