બાળક નબળું છે? તો ખવડાવો ગાજરનો હલવો

08 December, 2011 08:09 AM IST  | 

બાળક નબળું છે? તો ખવડાવો ગાજરનો હલવો



(સેજલ પટેલ)

આજકાલ ગાજર ઢગલાબંધ આવે છે. આપણે ત્યાં ગાજર લાલ અને કેસરી એમ બે રંગનાં હોય છે. બન્ને ગુણમાં સરખાં જ હોય છે. ગાજરમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ, તાંબું, મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ તથા એ, બી-૧, સી જેવાં વિટામિન્સ રહેલાં છે. પ્રોટીન અને ગ્લુકોઝ પણ સારીએવી માત્રામાં છે. ગાજર મધુર, ગરમ, તીક્ષ્ણ, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ રક્તપિત્ત, હરસ અને સંગ્રહણી મટાડે છે. અંગ્રેજીમાં કૅરટ અને સંસ્કૃતમાં ગર્જર તરીકે ઓળખાતા આ કંદમૂળનું શિયાળામાં નિયમિત સેવન ખૂબ ગુણકારી ગણાય છે.

બાળકો માટે ઉત્તમ

નાનાં બાળકોની હાઇટ, વેઇટ અને બૌદ્ધિક વિકાસ માટે ગાજરનો હલવો શ્રેષ્ઠ મીઠાઈ ગણાય છે. એનાથી મગજને જરૂરી ગ્લુકોઝ ઉપરાંત હાડકાંના વિકાસ માટે જરૂરી મિનરલ્સ તેમ જ વિટામિન્સ પણ મળે છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર પચાસ ગ્રામ જેટલો ગાજરનો હલવો બાળકને આપી શકાય.

બાળકને રાતે પથારીમાં પેશાબ કરવાની તકલીફ હોય કે ટૉઇલેટમાં સૂતરિયા કૃમિ જતા હોય તો રોજ પા કપ ગાજરનો રસ સવારે પિવડાવવો. મોટી ઉંમરે કૃમિની તકલીફ હોય તો બસોથી અઢીસો ગ્રામ કાચાં ગાજર ચાવીને ખાવાં.

જ્ઞાનતંતુની નબળાઈ હોય, ઓછી યાદશક્તિ હોય અથવા ચક્કર કે અંધારાં આવવાની તકલીફ હોય તો ગાજરનો ખડીસાકરમાં બનાવેલો મુરબ્બો રોજ સવારે પાંચ ગ્રામ જેટલો લેવાથી ફાયદો થાય છે.

વારંવાર કાકડા ફૂલી જતા હોય એવાં બાળકોને પા કપ ગાજરના રસમાં અડધી ચમચી હળદર અને ચપટી નમક નાખીને પિવડાવવાથી ફાયદો થાય છે.

વૃદ્ધાવસ્થા ટાળે

ગાજર માત્ર બાળકો કે યુવાનો માટે જ નહીં, પ્રૌઢો માટે પણ સંજીવની સમાન છે. દાદા-દાદીઓ તેમનાથી ચવાય એટલાં કાચાં ગાજર ખાવાનું અથવા તો ગાજરનો હલવો બનાવીને ખાવાનું રાખે તો એનાથી ઝડપથી આવતી વૃદ્ધાવસ્થા અટકે છે, ચામડીમાં કરચલી ઓછી પડે છે, શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ ખૂબ જ વધે છે. એ ઉપરાંત પાચનતંત્ર સુધરશે અને હાડકાંની નબળાઈઓ ધીમી પડશે.

અન્ય રોગોમાં ગાજર

ઍસિડિટી : અતિશય ઍસિડિટી રહેતી હોય અથવા તો પેટમાં અલ્સર થયું હોય ત્યારે બીજું બધું જ ખાવાનું બંધ કરીને આખા દિવસમાં ૫૦૦ ગ્રામ ગાજર ચાવીને ખાવાથી ખાટા ઓડકાર, ઊલટી, છાતીમાં બળતરા મટી જાય છે. રાતે હરડેનું ચૂર્ણ લેવાથી વધુ અસર થશે.

સંધિવા : સાંધામાં દુખાવો રહ્યા કરતો હોય તો એક કપ ગાજરના રસમાં એક ચમચી આદુંનો રસ નાખીને સવારે નરણા કોઠે ત્રણ મહિના સુધી પીવાથી ફાયદો થાય છે. આ સાથે રોજ રાતે હીમજની ફાકી ગરમ પાણીમાં લેવી.

ક્ષય અને કૅન્સર : ટીબી જેવા રાજરોગમાં શરીર સાવ કંતાઈ જાય છે. આવા દરદીઓને દવાની સાથે નિયમિત ગાજર ખવડાવવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય છે તથા ક્ષય રોગનું ઇન્ફેક્શન ઝડપથી મટે છે. કૅન્સરના દરદીઓને પણ દવાની સાથે ગાજરનો રસ આપવાથી ફાયદો થાય છે.

દાંતની મજબૂતાઈ : દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળતું હોય તો એક કપ ગાજરના રસમાં બે ચમચી સાકર અને એક લીંબુનો રસ નાખીને એકાદ મહિના સુધી પીવાથી પેઢાં મજબૂત થાય છે અને લોહી નીકળતું અટકે છે.

સૌંદર્યવર્ધક : વિવિધ ઉંમરે ખીલ થવાનાં અનેક કારણો હોય છે. પેટ સાફ કરવા માટે રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણની એક ચમચી લેવા ઉપરાંત રોજ અઢીસો ગ્રામ કાચાં ગાજર ચાવી-ચાવીને ખાવાથી ખીલમાં ફાયદો થાય છે. આ લાંબા ગાળાનો ઉકેલ છે. એનાથી ઝટપટ ખીલ મટી જતા નથી, પરંતુ સિસ્ટમ સાફ થઈને રક્તમાં થયેલી અશુદ્ધિઓ દૂર થતાં ખીલ કાયમ માટે મટે છે.

કુપોષણને કારણે નાની ઉંમરે વાળ સફેદ થઈ જતા હોય તો ગાજર ચાવીને ખાવાથી ફાયદો થાય છે. જો કાચાં ગાજર વધુ ખાઈ શકાતાં ન હોય તો સાથે એક કપ ગાજરનો રસ પણ નિયમિત પીવો.

ચહેરા અને હાથ-પગની ત્વચા કાળાશ પડતી થવા લાગી હોય તો ચાર મહિના સુધી નિયમિત એક કપ ગાજરના રસમાં ત્રણ ચમચી મધ નાખીને નરણા કોઠે સેવન કરવાથી ફાયદો થશે. સાથે રોજ રાતે એક ચમચી ત્રિફળાને માખણમાં મેળવીને ચાટી જવું.