ઓરી-અછબડા જેવો જ બાળકોને થતો એક ચેપી રોગ એટલે હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ

29 October, 2014 05:19 AM IST  | 

ઓરી-અછબડા જેવો જ બાળકોને થતો એક ચેપી રોગ એટલે હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ




જિગીષા જૈન

જેમ-જેમ સમય બદલાતો જાય છે તેમ-તેમ બીમારીઓ પણ બદલાતી જાય છે. અમુક બીમારીઓ ધારવા કરતાં વધુ જલદી ફેલાવા માંડે છે તો અમુક બીમારીઓ પહેલાં કરતાં વધુ પ્રબળ બનીને સામે આવે છે. સપ્ટેમ્બરની શરૂઆતથી એટલે કે લગભગ છેલ્લા બે મહિનાથી મુંબઈમાં એક વાઇરલ ડિસીઝ ફેલાઈ રહ્યો છે જે નાનાં બાળકોને ખૂબ વધારે અસર કરી રહ્યો છે. એ છે હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ. આ રોગ નવો તો નથી, પરંતુ આ વર્ષે જે રીતે એ મુંબઈ પર ત્રાટક્યો છે એ જોતાં કહી શકાય કે એની અસર અને પ્રકૃતિ વધુ ગહેરી જણાઈ રહી છે. ખાસ કરીને આ એક ચેપી રોગ છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ત્રણ વર્ષથી નાનાં બાળકોને આ રોગ ખૂબ ઝડપથી પોતાના કાબૂમાં લે છે, જ્યારે પાંચ વર્ષથી નાનાં બાળકોમાં જ આ રોગ જોવા મળે છે. પુખ્ત વયના લોકોને પણ આ રોગ થવાની શક્યતા નહીંવત્ છે. સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈના લોકો માટે આ રોગ નવો છે એટલે એના વિશેની જાગૃતિ પણ તેમનામાં ઘણી ઓછી જોવા મળે છે. નિષ્ણાત ડૉક્ટરોના મતે જો લોકોમાં જાગૃતિ લાવી શકાય તો આ ચેપી રોગને ફેલાતો પણ અટકાવી શકાય. આ ઉપરાંત આ રોગને લઈને લોકોમાં જે શંકાઓ છે એ પણ દૂર થવી ખૂબ જ જરૂરી છે. આજે જાણીએ આ કયા પ્રકારનો રોગ છે અને એનો ઇલાજ શું હોઈ શકે છે.

લક્ષણો

કોક્સસેકી વાઇરસ ખ્૧૬ આ રોગ માટે જવાબદાર વાઇરસ છે જે શરીરમાં જઈને ખૂબ જલદી પોતાની અસર બતાવે છે. એક રીતે જોઈએ તો ઓરી અને અછબડા જેવો જ આ રોગ છે. એનાં લક્ષણોની સ્પક્ટતા કરતાં કેમ્પ્સ કૉર્નરમાં ચિયર્સ ચાઇલ્ડ કૅરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ રોગમાં પહેલા બે દિવસ બાળકને તાવ આવે છે અને સાથે-સાથે લાગે છે કે તેનું ગળું ખરાબ છે. બાળક ખૂબ જ ચીડિયું બની જાય છે. આ લક્ષણો પરથી લાગે કે તેને નૉર્મલ વાઇરલ પ્રૉબ્લેમ છે. જોકે બે દિવસ પછી તેના શરીરે ખાસ કરીને પગનાં તળિયાંમાં, હાથની હથેળીમાં અને મોઢામાં અંદર અને બહાર બન્ને જગ્યાએ ફોલ્લા થઈ જાય છે કે કહીએ તો ચાંદાં પડી જાય છે. ઘણી વાર બાળકને પાછળ કૂલા પર અને ગોઠણ પર પણ ફોલ્લાઓ જોવા મળે છે. આ ફોલ્લાઓ દેખાવમાં ચિકનપૉક્સ એટલે કે અછબડા જેવા જ દેખાય છે. આ લક્ષણો સાત દિવસ સુધી દેખાય છે અને એની મેળે જ એ દૂર થઈ જાય છે.’

પ્રૉબ્લેમ્સ

સૌથી મહત્વની વાત એ છે કે આ ફોલ્લાઓને કારણે બાળકને અનહદ ખંજવાળ આવે છે જેને તે રોકી શકતું જ નથી. એને લીધે તે ખૂબ જ પેઇનમાં રહે છે, ચીડિયું થઈ જાય છે અને સતત રડતું રહે છે. શરૂઆતના એક-બે દિવસ તો ખ્યાલ જ નથી આવતો કે બાળક આટલું બધું કેમ રડે છે. વળી જે બાળકો બોલી શકતાં નથી તેમની જોડે વધુ પ્રૉબ્લેમ થાય છે. સાથે-સાથે જે બાળકો ચાલી શકે છે તેમના પગનાં તળિયાંમાં ફોલ્લા થયા હોવાથી તે ચાલવાનું ટાળે છે. આ રોગમાં બાળકના પેરન્ટ્સ જે સૌથી વધુ ચિંતા કરે છે એના વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ રોગની શરૂઆતનાં લક્ષણોમાં લાગે કે બાળકને ગળાનું ઇન્ફેક્શન થયું છે, પરંતુ હકીકતમાં તેના ગળામાં ચાંદાં પડ્યાં હોય છે. આથી બાળક કંઈ જ ખાઈ નથી શકતું. ખાસ કરીને બે-ત્રણ દિવસ તો તે કશું પણ ખાવાની ના જ પાડે છે. જો ખવડાવો તો તેને ઊલટી થઈ જાય એવું પણ બને. એને લીધે પેરન્ટ્સ વધુ ચિંતા કરે છે.’

કઈ રીતે ફેલાય?

આ એક ચેપી રોગ છે. નાનાં બાળકો જ્યારે રોગી બાળકના સંપર્કમાં આવે ત્યારે તેમને આ રોગ તરત જ થઈ જાય છે. આથી જ્યારે તમારા બાળકને આ રોગ થાય ત્યારે તેને આંગણવાડી કે પ્લે-સ્કૂલમાં ન મોકલવું. કોઈ પણ કારણસર તેને તેની ઉંમરનાં બાળકોથી બે અઠવાડિયાં સુધી દૂર રાખવું, જેથી બીજાં બાળકોને આ રોગ ન થાય. ઓરી-અછબડાની જેમ જ આ રોગ ખૂબ જલદી ફેલાય છે. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એક પ્રૉબ્લેમ એ છે કે શરૂઆતના એક-બે દિવસ જેમાં તાવ અને ગળું ખરાબ હોવાનાં માઇનર લક્ષણો દેખાતાં હોય અને ત્યારે પણ આ રોગી બાળક બીજાં બાળકોના સંપર્કમાં આવે, તેમને અડે તો આ રોગ થવાની પૂરી શક્યતા છે. એનો અર્થ એ થયો કે આ રોગ થયો છે એવી જાણકારી જ મા-બાપને હોતી નથી તેથી નૉર્મલ વાઇરલ સમજીને તેઓ બાળકને સ્કૂલમાં મોકલે છે અને એને કારણે જ છેલ્લા કેટલાક વખતથી મુંબઈમાં આ રોગ ફેલાયો છે. સાવચેતી રાખીને જો બાળકને થોડોક પણ તાવ હોય, થોડુંક ગળું ખરાબ હોય અથવા ચીડિયું લાગતું હોય તો પણ તેને ઘરની બહાર ન નીકળવા દેવું જ યોગ્ય છે.’

ઇલાજ

સૌથી મહત્વની વાત એ છે કે આ રોગનો કોઈ ખાસ ઇલાજ નથી. જે ફોલ્લા પડી ગયા છે એના પર કેલામાઇન લોશન લગાડવા માટે આપવામાં આવે છે જેથી ત્વચા પર ઠંડક જળવાઈ રહે અને બાળકને થોડો આરામ મળે. તાવ આવે નહીં એના માટે ક્રોસિન જેવી પૅરાસિટામોલ દવા અને વધુ આપવી હોય તો ખંજવાળ માટે ઍન્ટિ-ઈચિંગ કે ઍન્ટિ-ઍલર્જિક દવા પણ આપવામાં આવે છે જે આ રોગનાં લક્ષણોને સહન કરવાની શક્તિ આપે છે. બાકી આ રોગ એની જાતે જ સાત દિવસમાં નાબૂદ થઈ જાય છે. આ સિવાય ખાસ કંઈ ધ્યાન રાખવાનું પણ હોતું નથી. એના માટે કોઈ ખાસ દવા પણ અપાતી નથી. આ રોગમાં બાળકે અમુક હદ સુધીની પીડા સહન કરવી જ પડે છે. વળી આ રોગથી બચવા માટે કોઈ વૅક્સિન પણ નથી.

શું ખાવું?

આવી પરિસ્થિતિમાં ધ્યાનમાં એ રાખવું કે બાળકને મસાલાવાળો તીખો ખોરાક ન આપવો. સાથે-સાથે લીંબુ, સંતરાં જેવાં ખાટાં ફાળો પણ ન આપવાં જે ચાંદાં પર લાગે તો એ વધુ ચચરે અને વધુ પીડા થાય. આ પરિસ્થિતિમાં શું ખાઈ શકાય એ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘કોઈ પણ વસ્તુ જે ઍસિડિટી કરી શકે અને પોતે ઍસિડ હોય એવો ખોરાક આપવાનું ટાળવું. આ કન્ડિશનમાં બાળકને ગળેલી ખીચડી કે ભાત આપી શકાય. આઇસક્રીમ પણ ખવડાવી શકાય જેથી તેને ગળામાં સારું લાગે. આ ઉપરાંત બરફ ચૂસવા આપી શકાય અને મધ જેવી સ્નિગ્ધ વસ્તુઓ પણ ચટાડી શકાય.’