ચ્યવનપ્રાશ કઈ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે?

15 November, 2021 12:07 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

આજકાલ જાહેર ખબરો આવે છે એ મુજબ બાળકોએ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. ચ્યવનપ્રાશ ખરેખર કઈ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે એ જણાવવા વિનંતી.   

પ્રતીકાત્મક તસવીર

હું ૪૨ વર્ષનો છું. મને યાદ છે કે મારા દાદા વર્ષો સુધી ચ્યવનપ્રાશ ખાતા હતા. તેમના ગયા પછી ઘરમાં ચ્યવનપ્રાશ આવવાનું બંધ થઈ ગયું છે. આજકાલ જાહેર ખબરો આવે છે એ મુજબ બાળકોએ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. ચ્યવનપ્રાશ ખરેખર કઈ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે એ જણાવવા વિનંતી.   

ચ્યવનપ્રાશની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાં અકાળ વૃદ્ધત્વને રોકવા માટે કરવામાં આવી હતી. ચ્યવનપ્રાશ મુખ્યત્વે એક ઍન્ટિ-એજિંગ સપ્લિમેન્ટ છે. એ કોષોની વધતી ઉંમરને રોકે છે. શરીરના ટિશ્યુના સ્વાસ્થ્યને સુધારે છે, ચામડીને ફ્રી રેડિકલ ડૅમેજથી બચાવે છે, પાચનની પ્રક્રિયાને સુધારે છે અને શરીરના દરેક કોષને વધુ ઑક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ છે. એ માનસિક ઉંમરને પણ રોકે છે એટલે કે યાદશક્તિ, એકાગ્રતા અને અલર્ટનેસ વધારે છે. સેક્સ્યુઅલ સ્ટેમિના પણ વધારે છે. શરીરની ઉપર દેખાતી ઉંમર જ નહીં, શરીરના અંદરના ભાગોની ઉંમરને પણ રોકી શકવાની ક્ષમતા એ ધરાવે છે. લોહીની નળીઓ જે ઉંમરને કારણે નબળી પડી ગઈ હોય છે એ નળીઓનું સ્વાસ્થ્ય પણ એનાથી સુધરે છે. આમ જુઓ તો ફિઝિકલ, મેન્ટલ અને સેક્સ્યુઅલ એમ ત્રણેય પ્રકારના વૃદ્ધત્વને રોકવામાં ચ્યવનપ્રાશ ઉપયોગી છે. 
ચોક્કસ એના ફાયદાઓ અઢળક છે અને નુકસાન મોટા ભાગે નથી જ માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે એ લઈ શકે છે. જોકે બાળકોને ચ્યવનપ્રાશ ખવડાવવાનો ખાસ અર્થ સરતો નથી. તેમની ઇમ્યુનિટી વધારવા માટે બીજી ઘણી રીતો છે. છતાં બાળકોને એ નુકસાન તો નથી કરતું અને ફાયદા માટે તેમને એ ખવડાવવું જ હોય તો પાંચ વર્ષથી મોટાં બાળકોને એ ખવડાવી શકાય. એ પણ અડધી ચમચી ઘણું થઈ પડે. જાહેરાતોમાં જે ઇમ્યુનિટી વધારવા માટે બાળકોને ચ્યવનપ્રાશ ખાવાની વાત છે એ એક માર્કેટિંગ ગિમિકથી વધુ કંઈ નથી. આદર્શ રીતે ૪૦ વર્ષની ઉંમર પછીનાં સ્ત્રી અને પુરુષે નિયમિતરૂપે એ લેવું જોઈએ. ઋતુ પ્રમાણે જોઈએ તો શિયાળામાં ચ્યવનપ્રાશ બધા જ લોકો લઈ શકે છે. છતાં એની માત્રા અને જરૂરિયાત બંને એક વખત વૈદ્યની સલાહ મુજબ નક્કી કરવી વધુ સારી રહેશે. સવારે ઊઠ્યા પછી ચ્યવનપ્રાશ ખાઈને અડધો કલાક પછી એક ગ્લાસ ગરમ દૂધ લઈ શકાય છે. ઘણા લોકો એની સાથે જ દૂધ લેતા હોય છે. 

health tips columnists