યુવરાજ માટે સંજીવની બનેલી કીમોથેરપી વિશે એ ટુ ઝેડ

19 December, 2012 06:34 AM IST  | 

યુવરાજ માટે સંજીવની બનેલી કીમોથેરપી વિશે એ ટુ ઝેડ



જિગીષા જૈન

છેલ્લા એક દશકથી કૅન્સરને જોવા અને જાણવાની દૃષ્ટિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. પહેલાં લોકો તેને મહાભયાનક અને જીવલેણ રોગ તરીકે ઓળખતા હતા. કૅન્સરના નામમાત્રથી જ ડરતા હતા એ ડર હવે ધીરે-ધીરે દૂર થઈ રહ્યો છે અને ઓવરઑલ આ રોગનો હિંમતભેર સામનો કરવાની સમજ લોકોમાં વિકસતી દેખાય છે. જેનું શ્રેય કૅન્સર સામે લડી જિંદગીને જીતી જનારા લોકોને જાય છે.

ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમૅન યુવરાજ સિંહ થોડા સમય પહેલાં જ કીમોથેરપીના સેશન્સ લઈને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ક્રિકેટ ફીલ્ડ પર પાછો ફર્યો. ઍક્ટર મનીષા કોઈરાલાને પણ હમણાં કૅન્સર ડિટેક્ટ થતાં મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આમ તો કૅન્સરના ઇલાજ માટે અલગ-અલગ ટ્રીટમેન્ટ જેવી કે સર્જરી, રેડિયેશન, કીમોથેરપી, ઇમ્યુનોથેરપી, હૉર્મોનથેરપી અને જીનથેરપીનો ઉપયોગ ડૉક્ટર્સ કરતા હોય છે, પરંતુ જેવું કૅન્સરનું નામ લઈએ કે તેના ઇલાજ માટે સર્વસામાન્ય નામ મગજમાં આવે એ છે કીમોથેરપી. આ નામ ઘણું પ્રચલિત છે, પરંતુ એના વિશે બધાને માહિતી હોતી નથી.

હિન્દુજા હૉસ્પિટલના ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ તથા કન્સલ્ટન્ટ ઑન્કોલૉજિસ્ટ ડૉ. આશા કાપડિયા પાસેથી જાણીએ કીમોથેરપીની વિગતવાર માહિતી.

થેરપીમાં હોય શું?

કૅન્સરમાં શરીરના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે, જે આગળ જતાં ટ્યુમરનું નર્મિાણ કરે છે. આ કોષોને કૅન્સરસેલ્સ કહે છે. આ કોષો એટલે કે કૅન્સર સેલ્સ જ કૅન્સર પાછળનું મૂળ કારણ છે. કીમોથેરપી એ કૅન્સરની એક પ્રકારની ટ્રીટમેન્ટ છે જેમાં દવાઓ દ્વારા આ કૅન્સર સેલ્સનો નાશ કરવામાં આવે છે. આ કૅન્સર સેલ્સ શરીરમાં ખૂબ ઝડપથી બેવડાઈને વૃદ્ધિ પામે છે. કીમોથેરપીમાં વપરાતી દવાઓનું કામ આ વૃદ્ધિને સંપૂર્ણપણે અટકાવવાનું અથવા તો એની ઝડપને ઓછી કરવાનું હોય છે.

કઈ રીતે ઉપયોગી?

ઘણા કેસમાં કીમોથેરપી એકલા જ કૅન્સરને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકે છે તો કેટલાક કેસમાં તેને રેડિયોથેરપી કે સર્જરીની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વખત સર્જરી દ્વારા ટ્યુમર કાઢી નાખ્યા બાદ કૅન્સર ફરીથી ન થાય એ માટે પણ કીમોથેરપીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કૅન્સરના ઍડવાન્સ સ્ટેજના પેશન્ટ્સ માટે જેમના માટે સંપૂર્ણપણે સાજા થવું મુશ્કેલ છે તેમને અમુક લક્ષણો ઘટાડવા અને કૅન્સરના પ્રોગ્રેસને ધીમું પાડવા માટે પણ કીમોથેરપીનો ઉપયોગ થાય છે.

બે પ્રકાર

ઍડવાન્સ મેડિકલ ટ્રીટમેન્ટમાં આજે ૧૦૦થી વધુ પ્રકારની દવાઓ કીમોથેરપી માટે ઉપલબ્ધ છે જે મોટા ભાગના કૅન્સરને ઠીક કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કીમોથેરપીમાં બે પ્રકારની થેરપી હોય છે - મૉનોથેરપી કે જેમાં દર્દીને એક જ દવા આપવામાં આવે છે અને બીજી કૉમ્બિનેશનથેરપી કે જેમાં દર્દીને એક કરતાં વધારે પ્રકારની દવાઓ આપવામાં આવે છે. એ થેરપી નક્કી કરવા માટે પેશન્ટને કયા ભાગમાં કૅન્સર છે. કેટલે અંશે એ શરીરમાં ફેલાયેલું છે અને બીજા કયા પ્રકારના હેલ્થ કૉમ્પ્લીકેશન દર્દીને છે એ જાણ્યા બાદ ડૉક્ટર નક્કી કરે છે કે તેને મોનોથેરપી આપવી કે કૉમ્બિનેશનથેરપી.

કેવી રીતે અપાય?

મોટા ભાગના કેસમાં મોઢેથી લેવાની દવારૂપે અથવા સ્નાયુ કે નસમાં ઇન્જેક્શનરૂપે કૅન્સરવિરોધી દવા કીમોથેરપીમાં અપાય છે. ઘણા લોકો આ થેરપી પોતાને ઘરે લે છે તો કેટલાક પોતાના ફૅમિલી ડૉક્ટરના દવાખાને. સારવાર શરૂ થતી હોય ત્યારે કેટલીક વાર અલ્પ સમય માટે અથવા તો થોડા દિવસો દર્દીએ હૉસ્પિટલમાં રહેવું પડે છે, જેથી કીમોથેરપીની દવાની દર્દી પર કેવી અસર થઈ રહી છે એ જોઈ શકાય અને એ મુજબ ડોઝનું પ્રમાણ નક્કી કરી શકાય.

પહેલાં જરૂરી બ્લડ ટેસ્ટ

કીમોથેરપી લેતાં પહેલાં દર્દીનો બ્લડ ટેસ્ટ કરીને તેના બીજા હેલ્થ પ્રૉબ્લેમ્સ જાણવા જરૂરી બને છે, જેથી કીમોથેરપી અને તેની સાઇડ ઇફેક્ટ્સ તે જીરવી શકશે કે નહીં એ નક્કી થઈ શકે.

લિવર અને કિડની


બ્લડ ટેસ્ટ દ્વારા લિવર કે કિડનીમાં કોઈ પણ પ્રકારના પ્રૉબ્લેમ્સ હોય તો એ જાણી શકાય છે. કીમોથેરપી વખતે તેમાં વપરાતી દવાઓ લિવર અને કિડનીમાં જાય અને જો એ બરાબર ફંક્શન ન કરતું હોય તો આ દવાઓ કિડની અને લિવરને નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ ટેસ્ટ દ્વારા જાણવામાં આવે કે કિડનીમાં પ્રૉબ્લેમ છે કે લિવર બરાબર કામ કરતું નથી તો તેમને નુકસાન ન પહોંચાડે તેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લડ કાઉન્ટ

કીમોથેરપી પહેલાં બ્લડ કાઉન્ટ જાણવા જરૂરી છે, કારણ કે થેરપી દરમ્યાન લાલ રક્તકણો, સફેદ રક્તકણો તથા પ્લેટ લેટ્સમાં ઘટાડો થાય છે. જો કીમોથેરપી પહેલાં બ્લડ કાઉન્ટ ઓછા હોય તો ડૉક્ટર ટ્રીટમેન્ટ થોડી ડીલે કરવાનો નિર્ણય લઈ શકે છે.

કીમોથેરપી દરમ્યાન પણ સતત બ્લડ કાઉન્ટ અને લિવર તથા કિડનીની કન્ડિશન પર ચાંપતી નજર રાખવા માટે વારંવાર બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે.

આરામ અત્યંત જરૂરી

મોટા ભાગના કેસમાં ત્યારે જ સારું રિઝલ્ટ મળે જ્યારે કીમોથેરપી થોડા-થોડા સમયે બરાબર મળતી રહે. એટલા માટે જ મોટા ભાગે ડૉક્ટર્સ કીમોથેરપી શરૂ કરતાં પહેલાં જ ટ્રીટમેન્ટ સેશન્સનો આખો ચાર્ટ તૈયાર કરતાં હોય છે, જેમાં ટ્રીટમેન્ટ કેટલી લાંબી અને કેટલા સમયના અંતરે દેવામાં આવશે એ નક્કી કરવામાં આવે છે. જોકે ક્યારેક પેશન્ટ ટ્રીટમેન્ટને રિસ્પૉન્ડ કઈ રીતે કરે છે એ બાબત ચકાસી પ્લાનમાં થોડા ઘણા ફેરફાર શક્ય પણ હોય છે. ઘણી વખત એક દિવસ તો ક્યારેક થોડાં અઠવાડિયાં સુધી ચાલતા આ કીમોથેરપીના ર્કોસ દર્દીની હાલત પર નિર્ભર હોય છે. કીમોથેરપી લીધા બાદ શરીરની રિકવરી માટે રેસ્ટ પિરિયડ ખૂબ જરૂરી હોય છે. આ રેસ્ટ પિરિયડ દરમ્યાન જ બૉડી રિકવર થાય છે. જેમ કે ઘણા કેસમાં એક દિવસ ટ્રીટમેન્ટ લીધા પછી એક અઠવાડિયાનો રેસ્ટઆપવામાં આવે છે પછી ફરી એક દિવસ ટ્રીટમેન્ટ લઈ ત્રણ અઠવાડિયાંનો રેસ્ટ જરૂરી હોય છે. આ પ્રકારે ઘણી બધી વાર થેરપી રિપીટ કરવામાં આવે છે.

(આવતી કાલે જોઈશું કીમોથેરપીની શરીર પર થતી આડઅસરો)